કેન્સરના દર્દીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. દેશમાં 137 પ્રકારની કેન્સર વિરોધી દવાઓની કિંમતોમાં ઘટાડો કરવામાં આવ્યો છે. નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી (NPPA) દ્વારા નક્કી કરાયેલી આ સુધારેલી કિંમતો 9 નવેમ્બર, 2026થી અમલમાં આવશે. અલગ-અલગ બ્રાન્ડની 1,000થી વધુ દવાઓની મહત્તમ છૂટક કિંમત (MRP)માં ઘટાડો થયો છે. આ નિર્ણયથી દર્દીઓ અને તેમના પરિવારોને વાર્ષિક અંદાજે રૂ. 3,502 કરોડથી વધુની બચત થવાની અપેક્ષા છે.
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય હેઠળના હેલ્થ સર્વિસિસ ડિરેક્ટોરેટ જનરલ (DGHS) દ્વારા રચાયેલી નિષ્ણાત સમિતિની ભલામણોના આધારે આ નિર્ણય લેવામાં આવ્યો છે. રસાયણ અને ખાતર મંત્રાલય હેઠળ કાર્યરત NPPAએ 17 ઓક્ટોબર, 2026ના રોજ 137 કેન્સર વિરોધી દવાઓની MRP પરના ટ્રેડ માર્જિનની મર્યાદા નક્કી કરી હતી. આ નિર્ણયનો હેતુ કેન્સરની સારવારમાં વપરાતી દવાઓ વધુ પોષણક્ષમ બનાવવાનો છે.
આજ સુધીમાં 76 ફાર્માસ્યુટિકલ કંપનીઓએ 121 દવાઓનાં કુલ 1,225 ફોર્મ્યુલેશનની સુધારેલી MRP જાહેર કરી છે. તેમાંથી 1,031 ફોર્મ્યુલેશનની કિંમતમાં ઘટાડો નોંધાયો છે. ખાસ વાત એ છે કે 600 બ્રાન્ડની દવાઓમાં 50 ટકાથી વધુનો ઘટાડો થયો છે. કેટલીક દવાઓની કિંમતમાં તો 96.45 ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે. ઓળખાયેલી 137 દવાઓમાંથી 10થી 15 દવાઓ હજી ભારતમાં લોન્ચ થઈ નથી. જોકે, ભવિષ્યમાં આ દવાઓ બજારમાં આવશે ત્યારે પણ તેના પર ટ્રેડ માર્જિન રેશનલાઇઝેશનના નિયમો લાગુ પડશે.
કિંમતમાં ઘટાડાની અસર અનેક પ્રકારની કેન્સર વિરોધી દવાઓ પર જોવા મળશે. ઉદાહરણ તરીકે, ફેફસાં, મોટા આંતરડા, અંડાશય અને ગર્ભાશયના મુખના કેન્સરની સારવારમાં વપરાતી Bevacizumab 100 MG Injectionની Bryxta બ્રાન્ડની જૂની MRP રૂ. 25,995 હતી, જે હવે ઘટીને રૂ. 3,318 થઈ છે. BevaciRelની કિંમત રૂ. 24,079થી ઘટીને રૂ. 3,985 અને CIZUMABની કિંમત રૂ. 15,658થી ઘટીને રૂ. 3,103 થઈ છે.
પ્રોસ્ટેટ કેન્સરની સારવારમાં વપરાતી Abiraterone acetate 250 MG Tabletની કેટલીક બ્રાન્ડમાં પણ મોટો ઘટાડો થયો છે. ABIRONEની કિંમત રૂ. 41,250થી ઘટીને રૂ. 3,218.23 થઈ છે. ABIRATની કિંમત રૂ. 36,088.81થી ઘટીને રૂ. 4,064.48 અને AHABIRની કિંમત રૂ. 33,876.50થી ઘટીને રૂ. 4,925 થઈ છે. આ ઉપરાંત સ્તન અને પ્રોસ્ટેટ કેન્સરના દર્દીઓમાં હાડકાંનું નુકસાન અટકાવવા માટે વપરાતી Denosumab 60 MG Injectionની વિવિધ બ્રાન્ડની કિંમતોમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે.
કેન્સરના દર્દીઓમાં ન્યુટ્રોપેનિયા અટકાવવા માટે વપરાતી Pegfilgrastim 6 MG Injectionની PEG FILTERO બ્રાન્ડની કિંમત રૂ. 9,093થી ઘટીને રૂ. 1,631 થઈ છે. Peg-ReliGrastની કિંમત રૂ. 5,331થી ઘટીને રૂ. 1,258 અને Pegexની કિંમત રૂ. 6,270.45થી ઘટીને રૂ. 1,527.78 થઈ છે. બ્લડ કેન્સરની સારવારમાં વપરાતી Azacitidine 100 MG Injectionની AzatiRel બ્રાન્ડની કિંમત રૂ. 7,790થી ઘટીને રૂ. 1,397 અને AZADINEની કિંમત રૂ. 5,964.70થી ઘટીને રૂ. 1,199.50 થઈ છે.
