Charchapatra

નર્મદ સાહિત્ય સભા આ તે શા તુજ હાલ?

હમણાં કવિ નર્મદની જન્મ જયંતી પણ અફસોસ સુરતમાં વર્ષો જૂની નર્મદ સાહિત્ય સભા જે આજે સુષુપ્ત અવસ્થામાં છે. તેના દ્વારા કોઇ કાર્યક્રમનું આયોજન થયું નહીં. એક સમયે એવો હતો કે નર્મદ સાહિત્ય સભાનો મંચ વિવિધ પ્રવૃત્તિઓ, સ્પર્ધાઓ, વ્યાખ્યાનો વગેરે થકી ધમધમતો હતો પરંતુ છેલ્લા કેટલાક વખતથી એ સંસ્થાને કોઇની નજર લાગી ગઈ. સાંભળવા મળ્યા પ્રમાણે સંસ્થાના પ્રમુખની નાદુરસ્ત તબિયતને કારણે એમણે રાજીનામું આપવાની વાત કરેલી અને ત્યારથી જ સત્તા મેળવવા માટેનું રાજકારણ શરૂ થયું.

જાણવા મળેલ માહિતી પ્રમાણે સંસ્થાના જ એક હોદ્દેદારને પ્રમુખ બનવું હતું એટલે એમણે કેટલાક વ્યક્તિઓ કે જેઓ નર્મદ સાહિત્ય સભાના સભ્ય નહોતા તેમનો સાથ લીધો. એમને મોહરા રૂપે આગળ ધરીને અન્ય કારણોના ઓઠા હેઠળ ચળવળ શરૂ કરી. સાધારણ તથા કોઇ પણ સંસ્થામાં મતભેદો ઊભા થાય ત્યારે સાથે બેસીને એનું નિરાકરણ થતું હોય છે પણ અહીં તો નર્મદના નામને બટ્ટો લાગે એવી પ્રવૃત્તિઓ કરીને આ રીતે પ્રમુખપદ મેળવવા માટે કાવાદાવા શરૂ થયા. જેઓ સાહિત્ય સભા સાથે વર્ષોથી સંકળાયેલા હતા તેઓએ પણ અંદર રહીને નિરાકરણ લાવવાને બદલે  વર્તમાન હોદ્દેદારોની સામે સોશ્યલ મિડિયામાં પ્રચાર અને પ્રસાર કરીને જેઓ નર્મદ સાહિત્ય સભાના સભ્ય નથી તેમને આગળ ધરીને દાબદબાણની પ્રવૃત્તિ કરી.

જો તેઓ સાચા નર્મદના હિતેચ્છુ હોતે તો શહેરના ઘણા જાણીતા સાહિત્યકારોને સાથે રાખીને આ જે કોઇ પ્રશ્નો ઊભા થયા તેનું નિરાકરણ લાવીને નર્મદનું નામ ઊંચું રાખી શકયા હોત. હોદ્દાની લાલસામાં જે હોદ્દેદાર રમત રમ્યા તેમને સીધી કે આડકતરી રીતે ટેકો આપ્યો અને નર્મદ સાહિત્ય સભાને સુષુપ્ત અવસ્થામાં દોરી ગયા. કેટલાક સભ્યોએ તો કબૂલ કર્યું કે પાંચ વર્ષ પહેલાં પણ વર્તમાનપત્રમાં આ ચળવળ શરૂ થયેલી અને તે વખતે પ્રશ્નોનું નિરાકરણ અંદર રહીને કરવું જોઇએ એવો એમનો અભિપ્રાય આપેલો હોવા છતાં આ વખતે તેઓએ નર્મદ સાહિત્ય સભામાં વાત કરી નહીં. જેમણે પણ નર્મદ સાહિત્ય સભા સામે ચળવળ શરૂ કરેલી તેમના ખોળામાં બેસી ગયા.

આને કારણે ખૂબ જ પ્રતિષ્ઠિત એવી નર્મદ સાહિત્ય સભા ચર્ચાના ચકડોળે  ચડી ગઈ. માત્ર સુરત નહીં, ગુજરાતભરનાં શહેરોમાં વિવિધ સાહિત્યકારોએ આ બાબત પર પોતાનો અણગમો પણ વ્યક્ત કર્યો. નર્મદની જયંતી પર કોઇ કાર્યક્રમ ન થાય એ તો ચલાવી કેવી રીતે લેવાય? પરંતુ જેઓ એવું માનતા હતા કે અમે હોદ્દેદાર તરીકે શ્રેષ્ઠ છીએ તેમણે  નર્મદના નામને હાનિ પહોંચાડી અને સાહિત્યજગતની કુસેવા કરી. સાથોસાથ નર્મદ સાહિત્ય સભાના જે પણ સાહિત્યકારો આજીવન સભ્ય છે એમણે પણ મધ્યસ્થી બનીને પ્રશ્નનું નિરાકરણ લાવવામાં મદદ ન કરી એ ચિંતાની બાબત છે. કવિ નર્મદના નામની સંસ્થા કે જે શતાબ્દીની પાસે પહોંચી છે તેમાં આવી સત્તાની સાઠમારી અયોગ્ય છે. સુરતના સાહિત્યકારો જાગૃત થાય અને સુષુપ્ત નર્મદ સાહિત્ય સભા ફરીથી પ્રવૃત્તિ કરે એવા સહિયારા પ્રયત્નો કરે એવી જ અભ્યર્થના.
સુરત     – મનહર દેસાઈ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે

Most Popular

To Top