દિવાળીના તહેવારો દરમિયાન નાગરિકોની સુરક્ષા અને આરોગ્યલક્ષી કટોકટીના સમયે તાત્કાલિક મદદ મળી રહે તે માટે પંચમહાલ જિલ્લા તંત્ર દ્વારા વિશેષ ઇમરજન્સી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ અંતર્ગત સમગ્ર જિલ્લામાં 33 જેટલી 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવી છે, જેથી ફટાકડાથી દાઝવાના બનાવો, માર્ગ અકસ્માતો કે અન્ય તબીબી કટોકટીના સમયે લોકોને સમયસર સારવાર મળી રહે. કાયદો અને વ્યવસ્થા જાળવવા 26 જનરક્ષક PCR વાન પેટ્રોલિંગ કરશે
દિવાળીના તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તેમજ નાગરિકોને જરૂરિયાતના સમયે તાત્કાલિક પોલીસ મદદ મળી રહે તે માટે 26 જેટલી 112 જનરક્ષક PCR વાન તૈનાત કરવામાં આવી છે. આ વાન જિલ્લાના વિવિધ વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ કરશે અને કોઈપણ ઇમરજન્સી સ્થિતિમાં ત્વરિત મદદ પૂરી પાડશે. 196થી વધુ કર્મચારીઓ દિવસ-રાત સેવાઓ આપશે
આ સમગ્ર ઇમરજન્સી વ્યવસ્થાના સંચાલન માટે 196થી વધુ અનુભવી અને તાલીમબદ્ધ પેરામેડિકલ સ્ટાફ તથા પાયલોટની ટીમો તૈનાત કરવામાં આવી છે. આ તમામ કર્મચારીઓ દિવસ-રાત પોતાની સેવાઓ આપશે. દિવાળીના દિવસોમાં કોઈપણ અનિચ્છનીય બનાવ બને તો તાત્કાલિક કાર્યવાહી થઈ શકે તે માટે તમામ ટીમોને એલર્ટ મોડ પર રાખવામાં આવી છે. ઇમરજન્સીમાં 108 અને 112 નંબર પર સંપર્ક કરવા અપીલ
જિલ્લા તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે દિવાળીના તહેવારો દરમિયાન ફટાકડાથી દાઝવા, અકસ્માત કે અન્ય કોઈપણ ઇમરજન્સી સ્થિતિ સર્જાય તો ગભરાયા વગર તાત્કાલિક 108 અથવા 112 નંબર પર સંપર્ક કરવો. જિલ્લા તંત્ર દ્વારા લોકોને સમયસર મદદ મળી રહે તે માટે તમામ જરૂરી તૈયારીઓ કરવામાં આવી છે.
(સ્રોત: Divya Bhaskar • મારું ગુજરાત • મૂળ અહેવાલ)