પ્રોસ્ટેટ કેન્સરની સારવારમાં વપરાતી Enzalutamide 40 MG Capsuleની ENZAPTOR 40 બ્રાન્ડની કિંમત રૂ. 20,625થી ઘટીને રૂ. 2,475.60 થઈ છે. જ્યારે સ્તન કેન્સરની સારવારમાં વપરાતી Fulvestrant 250 MG Injectionની FASNORM બ્રાન્ડની કિંમત રૂ. 30,421.87થી ઘટીને રૂ. 3,671.73 થઈ છે. Palbociclib 125 MG Capsuleની Palbopro બ્રાન્ડની કિંમત રૂ. 40,421.33થી ઘટીને રૂ. 2,720 થઈ છે. આ ઉપરાંત ફેફસાંના કેન્સરની સારવારમાં વપરાતી Pemetrexed 500 MG Vialની ReliTrexed બ્રાન્ડની કિંમત રૂ. 9,977થી ઘટીને રૂ. 1,113 થઈ છે. સ્તન કેન્સરની સારવારમાં વપરાતી Pertuzumab 420 MG Injectionની LUPIHER 2 બ્રાન્ડની કિંમત રૂ. 83,520થી ઘટીને રૂ. 37,358.35 થઈ છે.
કેન્સરની સારવાર લાંબા સમય સુધી ચાલતી હોવાથી દવાઓ પાછળ થતો ખર્ચ દર્દીઓ અને તેમના પરિવારો માટે મોટો આર્થિક બોજ બની શકે છે. આવી સ્થિતિમાં દવાઓની કિંમતોમાં ઘટાડો સારવારનો ખર્ચ ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે. સરકારના આ નિર્ણયનો હેતુ કેન્સરની આવશ્યક દવાઓની ઉપલબ્ધતા અને પોષણક્ષમતા વધારવાનો છે.
NPPAના જણાવ્યા મુજબ, 17 ઓક્ટોબર, 2026ના રોજ બહાર પાડવામાં આવેલું SO 5690 (E) નોટિફિકેશન આગામી આદેશ સુધી અમલમાં રહેશે. જોકે, ડ્રગ્સ (પ્રાઇસ કંટ્રોલ) ઓર્ડર, 2013ના ફકરા 20(1) હેઠળ ઉત્પાદકોને વાર્ષિક કિંમતમાં વધારો કરવાની છૂટ મળી શકે છે. આ માટે મહત્તમ 30 ટકાની મંજૂર ટ્રેડ માર્જિન મર્યાદાનું પાલન કરવું જરૂરી રહેશે.
નવી કિંમતોનો અમલ થાય તે માટે રિટેલર, ડીલર, હોસ્પિટલો અને અન્ય સંસ્થાઓએ પોતાની વેબસાઇટ તેમજ પરિસરમાં કેન્સર વિરોધી દવાઓની સુધારેલી MRPની યાદી સ્પષ્ટ રીતે દર્શાવવી પડશે. રાજ્યના ડ્રગ કંટ્રોલર દ્વારા ઉત્પાદકો, ડીલરો, હોસ્પિટલો અને તબીબી સંસ્થાઓ નવી કિંમતોનું પાલન કરે છે કે નહીં તેની દેખરેખ રાખવામાં આવશે.
દર્દીઓ અને તેમના પરિવારજનો દવાઓની નવી કિંમત તપાસવા માટે 'ફાર્મા સહી દામ' મોબાઇલ એપ્લિકેશન અથવા NPPAની સત્તાવાર વેબસાઇટનો ઉપયોગ કરી શકશે. જો કોઈ દુકાનદાર કે સંસ્થા સુધારેલી કિંમત કરતાં વધુ રકમ વસૂલે અથવા નવા નિયમોનું ઉલ્લંઘન કરે તો તેની ફરિયાદ પણ કરી શકાશે. ફરિયાદ માટે monitoring-nppa\@gov.in પર ઇમેઇલ કરી શકાય છે અથવા 1800-11-1255 હેલ્પલાઇન પર સંપર્ક કરી શકાય છે. આ ઉપરાંત NPPAના મોનિટરિંગ વિભાગને નવી દિલ્હીના YMCA કલ્ચરલ સેન્ટર બિલ્ડિંગ, ત્રીજા માળે, 1 જયસિંહ માર્ગ, નવી દિલ્હી-110001 પર લેખિત ફરિયાદ મોકલી શકાય છે.