રશિયા ફેક ન્યૂઝ ફેલાવે છે: ઑક્સફર્ડની રસી લેવાથી માણસો વાંદરા બની જશે!

કોરોનાવાયરસ સામે રક્ષણ માટે વિશ્વભરમાં વિકસાવાઇ રહેલ રસીઓમાં જે મોખરે ગણાય છે તે બ્રિટનના ઓક્સફર્ડ યુનિવર્સિટીના સંશોધકો દ્વારા વિકસાવવામાં આવેલ રસી વિશે રશિયા હવે બનાવટી સમાચારો અને અફવાઓ ફેલાવવા માંડ્યું છે જેમાં તેના પ્રચારકો એવી વાત ફેલાવી રહ્યા છે કે આ રસી લેવાથી માણસો વાંદરા બની જશે.

રશિયાના પ્રચારકો ઓક્સફર્ડની રસીને મન્કી મીમ્સ સાથે દર્શાવી રહ્યા છે. તેઓ યુ.કે.ના વડાપ્રધાન બોરિસ જહોનસનને કોટ પહેરેલા ચિમ્પાન્ઝી જેવા દર્શાવે છે જેના હાથમાં અસ્ટ્રાઝેનેકા રસીની સિરિન્જ પકડેલી છે!

અંકલ સેમના જાણીતા પોસ્ટરમાં લખાણ ઉમેરીને લખવામાં આવ્યું છે કે હું ઇચ્છું છું કે તમે મંકી વેક્સિન લો. એક ઇમેજમાં બતાવવામાં આવ્યું છે કે અસ્ટ્રાઝેનેકાના તંબુની બહાર લોકોની લાઇન લાગેલી છે અને તંબુની બીજી બાજુ વાનરો અને ગોરીલાઓ છે. આમાં તેઓ એવું કહેવા માગે છે કે આ રસી લીધા બાદ માણસો આવા વાનર બની ગયા છે! રશિયન સોશિયલ મીડિયામાં આવી અનેક તસવીરો અને વીડિયો ફરી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે રશિયાએ પોતે વિશ્વની સૌથી પહેલી કોવિડ-૧૯ની રસી વિકસાવી હોવાનો દાવો કર્યો હતો પણ તેની રસીને દુનિયાએ સ્વીકારી નથી. આથી હવે ઇર્ષ્યાથી પ્રેરાઇને રશિયા આવો ગેરપ્રચાર ફેલાવી રહ્યું હોવાનું જણાય છે.

Related Posts