મોદી સરકારના કૃષિ અને કામદાર સુધારાઓ ખરા અર્થમાં કલ્યાણકારી બની શકશે ખરાં?

હાલમાં મોદી સરકાર કૃષિ અને કામદાર ક્ષેત્રને લગતા કાયદાઓમાં તેના દ્વારા રજૂ કરવામાં આવી રહેલા કથિત સુધારાઓ અંગે ભારે વિવાદમાં આવી રહી છે. કૃષિ ક્ષેત્રને લગતો જે સુધારા ખરડો મોદી સરકાર દ્વારા સંસદમાં પસાર કરાવવામાં આવ્યો છે તે ભારે વિરોધ નોંતરનારો બની રહ્યો છે. ખેડૂત આલમમાં, ખાસ કરીને પંજાબ અને હરિયાણાના ખેડૂતોમાં આની સામે ભારે રોષ છે.

મોદી સરકારના કૃષિ અને કામદાર સુધારાઓ ખરા અર્થમાં કલ્યાણકારી બની શકશે ખરાં?

રાજ્યસભામાં તો આ ખરડો પસાર કરતી વખતે ભારે ધાંધલ ધમાલ થઇ અને આઠ સાંસદોને ચોમાસુ સત્રના બાકીના તમામ સમય માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા. આ કૃષિ સુધારા ખરડામાં એવી જોગવાઇ છે કે ખેડૂતો હવે મંડી બહાર પણ પોતાની ઉપજ વેચી શકશે, પરંતુ આમાં નોંધપાત્ર બાબત એ છે કે ખેડૂતોને માટેની લઘુતમ ટેકાના ભાવની જોગવાઇ હવે રહેશે નહીં. એટલે કે ખેડૂતોને અત્યાર સુધી જે સધિયારો મળતો હતો કે વેપારીઓ તેમના પાકની પુરતી કિંમત આપશે નહીં તો સરકાર ટેકાના ભાવે તેમનો પાક ખરીદી લેશે તે સધિયારો હવે રહેશે નહીં. આ જ જોગવાઇ સામે સખત વિરોધ થઇ રહ્યો છે અને શાસક ભાજપ જેની સાથે સંકળાયેલો છે તે આરએસએસ સંલગ્ન ભારતીય કિસાન સંઘે પણ આ જોગવાઇનો વિરોધ કર્યો છે.

આ ઉપરાંત ફૂડ પ્રોડક્ટ કંપનીઓ જેવી કંપનીઓ પાક ઉપજ માટે ખેડૂતો સાથે કરાર કરી શકશે એવી જોગવાઇ છે. આ જોગવાઇ પ્રથમ દષ્ટિએ ખેડૂતો માટે લાભદાયી લાગે છે પરંતુ સામાન્ય રીતે જોવામાં આવે છે તેમ કોઇ પણ કરાર કે ભાગીદારીમાં વિશાળ કંપનીઓ જેવા સબળા ભાગીદારોનો જ હાથ ઉપર રહે છે તેવું જ આમાં થવાનો ભય સેવાય છે અને ખાસ કરીને નાના ખેડૂતો માટે તો લાંબા ગાળે આ જોગવાઇ નુકસાનકારક જ પુરવાર થવાનો ભય સેવવામાં આવી રહ્યો છે. આ જ રીતે મોદી સરકાર કેટલાક શ્રમ સુધારાઓ રજૂ કરવા જઇ રહી છે તે કહેવાતા સુધારાઓ પણ કામદારો કે કર્મચારીઓ માટે એકંદરે નુકસાનકારક પુરવાર થવાનો ભય સેવવામાં આવી રહ્યો છે.

કેન્દ્રની મોદી સરકાર જે નવો કામદાર કાયદો લાવી રહી છે તેની જોગવાઇઓ દેશની પોણા ભાગની કંપનીઓને એ બાબતનો અધિકાર મળી જશે કે તેઓ પોતાના કર્મચારીઓને ગમે તે ક્ષણે છૂટા કરી શકે. મોદી સરકારે શ્રમ સુધારાઓને લગતા ત્રણ મોટા ખરડાઓ લોકસભામાં રજૂ કર્યા છે. આ ખરડાઓમાં ઔદ્યોગિક સંબંધ ખરડો-૨૦૨૦, વ્યવસાયિક સુરક્ષા, આરોગ્ય તથા કાર્ય પરિસ્થિતિ ખરડો-૨૦૨૦ અને સામાજીક સુરક્ષા ખરડો-૨૦૨૦નો સમાવેશ થાય છે. આ ખરડાઓ શ્રમ મંત્રી સંતોષ ગંગવારે શનિવારે લોકસભામાં રજૂ કર્યા હતા.

