કેન્દ્ર સરકારે દેશમાં રહેતા વિવિધ શ્રેણીના વિદેશી નાગરિકો માટે પાસપોર્ટ અને વિઝાના નિયમો હળવા કર્યા છે. આમાં પાકિસ્તાનના અમુક નાગરિકો, લઘુમતી શરણાર્થીઓ, શ્રીલંકન તમિલ અને તિબેટીયનોનો સમાવેશ થાય છે. ગુરુવારે જારી કરાયેલા 'ઇમિગ્રેશન એન્ડ ફોરેનર્સ (એક્ઝેમ્પ્શન) (એમેન્ડમેન્ટ) ઓર્ડર, ૨૦૨૬' (Immigration and Foreigners (Exemption) (Amendment) Order, 2026) હેઠળ, નેપાળ, ભૂટાન અને ભારતના નાગરિકો માટે જેઓ આ પડોશી દેશો વચ્ચે અવરજવર કરે છે તેમના માટે મુસાફરી અને ઓળખ સંબંધિત નિયમોને પણ સરળ બનાવવામાં આવ્યા છે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા જારી કરાયેલા સુધારેલા નિયમો અનુસાર જે પાકિસ્તાની નાગરિકો કાયમી વસવાટના ઈરાદા સાથે ૩૧ ડિસેમ્બર, ૨૦૦૯ કે તે પહેલાં ભારતમાં આવ્યા હતા, તેમને હવે પાસપોર્ટ રિન્યુઅલ (નવીકરણ) માટેની સામાન્ય જરૂરિયાતોમાંથી મુક્તિ આપવામાં આવી છે. આ મુક્તિ એવા લોકો માટે છે જેઓ પાકિસ્તાન દ્વારા જારી કરાયેલ 'કમ્પ્યુટરાઈઝ્ડ નેશનલ આઈડેન્ટિટી કાર્ડ' (CNIC) ન હોવાને કારણે તેમના મુસાફરી દસ્તાવેજોનું નવીકરણ કરાવી શકતા નથી.
પાકિસ્તાનમાં રહેતા હોવા દરમિયાન લગ્ન કર્યા ન હોવા જોઈએ
આ મુક્તિ માટે પાત્ર બનવા માટે વ્યક્તિઓએ પાકિસ્તાનમાં રહેતા હોવા દરમિયાન લગ્ન કર્યા ન હોવા જોઈએ કે કોઈ સ્થાવર મિલકત ખરીદી ન હોવી જોઈએ. વધુમાં પાકિસ્તાનમાં રહી ગયેલા તેમના પરિવારના સભ્યો ભારતીય નાગરિક હોવા જોઈએ. આ ઉપરાંત અરજદારોએ એવી બાંહેધરી આપવી પડશે કે તેઓ તે દેશમાં પાછા નહીં જાય. જાહેરનામામાં એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે પોલીસ અથવા સુરક્ષા એજન્સીઓ તરફથી તેમની વિરુદ્ધ કોઈ પ્રતિકૂળ અહેવાલ ન હોવો જોઈએ.
લાભાર્થીઓની ત્રીજી શ્રેણીમાં ભારતીય મૂળની વ્યક્તિઓનો સમાવેશ થાય છે
આ મુક્તિ હેઠળ આવરી લેવામાં આવેલી ત્રીજી શ્રેણીમાં ભારતીય મૂળની એવી વ્યક્તિઓનો સમાવેશ થાય છે જેમણે મલેશિયા કે સિંગાપોરની નાગરિકતા મેળવી હતી અને ૩૧ ડિસેમ્બર, ૨૦૦૯ કે તે પહેલાં તે દેશો દ્વારા જારી કરાયેલા પાસપોર્ટ પર ભારત પરત ફર્યા હતા. આ વ્યક્તિઓના પાસપોર્ટની મુદત સમાપ્ત થઈ ગઈ છે. તેમનું નવીકરણ કરવામાં આવ્યું નથી કારણ કે આ વ્યક્તિઓ સંબંધિત દેશો દ્વારા નિર્ધારિત નવીકરણના માપદંડોને પૂર્ણ કરતા નથી. સૂચના અનુસાર, આ જોગવાઈ હેઠળ "ભારતીય મૂળની વ્યક્તિ" (Person of Indian Origin) એટલે એવી વિદેશી નાગરિક (જેમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, અફઘાનિસ્તાન, ભૂટાન, નેપાળ અને ચીનના નાગરિકોનો સમાવેશ થતો નથી) જેની પાસે અગાઉ ભારતીય પાસપોર્ટ રહ્યો હોય; અથવા એવી વ્યક્તિ જેના માતા-પિતા, દાદા-દાદી (કે નાના-નાની) અથવા પરદાદા-પરદાદી (કે પરનાના-પરનાની) ભારતમાં જન્મ્યા હોય અને 'ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ, 1935' (ભારત સરકાર અધિનિયમ, 1935) હેઠળ વ્યાખ્યાયિત પ્રદેશોમાં અથવા એવા વિસ્તારોમાં કાયમી ધોરણે રહેતા હોય જે પાછળથી ભારતનો ભાગ બન્યા. એક પૂર્વશરત એ છે કે આવી વ્યક્તિઓ ક્યારેય પણ ઉપર જણાવેલ દેશો (પાકિસ્તાન, બાંગ્લાદેશ, વગેરે) ની નાગરિક રહી ન હોવી જોઈએ.
