દેશના આર્થિક પાટનગર મુંબઇની દશા બેઠી છે, બોલીવુડના પણ આવા હાલ..

મુંબઇ મહાનગર એ લાંબા સમયથી સમગ્ર ભારત વાસીઓના આકર્ષણનું કેન્દ્ર છે. એક સમયે થોડા નિર્જન ટાપુઓનો સમૂહ એવું મુંબઇ અંગ્રેજોના સમયમાં વિકસવા માંડ્યુ અને ધીમે ધીમે તેનો એવો વિકાસ થયો કે તે ભારતના આર્થિક પાટનગરનો દરજજો ભોગવવા માંડ્યું. દેશભરમાંથી મોટા પ્રમાણમાં લોકો આ મહાનગરમાં અાવીને વસ્યા છે. ભારતીય હિન્દી સિનેજગતનું મુખ્ય કેન્દ્ર પણ અહીં જ છે જે બોલીવૂડ તરીકે જાણીતું થયું છે. ઘણા બધા લોકોને આ મહાનગરની માયા એવી છે કે તકલીફો ભોગવીને પણ તેઓ અહીં રહેવાનું પસંદ કરે છે અને તેથી જ કદાચ આ મહાનગર મોહમયી નગરી તરીકે પણ ઓળખાયું છે. પણ આજકાલ આ મોહમયી નગરીની માઠી દશા ચાલી રહી છે. કોરોનાવાયરસની કટોકટીએ આ મહાનગરને બરાબરનો ભરડો લીધો છે.

માર્ચ મહિનામાં ભારતમાં કોરોનાવાયરસના કેસો વધવા માંડ્યા ત્યાર બાદ થોડા જ સમયમાં કેરળને પાછળ મૂકીને મહારાષ્ટ્રમાં કેસો વધી ગયા. મુંબઇ મહાનગરમાં પ્રથમ કેસ નોંધાયો પછી થોડા જ સમયમાં તો અહીં આ વાયરસના કેસો ઝડપભેર વધવા માંડ્યા. મુંબઇ એરપોર્ટ ભારતનું અગ્રણી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છે અને આ શહેરમાં વિદેશોથી અાવનારા લોકોની સંખ્યા પણ ખૂબ મોટી હોય છે તે કદાચ એક મહત્વનું કારણ હશે, પણ આ મહાનગરમાં કોરોનાવાયરસના કેસો ખૂબ જ વધી ગયા. આજે એવી સ્થિતિ છે કે અહીં લગભગ દરરોજના એક હજાર નવા કેસો ઉમેરાય છે. ૧પમી મેના આંકડા મુજબ મુંબઇમાં ૧૭૬૭૧ કેસો અને ૬પ૫ જેટલા મૃત્યુઓ નોંધાયા હતા. અેશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી એવી ધારાવી ઝૂંપડપટ્ટીમાં આ શહેરમાં આવેલી છે અને આ ઝૂંપડપટ્ટીમાં અચાનક મોટા પ્રમાણમાં કેસો નીકળતા મોટી ચિંતા સર્જાઇ. જો કે સદભાગ્યે ધારાવીમાં મહાભયંકર કહી શકાય તેવા કરૂણ સંજોગો સર્જાયા નહીં. પરંતુ આજે મુંબઇ મહાનગરની સ્થિતિ એવી છે કે અહીં હોસ્પિટલોમાં પથારીઓ ઓછી પડે છે. ડોકટરો અને નર્સોની પણ જાણે તંગી વર્તાય છે. દેશના મોટા મોટા ઉદ્યોગોના વડામથકો ધરાવતું અને જ્યાં દેશના અગ્રણી ઉદ્યોગપતિઓ, સંખ્યાબંધ અબજપતિઓ વસે છે તે દેશનું આ અાર્થિક પાટનગર આજે તો મહા આપત્તિનો સામનો કરી રહ્યું છે. આમ તો આ મહાનગર અગાઉ પણ પ્લેગનો ભયાનક રોગચાળો અંગ્રેજી શાસન દરમ્યાન જોઇ ચુક્યું છે અને તેમાંથી બહાર આવીને ફરી બેઠું થઇ ગયું છે ત્યારે પ્રાર્થના કરીએ કે આ કોરોનાવાયરસ કટોકટીમાંથી પણ તે સાંગોપાંગ પાર ઉતરે.

Related Posts