હજારો વર્ષથી માનવ સંસ્કૃતિ નદીના કિનારે વિકાસ પામતી આવી છે. જે પોષતું તે મારતું તે ન્યાયે આ નદીઓ સમયે સમયે વિનાશ પણ વેરતી આવી છે. નદીઓના પૂરને કાબુમાં લેવા અને જળનો સંગ્રહ કરવા માટે નદીઓ પર બંધ બાંધવાનો ખયાલ વિકસ્યો. છેલ્લી બે સદીમાં વિશ્વમાં હજારો બંધ બાંધવામા આવ્યા અને તે ઉપયોગી પણ ઘણા થયાં પરંતુ આ જ બંધો હવે દુનિયા માટે ભય સર્જવા લાગ્યા છે.
હાલમાં બહાર પડેલો યુએનનો એક અહેવાલ જણાવે છે કે દુનિયામાં પચાસ હજાર કરતા વધુ બંધો એવા છે કે જેઓ આગામી કેટલાક સમયમાં ભયજનક બની જઇ શકે છે. વિશ્વની અનેક મોટી નદીઓના પાણીનો સંગ્રહ કરવા માટે અને તેના વડે મોટા વિસ્તારમાં સિંચાઇ કરવા માટે તથા પૂરની સમસ્યાના ઉકેલ માટે પણ ગત સદીમાં દુનિયાભરમાં અનેક મોટા બંધો બંધાયા, પણ હવે આમાંના ઘણા બંધો જોખમી બનવા માંડ્યા છે અને એક મોટો ખતરો ઉભો કરવા માંડ્યા છે. યુએન સાથે સંકળાયેલા કેટલાક નિષ્ણાતોએ તૈયાર કરેલા અહેવાલ મુજબ પ૮૭૦૦ જેટલા વિશ્વના મોટા બંધોમાંથી મોટા ભાગના બંધો હવે જરીપુરાણા થઇ ગયા છે અને તૂટી પડે તેવો પણ ખતરો ધરાવતા થઇ ગયા છે. વિશ્વના મોટા ભાગના મોટા બંધો ૧૯૩૦થી ૧૯૭૦ વચ્ચે બંધાયા હતા અને આમાંના મોટા ભાગના બંધો ૫૦થી ૧૦૦ વર્ષના આયુષ્યના અંદાજ સાથે બાંધવામાં આવ્યા હતા. આનો અર્થ એ કે આ બંધોનું આયુષ્ય હવે પુરુ જ થઇ જવા આવ્યું છે. એક અંદાજ પ્રમાણે જો આ બંધો તૂટી પડે તો ૮૩૦૦ અબજ ઘન કિલોમીટર પાણી વછૂટી શકે છે અને આ પાણીનો જથ્થો એટલો બધો થાય કે અમેરિકાની વિશાળ ગ્રાન્ડ કેન્યોન ખીણને તેના વડે બે વખત ભરી શકાય. આ બંધોમાં અમેરિકાના હૂવર બંધ અને ઇજિપ્તના આસ્વાન બંધ જેવા જાણીતા બંધો સહિત અનેક બંધો આવેલા છે, ભારતના ૧૦૦૦થી વઘુ બંધોનો પણ તેમાં સમાવેશ થાય છે. આમાં વક્રતા એ પણ છે કે આ મોટા ભાગના બંધો અમેરિકા,ચીન જેવા દેશોની આગેવાની હેઠળના વિશ્વના ૨પ દેશોમાં જ આવેલા છે. અને ૫૫ ટકા જેટલાં બંધો તો એશિયામાં જ આવેલા છે.
છેલ્લી બે સદીઓમાં ભારત સહિત દુનિયાના અનેક દેશોમાં જળ બંધો એ જાણે વિકાસ માટે અનિવાર્ય બની ગયા હોય તેવું વર્તન થવા લાગ્યું હતું. જો કે નિષ્ણાતો તો લાંબા સમયથી આ બંધોના ખતરાઓ અંગે ચેતવણી આપતા જ આવ્યા છેે. જો જમીનનો યોગ્ય ખ્યાલ રાખીને બંધ નહીં બાંધવામાં આવે તો તો બંધો ખૂબ ભયજનક બની શકે છે. બંધની અંદરના વિશાળ જળરાશીના કારણે જમીનના અંદરના સ્તરો પર ભારે દબાણ આવે છે અને તે ભૂગર્ભીય પ્રવૃતિ વધારી દે છે અને તેને કારણે ધરતીકંપનો ભય પણ વધી જાય છે. વિશ્વમાં વધેલા ધરતીકંપોના બનાવો માટેનું એક કારણ વિશાળ બંધો પણ છે અને ધરતીકંપ જેવા કારણોસર બંધ તૂટે તો તો કેવી મોટી વિભીષીકા સર્જાય છે તે તો આપણે મોરબીના મચ્છુ બંધ તૂટવાની ઘટના વખતે ખૂબ નજીકથી જોયું છે. હજી પણ સમય છે, હવે મોટા જળબંધો અને જળયોજનાઓને બદલે નદીઓ પર નાના નાના અનેક બંધો બાંધવા જેવી વ્યુહરચનાઓ અપનાવવાની જરૂર છે.