Feature Stories

મિત્રતાની સિલ્વર જ્યુબિલી મનાવનારા સુરતીઓની એક જ વાત ફ્રેન્ડસ વગર જીવન નકામું

દર વર્ષે ઓગસ્ટના પહેલા રવિવારને ફ્રેન્ડશીપ ડે એટલે કે મિત્રતા દિવસના રૂપે ઉજવાય છે. દરેક વ્યક્તિ ફ્રેન્ડશીપ ડે અલગ-અલગ રીતે ઉજવે છે. કહેવાય છે કે એક વખત અમેરિકામાં એક વ્યક્તિને મારી નાંખવામાં આવી હતી. આ વ્યક્તિનો એક મિત્ર હતો જેણે પોતાના મિત્રના વિરહમાં આત્મહત્યા કરી હતી. એમની મિત્રતાને સમ્માન આપવા માટે આ દિવસને ફ્રેન્ડશીપ ડે તરીકે ઉજવવાની શરૂઆત થઈ. આ વાતમાં કેટલું તથ્ય છે તે આપણે નથી જાણતા પણ આવા કેટલાય મિત્રતાના કિસ્સા જોવા મળે છે જયાં પાક્કા દોસ્તોને મિત્ર વગર ઘણું બધું અધૂરું લાગતું હોય છે. સુરતમાં મિત્રતાના એવા કિસ્સા પણ જોવા મળે છે જેઓ 25-25 વર્ષથી દોસ્તી નિભાવતા આવી રહ્યા છે. અહીં એવા કપલની વાતો લઈને આવ્યા છીએ જેમણે મિત્રોનું ગ્રુપ ઊભું કર્યું અને મિત્રતાના 25 વર્ષનાં વ્હાણાં વીતી ગયાં બાદ પણ ફ્રેન્ડશીપ અકબંધ રાખી છે. તેમની આ મિત્રતા 20- 25 વર્ષ બાદ પણ ટકી રહી છે તો તેની પાછળ શું રાઝ છે તે તેમના જ શબ્દોમાં જાણીએ.

સુરત ટેનિસ ક્લબથી શરૂ થયેલી મિત્રતામાં બોન્ડિંગ વધી ગયું: જાનવી શ્રોફ
શહેરના અઠવાલાઈન્સ વિસ્તારમાં રહેતાં જાનવીબેન શ્રોફે જણાવ્યું કે ‘‘તેઓ ફિટનેસ પ્રત્યે કોન્સિયસ છે એટલે અઠવાલાઇન્સ સ્થિત સુરત ટેનિસ ક્લબમાં રેગ્યુલર જીમમાં જાય છે. અહીં 1995માં તેમની ઓળખાણ કેટલીક લેડીઝ સાથે થઈ. જેમાંની 8 વચ્ચે આત્મીય સંબંધ બંધાયા. રેગ્યુલર વાતચીતથી અને હસી-મજાક ચાલતી રહેવાથી ધીરે-ધીરે બધા ફ્રેન્ડ બની ગયા અને તેમના આ ગ્રુપમાં બધાના હસબન્ડ પણ ધીરે-ધીરે જોડાયા. તેમનું 8 કપલનું ગ્રુપ દરેકની બર્થડે, મેરેજ એનિવર્સરીનું સેલિબ્રેશન ભેગા થઈને કરે. તેમના આ 8 કપલનું ગ્રુપ કોર ગ્રુપ બની ગયું. આ ગ્રુપમાં…

કીર્તિબેન અને મનીષભાઈ પટેલ – જાનવીબેન અને સમીરભાઈ શ્રોફ – દીપાબેન અને ચિંતનભાઈ ડેપ્યુટી – પ્રીતિબેન અને શ્યામભાઈ લખુપોટા – જયશ્રીબેન અને ધીરેનભાઈ ડગલાની – ચાંદનીબેન અને આલોકભાઈ ઈમાનદાર – અર્ચનાબેન અને ઉમંગભાઈ પટેલ – દીપાબેન અને દક્ષેશભાઈ શાહ છે.