યોગ્ય વિઝા મેળવવાની આવશ્યકતા
ભારતમાં તેમનો રોકાણ ચાલુ રાખવા માટે આ ત્રણ શ્રેણીઓમાં આવતી વ્યક્તિઓએ યોગ્ય શ્રેણીના વિઝા મેળવવા આવશ્યક છે. સૂચનામાં જણાવ્યા મુજબ, ભારત, નેપાળ અને ભૂટાનના નાગરિકો જેઓ આ પડોશી દેશો વચ્ચે સીધી મુસાફરી કરે છે, પછી ભલે તે માર્ગ દ્વારા હોય કે હવાઈ માર્ગે હોય તેઓ નિયમિત પાસપોર્ટના બદલે સરકારના અધિકૃત "વિઝા મેન્યુઅલ" (Visa Manual) માં નિર્દિષ્ટ ઓળખ દસ્તાવેજો રજૂ કરી શકે છે.
અમુક ભારતીય નાગરિકોને છૂટછાટો લાગુ પડતી નથી
તેમાં વધુ સ્પષ્ટતા કરવામાં આવી છે કે, જો ભારતીય નાગરિકો નેપાળ કે ભૂટાન સિવાયના અન્ય દેશોમાંથી આવતા હોય અથવા ત્યાં જતા હોય, તો ભારત-નેપાળ અથવા ભારત-ભૂટાન સરહદ દ્વારા ભારતમાં પ્રવેશતી કે ભારતમાંથી બહાર જતી વખતે તેમને આ જોગવાઈ હેઠળની છૂટછાટો લાગુ પડતી નથી. આવા કિસ્સાઓમાં માન્ય પાસપોર્ટ હોવો ફરજિયાત છે. વધુમાં ભારતમાં પ્રવેશવા કે ભારતમાંથી બહાર જવા માટે તેમણે માત્ર નિર્ધારિત ઇમિગ્રેશન ચેકપોઇન્ટ્સનો જ ઉપયોગ કરવો આવશ્યક છે. આવા કિસ્સાઓમાં પાસપોર્ટના સામાન્ય નિયમો ફરજિયાત છે. ચીન, મકાઉ, હોંગકોંગ અથવા પાકિસ્તાન થઈને ભારત આવતા કે ત્યાં જતા નેપાળ અને ભૂટાનના નાગરિકો પાસે માન્ય પાસપોર્ટ અને માન્ય વિઝા બંને હોવા જરૂરી છે. ત્રીજા દેશોમાં મુસાફરી કરતી વખતે પ્રાદેશિક સરહદો ઓળંગતી વખતે પણ પાસપોર્ટના સામાન્ય નિયમો લાગુ પડે છે. આ નિયમો અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અથવા પાકિસ્તાનમાંથી આવેલા હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી સમુદાયના એવા વ્યક્તિઓને છૂટછાટ આપે છે, જેમને ધાર્મિક અત્યાચાર (અથવા તેના ભય) ને કારણે આશરો લેવાની ફરજ પડી હોય અને તેઓ ૩૧ ડિસેમ્બર, ૨૦૨૪ ના રોજ કે તે પહેલાં ભારતમાં આવ્યા હોય. આ છૂટછાટમાં એવી વ્યક્તિઓનો સમાવેશ થાય છે જેઓ માન્ય પાસપોર્ટ કે અન્ય મુસાફરી દસ્તાવેજો વિના ભારતમાં આવ્યા હતા, તેમજ એવી વ્યક્તિઓ પણ સામેલ છે જેમની પાસેના દસ્તાવેજોની મુદત તે પછી સમાપ્ત થઈ ગઈ હોય. જોકે ભારતમાં રહેવાનું ચાલુ રાખવા માટે તેમણે અહીં આવ્યા પછી યોગ્ય વિઝા મેળવવા પડશે.