નવસારી-વિજલપોર પાલિકાના સી.ઓ. અને માજી સ્ટેન્ડિંગ ચેરમેન વિરુદ્ધ ગુનો દાખલ, કારણ જાણી ચોંકી જશો..

નવસારી : એક વર્ષ અગાઉ નવસારીમાં (Navsari) બે ગધેડાની (donkey) લડાઇમાં એક વૃદ્ધને ટક્કર લાગતાં તેમને ગંભીર ઇજા થઇ હતી. જેથી વૃદ્ધના પુત્રે નગરપાલિકાના સીઓ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વિરુદ્ધ શહેરમાં રખડતાં ઢોરોની વ્યવસ્થા કરવામાં નિષ્ફળ હોવાથી ટાઉન પોલીસ મથકે (Police Station) અરજી કરી હતી. પરંતુ પોલીસે ગુનો ન નોંધતાં ઇજાગ્રસ્ત વૃદ્ધના પુત્રએ કોર્ટની મદદ લેતા કોર્ટે પાલિકાના સી.ઓ. અને સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન વિરુદ્ધ પોલીસને ગુનો નોંધવા હુકમ કરતાં નવસારી ટાઉન પોલીસે આખરે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

નવસારી-વિજલપોર પાલિકાના સી.ઓ. અને માજી સ્ટેન્ડિંગ ચેરમેન વિરુદ્ધ ગુનો દાખલ, કારણ જાણી ચોંકી જશો..
સાંકેતિક ફોટો

આ હતી ઘટના

નવસારી ટાઉન પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ નવસારીના વિરાવળ જકાતનાકા નજીક ગાર્ડન વ્યૂ રેસિડન્સી-1માં કરિશ્મા ગાર્ડન એપાર્ટમેન્ટમાં નદીમભાઇ અબ્દુલગની કાપડિયા તેમના પરિવાર સાથે રહે છે. ગત 6ઠ્ઠી ઓગસ્ટ-2019ના રોજ સાંજે નદીમભાઇના પિતા અબ્દુલગની દવા લેવા માટે ગોલવાડ રિંગલ મેડિકલમાં ચાલતા જઇ રહ્યા હતા. ત્યારે ટાવરથી ગોલવાડ તરફ જતી વેળા બંસીધર દુકાન પાસે જાહેર રસ્તા ઉપર બે ગધેડા લડાઇ રહ્યા હતા. અને તેઓ લડતાં લડતાં અબ્દુલગનીને ગધેડાઓએ ટક્કર મારી પાડી નાંખ્યા હતા. જેથી અબ્દુલગનીને ડાબા પગનો થાપાના ભાગે અને હેડ ઓફ ફીમર (બોલ) તૂટી ગયો હતો. જેથી પરિવારજનોએ તેમને તાત્કાલિક નવસારીની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાંથી સુરત જનરલ હોસ્પિટલમાં રિફર કર્યા હતા. જ્યાં હોસ્પિટલમાં તેમનું ઓપરેશન કરાવ્યું હતું. ત્યારબાદ પણ અબ્દુલગનીની તબિયત બગડતાં તાત્કાલિક આઇ.સી.યુ.માં ખસેડ્યા હતા. જો કે, થોડા દિવસો આઇ.સી.યુ.માં રહ્યા બાદ અબ્દુલગનીની તબિયત સુધારા પર આવતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ત્યારબાદ પણ તેઓ પથારીવશ હતા.

ધી ગુજરાત મ્યુનિસિપાલિટીઝ એક્ટની કલમ-2માં ઢોરની વ્યાખ્યા જોવામાં આવે તો તેમાં ગધેડાનો પણ સમાવેશ થઇ જાય છે. જેથી નગરપાલિકાના સી.ઓ. અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની ફરજ છે કે, તેમના દ્વારા જાહેર રસ્તાઓ ઉપર ફરતા ગધેડાઓને રસ્તા ઉપરથી દૂર કરી સલામતીવાળી જગ્યાએ ખસેડવાના હોય છે. છતાં તેઓએ તેમની ફરજ ન નિભાવી હતી. તેમજ પ્રજાને જાન અને માલનું નુકસાન ન થાય તે અટકાવવા માટેના કોઇ પ્રયત્ન કરવામાં આવ્યા ન હતા. જેથી નદીમે નવસારી ટાઉન પોલીસ મથકે નગરપાલિકાના સી.ઓ. દશરથસિંહ ગોહિલ અને પાલિકાના માજી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પ્રેમચંદ લાલવાણી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ પી.આઇ. એચ.આર. વાઘેલાએ હાથ ધરી છે.

નવસારી-વિજલપોર પાલિકાના સી.ઓ. અને માજી સ્ટેન્ડિંગ ચેરમેન વિરુદ્ધ ગુનો દાખલ, કારણ જાણી ચોંકી જશો..

પોલીસે ગુનો નહિ નોંધતાં પોલીસ વિરુદ્ધ કોર્ટમાં અરજી દાખલ કરી હતી
અત્રે ઉલ્લેખનીય છે કે, નદિમ કાપડિયાએ અગાઉ નવસારી ટાઉન પોલીસ મથકે અરજી કરી હતી. પરંતુ પોલીસે ગુનો નહિ નોંધતાં નદીમે પોલીસ વિરુદ્ધ નવસારીની ચીફ કોર્ટમાં 156(3) મુજબની પ.ફો.અ.નં. 162/2020થી અરજી દાખલ કરી હતી. જ્યાં નવસારી ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એમ.એ.શેખે એફ.આઇ.આર. રજિસ્ટર્ડ કરવાનો હુકમ કર્યો હતો.

Related Posts