આ તેમનું કોર ગ્રુપ રોજ સવારે તો ટેનિસ કલબમાં એરોબિક્સ અને જીમ માટે મળે જ છે.’’ જાનવીબેને જણાવ્યું કે, ‘‘તેમનું આ ગ્રુપ દર મહિને તેમના કામરેજ સ્થિત ફાર્મહાઉસમાં મળે છે અને ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરે છે. ગેટ ટુ ગેધર થાય છે. મહિને એક વખત પિકનિક મનાવવા સુંવાલી બીચ, ઉભરાટ, પલસાણાના ફાર્મહાઉસમાં જાય છે. ટુર પર લોનાવલા, લેહ-લદાખ, બોમ્બે, પુણે, કાશ્મીર જતાં જ હોઈએ અને અબ્રોડ ટુર પર U.S.A., યુરોપની ટુર પર સાથે ગયાં હતાં. લેહ-લદાખની ટુર યાદગાર ટુર રહી હતી કારણ કે અહીંનું કલાઈમેટ અમને સૂટ નહીં થયેલું છતાં પણ અમે બરફના ગોળા બનાવી એકબીજા પર ફેંકીને ખૂબ એન્જોય કરેલું.

‘નામ વગરનો નાતો અને સહુને હૈયે સમાતો એ છે ફ્રેન્ડશીપનો સંબંધ’ આ શબ્દો છે ઘોડદોડરોડ વિસ્તારના શ્યામ લખુપોટાના. ટેક્સટાઇલ ક્ષેત્ર સાથે સંકળાયેલા શ્યામભાઈ લખુપોટાએ કહે છે કે, ‘‘સુરત ટેનિસ કલબમાં થયેલી ફ્રેન્ડશીપ 22 વર્ષમાં સુખ:દુઃખના સાથીમાં પરિણમી છે. હું મૂળ સૌરાષ્ટ્રના ભાવનગરનો વતની છું અને 1987માં બિઝનેસ અર્થે સુરત મારું ફેમિલી આવ્યું. ટેનિસ કલબમાં મિત્રતા થઈ ને આઠ કપલનું કોર ગ્રુપ બન્યું. મારા કોઈ સગાં-સંબંધી સુરતમાં નથી એટલે આ ફ્રેન્ડ ગ્રુપ જ મારું રિલેટિવ્ઝ છે. અમારું ગ્રુપ એક મિશાલ બન્યું છે. અમે જ્યારે છૂટા પડીએ ત્યારે યે દોસ્તી હમ નહીં તોડેંગે ગીત ગાઈએ છીએ. અમે બધા સાથે સિંગાપોર, થાઇલેન્ડ, મલેશિયા ફરી આવ્યા છીએ. અમારી મિત્રતા એવી છે કે અમે એકબીજાના ચહેરા પરથી એકબીજાને મુંઝવતી વાતો જાણી લઈએ છીએ. જાનવીબેનના સનના લગ્નમાં અમે બધાએ બહુ ડાન્સ કરેલો. અમારા બધાનો મંત્ર એક જ છે ફિટનેસ માટે જાગૃત રહેવું.

ફ્રેન્ડ નહીં પણ સગાં હોઈએ એવું લાગે છે: પારિવારિક કીટી ગ્રુપ
‘ગુજરાતમિત્રની’ ટીમ જયારે ઇન્ટરવ્યૂ કરવા માટે આ ગ્રુપને મળવા ગઇ ત્યારે ચાર-પાંચ મેમ્બર્સ ભેગા થવાના હતા પણ બધાનો ઉત્સાહ એટલો બધો હતો કે એ લોકો લગભગ 11-12 જણા ભેગા થયા હતા. એ લોકોનો ઉત્સાહ જોઇને અમે પણ ઉત્સાહી થયા હતા. 25 વર્ષ પહેલાં મીનુબેન દલાલ, બેલાબેન દેસાઇ,ગીતાબેન શ્રોફ, અમિતાબેન પરીખે ભેગા મળી નક્કી કર્યું કે આપણે થોડા કપલને ભેગા કરી કીટી ગ્રુપ બનાવીએ જેમાં જુદા જુદા ફિલ્ડના હોય જેથી આપણને વાતચીત કરવાનું અને જાણવાનું ઘણું બધું મળે. અને પોત-પોતાના ઓળખીતા 11 કપલનું લિસ્ટ બનાવી એમને એપ્રોચ કરી બધા રાજી થયા અને આ ગ્રુપ 14 ઓગસ્ટ- 1995માં બન્યું આ ગ્રુપ બનાવતી વેળા જ નક્કી કર્યું આમાં બીજા કોઇને એડ નથી કરવા અમિતાબેન પરીખે અને મનોજભાઇ નાણાવટીએ જણાવ્યું કે અમે દરેક કપલ 5000રૂ. દર મહિને જમા કરીએ અને એ રીતે 11 કપલના 55 હજાર રૂિપયા થાય તેમાંથી જ બને ત્યાં સુધી અમે ખર્ચો કાઢીએ આજે પણ 25 વર્ષ બાદ પણ 5000રૂ. ઉધરાવાય છે.

