દેશના શહેરી ગરીબોને લૉકડાઉને વધુ ગંભીર અસર કરી: જોણો કેટલા લોકોની બચતો પુરી થવાના આરે

સારા કહેવાતા દિવસોમાં પણ ભારતમાં ગરીબો(Poor) જેમ તેમ અસ્તિત્વ ટકાવી રાખતા હોય છે ત્યારે જરા વિપરીત સંજોગો સર્જાય કે તેમના માટે ઘણી મુશ્કેલીઓ આવીને ઉભી રહી જાય છે. હાલ કોરોનાવાયરસના રોગચાળાને વધુ ફેલાતો રોકવામાં આવ્યો પછી ગરીબોની કેવી કફોડી હાલત થઇ ગઇ તે બધાએ જોઇ લીધું છે અને બીજા રાજ્યોમાં રોજગારી માટે ગયેલા સ્થળાંતરિત શ્રમિકો(Migrant Workers)એ કેવા મુશ્કેલ સંજોગોનો સામનો કરવો પડ્યો તે પણ બધાએ જોયું.

દેશના શહેરી ગરીબોને લૉકડાઉને વધુ ગંભીર અસર કરી: જોણો કેટલા લોકોની બચતો પુરી થવાના આરે

પણ હવે એક નવી વાત એ બહાર આવી છે કે દેશના શહેરોમાં વસતા ૧૩ કરોડ ૯૦ લાખ જેટલા લોકોની બચતો ખૂબ ઘસાઇ ગઇ છે અને આ મહિનાના અંત સુધીમાં આ લોકોની લગભગ તમામ બચતો પુરી થઇ જશે. આવું એટલા માટે બન્યું છે કે લૉકડાઉન(Lockdown) દરમ્યાન ધંધા-રોજગાર બંધ રહેવાથી તેમની આવક લગભગ સંપૂર્ણ બંધ થઇ ગઇ હતી અને આ લોકોએ પોતાના રોજબરોજના ખર્ચાઓ માટે પણ પોતાની આછીપાતળી બચત પર આધાર રાખવો પડ્યો હતો અને હવે આ બચત પણ સમાપ્ત થઇ જવાના આરે આવીને ઉભી રહી ગઇ છે. દેખીતી રીતે આ ૧૩ કરોડથી વધુ લોકો શહેરી ગરીબો છે અને આ એવા ગરીબો છે કે જેઓ ભીખ માગીને કે ધર્માદાઓ પર ટકી રહેનારા નથી. આ ગરીબો મહેનત મજૂરી કરીને ગુજરાન ચલાવતા લોકો છે અને આવા ગરીબ કુટુંબોની જે થોડી ઘણી બચત પણ હતી તે પણ હવે આ મહિનાના અંત સુધીમાં ખલાસ થઇ જશે.

આમ તો ભારત જેવા વિશાળ વસ્તી ધરાવતા દેશમાં ગરીબોની સ્થિતિનું ચોક્કસ આકલન કરવું મુશ્કેલ હોય છે પરંતુ સરકારી સૂત્રો તરફથી મળેલી માહિતીના આધારે કરવામાં આવેલા એક વિશ્લેષણમાં આ વાત બહાર આવી છે કે ૧૩ કરોડથી વધુ લોકો, બલ્કે ૧૪ કરોડ જેટલા લોકો- કે જેઓ શહેરી વિસ્તારોમાં વસે છે તેમની આછી પાતળી બચતો હવે પુરી થવાની તૈયારીમાં છે. આ ગરીબો શહેરી વસ્તીના ૩૦ ટકા જેટલા થાય છે અને આના પરથી ખ્યાલ અાવી શકશે કે વસ્તીનો કેટલો મોટો ભાગ સખત આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે. આ વિશ્લેષણમાં એ વાત પણ બહાર આવી છે કે શહેરી ગરીબો કરતા ગ્રામીણ ગરીબોની હાલત થોડી સારી છે.

દેશના શહેરી ગરીબોને લૉકડાઉને વધુ ગંભીર અસર કરી: જોણો કેટલા લોકોની બચતો પુરી થવાના આરે

આ ગરીબો પાસે હજી પણ થોડી બચત ટકી રહે તેમ છે અને અન્ય સ્ત્રોતો પણ તેમને ટેકો આપી શકે તેમ છે. વળી, ખેતીને ટેકો આપતી સરકારી યોજનાઓ અને ગામડાઓમાં અર્થતંત્ર વહેલું ખુલી ગયું હોવાનો ફાયદો પણ ગ્રામ્ય ગરીબોને થઇ શકે છે. પરંતુ આ સર્વે પરથી એક વાત સાબિત થઇ ગઇ છે કે શહેરમાં વસતા ગરીબોનો એક ઘણો મોટો વર્ગ કેવી કફોડી હાલતમાં જીવી રહ્યો છે. ગરીબી નિવારણ અને આર્થિક વિકાસના મોટા મોટા દાવાઓ છતાં સમાજના એક ઘણા મોટા વર્ગની સુખાકારી સુતરના તાંતણે લટકી રહી છે તે એક કરૂણ વાસ્તવિકતા છે.

Related Posts