તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા તમામ મનપાઓને પોતાના કાર્યક્ષેત્રમાં આવતા વિસ્તારનાં નામો કે જ્યાં અનુસૂચિત જાતિનું સન્માન જળવાતું ન હોય તેવા શેરી, મહોલ્લા- સોસાયટીનાં જૂના નામો બદલી નવાં નામ આપવાની સૂચના અપાઈ હોવાનું જાણવા મળ્યું છે તે આવકાર્ય, અનિવાર્ય અને અભિનંદનીય છે. માનનીય મેયરશ્રી માવાણી સાહેબ દ્વારા કોર્પોરેટરશ્રીઓ પાસેથી જૂનાં નામ બદલી નવાં નામ કરવાની પ્રક્રિયાના ભાગરૂપે જે તે શેરી/મહોલ્લાનું જૂનું નામ તથા સૂચિત-સુધારેલ નવું નામ એમના લેટરપેડ પર તત્કાળ જમા કરાવવાનું જણાવવામાં આવ્યું છે. માહિતી મુજબ 40થી વધુ નામોની યાદી સરકારશ્રીને મોકલી આપવામાં આવી છે. કેટલાંક નામોને કારણે અનુ. જાતિનું સન્માન જળવાતું ન હોવાની રજૂઆતો /ફરિયાદો સરકારમાં અવારનવાર થતી હતી. ત્યારે સરકારનો આ નિર્ણય સ્તુત્ય, આવકારદાયક છે.
આશા છે શહેરના માનવંતા નગરસેવકો નવા નામકરણ માટે તત્કાલ વિગતો મોકલે. શેરી સોસાયટીનાં નામ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, જ્યોતિબા ફૂલે, ભારતરત્ન, બંધારણના ઘડવૈયા, દલિતોના દેવતા ડો. ભીમરાવ આંબેડકર, સંતકબીર સાહેબ, સંત રોહિદાસજી તથા દલિતોના સર્વાંગી વિકાસ માટે સતત પુરુષાર્થ કરનારા મહામાનવો મહાન દેવીદેવતાનાં નામ આપવામાં આવે એ જરૂરી છે. આશા છે ગુજરાત સરકારના પરિપત્રની સફળતા માટે અનુસૂચિત જાતિનાં મંડળો/હોદ્દેદારો પણ નજીકના માનનીય કોર્પોરેટરશ્રીઓને માહિતી પહોંચાડવામાં મદદ કરશે જ.
સુરત – ભગુભાઈ પ્રે. સોલંકી- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.