મોંધવારી વધવાને કારણે ખર્ચ વધુ થાય તો અમે લોકો સરખે ભાગે ખર્ચો વહેંચી લઇએ છીએ. મીનુબેન દલાલે જણાવ્યું કે શરૂઆતમાં અમે બધા બાળકો સાથે મળતા એટલે 44 જેટલા સભ્યો થઇ ગયા અને આગળ જતા જેમ-જેમ બધાંના છોકરા પરણવા માંડયા અને તેમને ત્યાં પણ છોકરા થતાં સંખ્યા 96 થઇ જતા મેનેજ કરવું મુશ્કેલ બન્યું અને એવું નક્કી કર્યું કે છોકરાઓ પોતાની અલગ કીટી કરે આજે પણ તેમના છોકરાઓની એક અલગ કીટી દર મહિને મળે છે પણ વર્ષમાં એક કીટી મનોજભાઇના ફાર્મ હાઉસમાં દિવાળીમાં કરીએ છીએ. જેમાં અમારા બધાનાં છોકરાઓ અને પૌત્ર-પૌત્રીઓ સહિત ભેગાં થઇએ છીએ.

આ ગ્રુપના બેલાબેન દેસાઇએ જણાવ્યું કે અમારી પહેલી કીટી મારા ઘરે જ થઇ હતી અને તેનું મેનુ છોલેપુરી અને ફ્રૂટસલાડનું રખાયું હતું. અનુબેન નાણાવટીએ જણાવ્યું કે અમારા ગ્રુપના બધા ફેન્ડ્સમાં નીચેના બધા શામેલ છે.
મીનુબેન અને સુનીલભાઈ દલાલ – અમિતાબેન અને કિરણભાઈ પરીખ – બેલાબેન અને મુકેશભાઈ દેસાઈ – ભાવનાબેન અને ભદ્રેશભાઈ શ્રોફ – સ્મિતાબેન અને સમીરભાઈ વકીલવાળા – અમિતાબેન અને હરેશભાઇ શાહ – અનિલાબેન અને ભરતભાઈ નાયક – પૂર્ણિમાબેન અને ગિરીશભાઈ દેસાઈ # ગીતાબેન અને દીપકભાઈ શ્રોફ – અનુબેન અને મનોજભાઈ નાણાવટી- નમિતાબેન અને જયેશભાઇ નાણાવટી

જયેશભાઇ નાણાવટી અને ભદ્રેશભાઇ શ્રોફે જણાવ્યું કે તેમનું ગ્રુપ વર્ષમાં એક વાર આઉટિંગ કરે છે જેનો ખર્ચો શેરિંગમાં ભોગવવામાં આવે છે. તેઓએ વાપી અવધ, દૂધની, સાપુતારા, સેલવાસ, ઉભરાટ, બારડોલી બાબેન અવધ, દેવકા-દમણ સાથે પિકનિક કરી હતી. બે દિવસનો પ્રોગ્રામ બને છે સામાન્ય રીતે શનિવાર-રવિવારનો પ્રોગ્રામ બનાવીએ છીએ. િસ્મતાબેન અને બેલાબેને જણાવ્યું કે જે પરિવારના ઘરમાં મેરેજ ફંકશન હોય ત્યારે ખૂબ એન્જોય કરીએ છીએ. હવે અમારા ગ્રુપમાં બેલાબેનની દીકરી ધ્વનિના લગ્ન થશે તે ગ્રુપ મેમ્બર્સનાં બાળકોમાં છેલ્લા લગ્ન થશે.

અમારા ગ્રુપની કિટી પાર્ટીની શરૂઆત થઈ ત્યારે ધ્વનિ બે વર્ષની હતી. આ ફ્રેન્ડઝ ગ્રુપના બધા મેમ્બરે જણાવ્યું કે તેમના ગ્રુપના મુકેશભાઈ દેસાઈનું નિધન થયું છે તેમની ખોટ બધાને સાલે છે. કોઇ દુ:ખદ બનાવ બને તો કીટી નથી લેતા સુખદ અને દુ:ખદ પ્રસંગમાં બધા ભેગા થઇ જતાં હોઇએ છીએ. અને છેક સુધી સાથે રહીએ છીએ. ભદ્રેશભાઈ શ્રોફે જણાવ્યું કે પોલિટિક્સની ચર્ચા થાય ત્યારે ચર્ચા થોડી ઉગ્ર થઈ જાય પણ પછી તરત જ અમારી હસી-મજાક શરૂ થાય. અમે કીટી કરતાં ફેિમલી મેમ્બર વધુ છીએ. કીટીમાં ફેમિલી-ફેમિલીના સંબંધો પણ બંધાયા છે. જયેશભાઇ નાણાવટીના દીકરા સાથે દીપકભાઈની બેનની દીકરીના લગ્ન થયા છે.

