Entertainment

નાનાં પાટેકરને આવ્યો હતો ગંભીર કાર્ડિયાક અરેસ્ટ

45 મિનિટ સુધી CPR છતાં ડૉક્ટરો બચાવી ન શક્યા, ગોવામાં ઘરે બેભાન હાલતમાં મળ્યા

ભારતીય સિનેમાના દિગ્ગજ અભિનેતા નાના પાટેકરનું 75 વર્ષની વયે નિધન થયું છે. ગોવામાં પોતાના ઘરે ગંભીર કાર્ડિયાક અરેસ્ટ આવ્યા બાદ તેમની તબિયત અચાનક બગડી હતી. તેમને બેભાન હાલતમાં તાત્કાલિક મણિપાલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડૉક્ટરોએ લગભગ 45 મિનિટ સુધી સતત CPR કરીને તેમને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, સારવાર દરમિયાન કોઈ પ્રતિસાદ ન મળતાં સવારે 5:20 વાગ્યે તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

રાત્રિથી જ તબિયત ખરાબ હતી
હોસ્પિટલ સાથે જોડાયેલી માહિતી અનુસાર, નાના પાટેકર ગોવાના ડોના પાઉલા ખાતે પોતાના નિવાસસ્થાને હતા. મળતી માહિતી પ્રમાણે તેમને અગાઉની રાતથી માથામાં દુખાવો હતો. બાદમાં તેમની તબિયત વધુ ખરાબ થઈ અને તેઓ બેભાન થઈ ગયા હતા. તે સમયે તેમના ભત્રીજા પ્રસાદ પાટેકર પણ ઘરે હાજર હોવાનું અહેવાલમાં જણાવાયું છે. ત્યારબાદ તેમને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા.

ડૉક્ટરોએ 45 મિનિટ સુધી કર્યો બચાવનો પ્રયાસ
મણિપાલ હોસ્પિટલના ચીફ ઑફ ઑન્કોલોજી વિભાગના ડૉક્ટર શેખર સાલકરે જણાવ્યું કે નાના પાટેકરને હોસ્પિટલ પહોંચાડ્યા બાદ મેડિકલ ટીમે સતત લગભગ 45 મિનિટ સુધી CPR કર્યું હતું. તેમ છતાં તેમના શરીરે સારવારનો કોઈ પ્રતિસાદ આપ્યો નહોતો. ડૉક્ટરના જણાવ્યા પ્રમાણે તેમને ગંભીર કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો અને તમામ પ્રયાસો છતાં તેમને પુનર્જીવિત કરી શકાયા નહોતા. આ મામલે મેડિકો-લીગલ કેસ (MLC) નોંધવામાં આવ્યો છે અને પોસ્ટમોર્ટમ કરવામાં આવનાર હોવાનું પણ જણાવાયું છે.

અંતિમ કલાકોની માહિતી પણ સામે આવી
નાના પાટેકરની અંતિમ પળો અંગે વધુ માહિતી પણ સામે આવી છે. તેઓ રાત્રે લગભગ 2:30 વાગ્યે અસ્વસ્થતા અનુભવી રહ્યા હતા અને તેમણે એક મિત્રને મેસેજ કર્યો હતો. મિત્ર લગભગ સવારે 4 વાગ્યે તેમના ઘરે પહોંચ્યો ત્યારે નાના પાટેકર પ્રતિસાદ આપતા નહોતા. ત્યારબાદ તાત્કાલિક તબીબી મદદ બોલાવવામાં આવી હતી અને તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હોસ્પિટલ પહોંચ્યા બાદ ડૉક્ટરો દ્વારા લગભગ 45 મિનિટ સુધી CPR કરવામાં આવ્યું હતું.

પાંચ દાયકાથી વધુની યાદગાર ફિલ્મી સફર
નાના પાટેકરનું સાચું નામ વિશ્વનાથ પાટેકર હતું. 1 જાન્યુઆરી 1951ના રોજ મહારાષ્ટ્રમાં જન્મેલા નાનાએ 1978ની ફિલ્મ ‘ગમન’થી હિન્દી સિનેમામાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ ‘પરિંદા’, ‘ક્રાંતિવીર’, ‘અગ્નિસાક્ષી’, ‘યશવંત’, ‘અબ તક છપ્પન’, ‘અપહરણ’, ‘રાજનીતિ’, ‘નટસમ્રાટ’ અને ‘વેલકમ’ જેવી અનેક ફિલ્મોમાં પોતાના દમદાર અભિનયથી અલગ ઓળખ બનાવી હતી. તેમને ત્રણ નેશનલ ફિલ્મ એવોર્ડ મળ્યા હતા અને વર્ષ 2013માં તેમને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

નાના પાટેકર માત્ર અભિનેતા તરીકે જ નહીં, પરંતુ સામાજિક કાર્યો સાથે જોડાયેલા વ્યક્તિ તરીકે પણ જાણીતા હતા. તેમના અચાનક નિધનથી હિન્દી અને મરાઠી ફિલ્મ જગતમાં શોકની લાગણી ફેલાઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક રાજકીય નેતાઓ અને ફિલ્મી હસ્તીઓએ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી છે.દમદાર સંવાદ, આગવો અભિનય અને યાદગાર પાત્રોથી દર્શકોના દિલમાં સ્થાન બનાવનાર નાના પાટેકરની વિદાય ભારતીય સિનેમા માટે એક મોટી ખોટ છે.

Most Popular

To Top