આમ તો નામ પરથી આ કાયદાઓ કર્મચારીઓના હિત માટે બનાવવમાં આવી રહ્યા હોય તેમ લાગે છે પરંતુ તેની જોગવાઇઓનો અભ્યાસ કરનાર વિશ્લેષકોનો અભિપ્રાય જાણયા બાદ કંપનીઓમાં કર્મચારીઓની સલામતી બાબતે ચિંતાઓ વધી ગઇ છે. એમ કહેવામાં આવે છે કે કર્મચારીઓને તત્કાળ હકાલપટ્ટીથી બચાવવા, તેમને શિક્ષા કરવા કે બઢતીમાં ભેદભાવ રોકવા માટે જે નિયમો બનાવવામાં આવ્યા હતા તે નિયમોનો આ નવા સૂચિત કાયદામાં છેદ ઉડાવી દેવામાં આવ્યો છે. આ કાયદા અનુસાર જે કંપનીઓ ૩૦૦ કરતા ઓછા કર્મચારીઓ ધરાવતી હશે તેઓ પોતાની રીતે કામદારોને છૂટા કરી શકે છે, અત્યાર સુધી આ કાયદો ૧૦૦થી ઓછા કર્મચારીઓ ધરાવતી કંપનીઓ માટે હતો, હવે ૩૦૦થી ઓછા કર્મચારીઓ માટે આ કાયદો આવ્યો છે અને દેશની દર ચારમાંથી ત્રણ કંપનીઓ ૩૦૦થી ઓછા કર્મચારીઓ ધરાવે છે એટલે કે જો આ ખરડાઓ પસાર થઇને કાયદામાં ફેરવાશે તો દેશની પોણા ભાગની કંપનીઓ પોતાના કર્મચારીઓને ગમે ત્યારે બેધડક છૂટા કરી શકશે.

આ ઉપરાંત કોન્ટ્રાક્ટ પરના કામદારોને સ્થાયી કરવાની બાબતમાં પણ કંપનીઓને આઝાદી મળી જશે. ઔદ્યોગિક સંબંધ ખરડો-૨૦૨૦ની જોગવાઇ અનુસાર કંપનીઓ કોન્ટ્રાક્ટ પર ભરતી કરાયેલ કામદારોનો કોન્ટ્રાક્ટ ગમે તેટલી વખત રિન્યુ કરી શકશે, એટલે કે કોન્ટ્રાક્ટ પર ભરતી કરાયેલા કામદારો કાયમ કોન્ટ્રાક્ટ પર જ રહે તેવું બની શકે. આ ઉપરાંત કોર સેકટરમાં કર્મચારીઓને કોન્ટ્રાકટ પર નહીં લેવાની જે જોગવાઇ હતી તેને આ કાયદા વડે રદ કરવામાં આવી છે એટલે હવે કોર સેકટર સહિત તમામ સેકટરોમાં કર્મચારીઓને કોન્ટ્રાક્ટ પર નોકરીએ રાખી શકાશે.

આ ઉપરાંત એવી પણ જોગવાઇ કરવામાં આવી છે કે કંપની પોતાના હાલના કામદારને કોન્ટ્રાકટ લેબરમાં ફેરવી શકશે એટલે કે કંપનીના પે-રોલ પરના કર્મચારીને પણ કોન્ટ્રાક્ટ કર્મચારીના દરજ્જામાં મૂકી દઇ શકાશે. જો કે આ નવા કાયદામાં કામદારો માટે રાહતની એ વાત છે ખરી કે એક વર્ષ કોન્ટ્રાક્ટ પર નોકરી કરનાર કર્મચારીને પણ ગ્રેચ્યુઇટી જેવા લાભ મળી શકશે.

હવે પાંચ વર્ષને બદલે એક વર્ષની નોકરી પછી પણ ગ્રેચ્યુઇટી મળી શકશે. જો કે કંપનીઓને એકવાર ગમે ત્યારે છટણીનો અધિકાર મળી જાય એટલે કર્મચારીઓના માથે છૂટા કરી દેવાય તેની તલવાર સતત લટકતી રહે તે નક્કી. વળી બઢતીમાં ભેદભાવ સામે રક્ષણ માટેની જોગવાઇ નાબૂદ થાય તો વહાલા દવલાની નીતિઓ શરૂ થાય અને કાબેલ છતાં મેનેજમેન્ટને અણગમતા એવા કર્મચારીને બઢતીમાં અન્યાય થાય તેવી શક્યતાઓ પુરી રહે છે.

ખેડૂતો હોય કે કામદારો હોય કે વ્હાઇટ કોલર ક્લેરિકલ કર્મચારીઓ હોય, તેમના સમૂહો વડે જ એક વિશાળ પ્રજા સમૂહ રચાય છે અને સરકાર જો ખરેખર પ્રજાનું કલ્યાણ ઇચ્છતી હોય તો તેણે મુઠ્ઠીભર ઉદ્યોગ પતિઓના હિતમાં વિચારવાને બદલે આવા સમૂહોના હિતમાં વિચારવું જોઇએ. સરકાર હાલ તો એમ કહી રહી છે કે તે ખેડૂતો અને કામદારોના કલ્યાણ માટે જ આ સુધારાઓ કરી રહી છે પણ તે સુધારાઓ ખરેખર કેટલા કલ્યાણકારી પુરવાર થશે તે તો સમય જ બતાવશે.

Related Posts