બારડોલીના કરચકામાં મુંબઈથી આવેલ મહિલાનો રિપોર્ટ પોઝિટીવ

બારડોલી શહેર બાદ કોરોનાએ ગ્રામ્ય વિસ્તારમાં પણ પ્રવેશ કરી દીધો છે. બારડોલી તાલુકાનાં કરચકા ગામે મુંબઈથી આવેલ મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયુ હતું. હાલ આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્રએ ગામમાં પહોંચી ક્વોરોંટાઈનની કામગીરી શરૂ કરી હોવાનું જાણવા મળે છે.

આ અંગે મળતી માહિતી અનુસાર મુંબઈ ખાતે રહેતી 45 વર્ષીય મહિલા દક્ષા જગદીશભાઇ માહયાવંશી સરકાર દ્વારા લોકડાઉનમાં છૂટછાટ મળતા જ ગત 19મી મેના રોજ મુંબઈથી પરિવાર સાથે પોતાના ગામ બારડોલી તાલુકાનાં કરચકા ખાતે આવી હતી. આરોગ્ય વિભાગને જાણ થતાં જ બીજા દિવસે બુધવારના રોજ તેમનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં દક્ષાને કોરોના હોવાનું જાણવા મળ્યું હતું. આરોગ્ય વિભાગની ટીમે તાત્કાલિક ગામમાં પહોંચી દક્ષાને એમ્બ્યુલેન્સના મારફતે બારડોલી નજીક ઉકા તરસાડીયા યુનિવર્સિટીમાં બનાવવામાં આવેલ કોવિડ 19 સેન્ટરમાં દાખલ કરવામાં આવી હતી. બીજી તરફ આરોગ્ય વિભાગ દ્વારા કરચકામાં દક્ષાના સંપર્કમાં આવેલ લોકોને ક્વોરોંટાઇન કરવાની કામગીરી કરવામાં આવી રહી છે તેમજ ગામના લોકોને પણ સાવચેતીના ભાગરૂપે બહાર ન નીકળવા અપીલ કરાય રહી છે. વહીવટી તંત્ર દ્વારા કરચકા ગામને ક્વોરોંટાઇન ક્ષેત્ર જાહેર કરવા માટે દરખાસ્ત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

Related Posts