કચ્છના મુંદ્રા પોર્ટ માટે મોટી સિદ્ધિ સામે આવી છે. કેન્દ્ર સરકારે દેશના ચાર બંદરોને પ્રથમ વખત ‘મેગા પોર્ટ’ તરીકે જાહેર કર્યા છે. આ યાદીમાં અદાણી ગ્રુપ સંચાલિત મુંદ્રા પોર્ટને પણ સ્થાન મળ્યું છે. ખાસ વાત એ છે કે જાહેર કરાયેલા ચારેય મેગા પોર્ટમાં મુંદ્રા એકમાત્ર એવું પોર્ટ છે, જે મુખ્ય સરકારી પોર્ટની શ્રેણીમાં આવતું નથી. કેન્દ્ર સરકાર દ્વારા 25 સપ્ટેમ્બર, 2026ના રોજ જારી કરાયેલા રાજપત્રમાં આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.
સરકારની આ યાદીમાં ગુજરાતનું દીનદયાળ પોર્ટ (કંડલા), મહારાષ્ટ્રનું જવાહરલાલ નેહરુ પોર્ટ (ન્હાવા શેવા), ઓડિશાનું પારાદીપ પોર્ટ અને ગુજરાતનું મુંદ્રા પોર્ટ સામેલ છે. આ ચારેય બંદરોએ ‘મેગા પોર્ટ’ માટે નક્કી કરાયેલા માપદંડ પૂર્ણ કર્યા હોવાનું સરકારના નોટિફિકેશનમાં જણાવાયું છે. આ નિર્ણય ઇન્ડિયન પોર્ટ્સ એક્ટ, 2025ની કલમ 73 હેઠળ લેવામાં આવ્યો છે.
શું છે ‘મેગા પોર્ટ’નો માપદંડ?: ઇન્ડિયન પોર્ટ્સ એક્ટ, 2025 હેઠળ મેગા પોર્ટની કેટેગરી માટેના માપદંડ જુલાઈ 2026માં નક્કી કરવામાં આવ્યા હતા. નિયમ મુજબ બલ્ક કાર્ગો સંભાળતા પોર્ટ માટે વાર્ષિક ઓછામાં ઓછા 150 મિલિયન મેટ્રિક ટન કાર્ગો હેન્ડલિંગની ક્ષમતા અથવા કામગીરીનો માપદંડ રાખવામાં આવ્યો છે. જ્યારે કન્ટેનર પોર્ટ માટે વાર્ષિક ઓછામાં ઓછા 7.5 મિલિયન TEU કન્ટેનર હેન્ડલિંગનો માપદંડ નક્કી કરવામાં આવ્યો છે.25 સપ્ટેમ્બરના નોટિફિકેશન બાદ આ ચારેય બંદરોને ‘મેગા પોર્ટ’નો વિશેષ દરજ્જો મળ્યો છે. આ દરજ્જો પાંચ વર્ષ માટે લાગુ રહેશે. એટલે કે આગામી પાંચ વર્ષ દરમિયાન મુંદ્રા સહિત આ ચાર બંદરોને દેશના મહત્વપૂર્ણ મોટા પોર્ટ તરીકે વિશેષ કેટેગરીમાં ગણવામાં આવશે.
મુંદ્રા પોર્ટની ખાસિયત શું છે?: મુંદ્રા પોર્ટ ભારતના મહત્વના કોમર્શિયલ પોર્ટ્સમાંનું એક છે. અદાણી પોર્ટ્સના 2026ના ઓપરેશનલ ડેટા અનુસાર મુંદ્રા પોર્ટ પાસે 29 બર્થ છે, જેમાં 27 બર્થ અને બે સિંગલ પોઇન્ટ મૂરિંગનો સમાવેશ થાય છે. પોર્ટ પર ડ્રાય અને લિક્વિડ કાર્ગો, ઓટોમોબાઇલ્સ તેમજ કન્ટેનર સહિત વિવિધ પ્રકારના માલનું સંચાલન થાય છે. પોર્ટની ઇન્સ્ટોલ્ડ ક્ષમતા 274 MMT અને 2026ના આંકડા મુજબ થ્રુપુટ 192 MMT નોંધાયો છે.મુંદ્રા પોર્ટની કનેક્ટિવિટી પણ તેની મહત્વની વિશેષતા છે. રેલવે અને રોડ નેટવર્ક મારફતે તેને દેશના વિવિધ ઔદ્યોગિક અને વપરાશ કેન્દ્રો સાથે જોડવામાં આવ્યું છે. ગુજરાત સરકારના પોર્ટ સંબંધિત દસ્તાવેજ મુજબ મુંદ્રા પોર્ટ 1998થી કાર્યરત છે અને શરૂઆતથી જ વિવિધ પ્રકારના કાર્ગો માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવામાં આવ્યું છે.
કન્ટેનર ક્ષેત્રમાં પણ મુંદ્રાનું મહત્વ નોંધપાત્ર છે. અદાણી પોર્ટ્સના જણાવ્યા મુજબ નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન મુંદ્રા પોર્ટે 8.5 મિલિયન TEU કન્ટેનર હેન્ડલ કર્યા હતા. કંપનીના જણાવ્યા મુજબ આ પોર્ટ દેશના કન્ટેનર ટ્રેડ માટે મહત્વનું ગેટવે છે.સરકાર દ્વારા ‘મેગા પોર્ટ’નો દરજ્જો મળ્યા બાદ મુંદ્રા પોર્ટનું મહત્વ દેશના દરિયાઈ વેપાર અને લોજિસ્ટિક્સ ક્ષેત્રમાં વધુ સ્પષ્ટ બન્યું છે. આ નિર્ણય ભારતના મોટા પાયાના બંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચરને એક અલગ કેટેગરીમાં ઓળખ આપવાના દિશામાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.