અમિતાબેનના ભાઈને ત્યાં મનોજભાઈના બેનની દીકરી આપવામાં આવી છે. કિરણભાઈના ભાઈને ત્યાં ભદ્રેશભાઈની દીકરી આપવામાં આવી છે. હવે લાગતું જ નથી કે ફ્રેન્ડ છીએ પણ એવું લાગે છે કે સગાં છીએ. જ્યારે ગ્રુપ બનાવવામાં આવ્યું હતું ત્યારે બધાં પાસે સ્કૂટર હતું જ્યારે આજે બધા પાસે ફોર વ્હીલ ગાડી, બંગલો અને ફાર્મ હાઉસ બધું જ છે. જયેશભાઇ નાણાવટીએ જણાવ્યું કે તેમની દીકરીના મેરેજ પ્રસંગે પાર્કિંગને લઈને અવ્યવસ્થા થતાં સ્વ. મુકેશભાઈ દેસાઈએ પાર્કિંગનું મેનેજ કરવામાં હેલ્પ કરી હતી. તેમના ગ્રુપના ત્રણ કપલ વિદેશ ગયાં હોવાથી તે અહીં નહીં આવી શકેલા તેમાંના ડૉ ભરતભાઈ નાયકે ‘ગુજરાતમિત્ર’ની ટીમ સાથે મોબાઈલ ફોન પર વાત કરતાં જણાવ્યું હતું કે અમે 26 વર્ષથી બધાં સાથે છીએ. મિત્ર વગર જીવન નકામું લાગે. આ ગ્રુપની મિત્રતાની સિલ્વર જ્યુબિલી 2020માં હતી પણ કોવિડને કારણે તેઓ સેલિબ્રેટ નહીં કરી શકેલાં પણ 2021માં જૂનમાં વાપી અવધમાં ફ્રેન્ડશીપની સિલ્વર જ્યુબિલી ઉજવી હતી ત્યારે બધાંએ બ્લેક ટી-શર્ટ અને બ્લૂ જીન્સનો ડ્રેસ કોડ રાખ્યો હતો.

આ ગ્રુપના બધા મેમ્બર્સના હૃદયની વાત એક જ છે …
પારિવારિક કીટી…..
જુવાનીથી વયસ્ક થવા સુધીના સહયાત્રીઓ….
પ્રવૃત્તિમાં નિવૃત્તિ અને નિવૃત્તિમાં પ્રવૃત્ત થવા સુધીની સફરના સાથીઓ…
અકાળે એકને ગુમાવ્યાનો અફસોસ સાથે વિખૂટી પડેલ સાથીને હૂંફ આપ્યાનો અહેસાસ…
એકમેકના વેવાઈઓ બન્યા અને સંબંધો ઘેરા બન્યા, ક્યારે લોહીની સગાઈ સમા પરિવાર બન્યા તેની પ્રતીતિ જ ન થઈ…
સુખદુઃખ અને વારતહેેવારમાં સાથે રહેતા. આંખનો મોતિયો ને ઘૂંટણના રિપ્લેસમેન્ટના પણ સાક્ષી રહ્યા…
-ગીતાબેન શ્રોફ
જ્યારે ‘ગુજરાતમિત્ર’ની ટીમ આ ગ્રુપના મેમ્બર્સને મળી ત્યારે અડાજણમાં ભેગા થયેલાં મોટાભાગના મેમ્બર્સ ખૂબ જ ઉત્સાહમાં ભેગા થયા હતા. તેમની ખુશીની ઝલક ભેગા થયેલા મેમ્બર્સના ચહેરા પર સ્પષ્ટ દેખાતી હતી.

અમે ડબ્બા પાર્ટી કરીને એન્જોય કરીએ છીએ : 7 વન્ડર્સ ગ્રુપ
સેવન વન્ડર્સ ગ્રુપના રીનાબેન શાહે જણાવ્યું કે, ‘‘અમારું 7 કપલ્સનું ગ્રુપ છે. અમે સ્કૂલ અને કોલેજ સમયથી મિત્રો છીએ. અમારું સેવન વન્ડર્સ ગ્રુપ વર્ષમાં એક વખત સાથે ફરવા જઈએ છીએ. કાશ્મીર, રાજસ્થાન,મસૂરી,ગોવા, ચંદીગઢ અને વિદેશમાં ઇજિપ્ત, બેંગકોક, યુરોપ ફરવા ગયાં હતાં. અમે બધા મિત્રો ડબ્બા પાર્ટી કરીએ જેમાં દરેક મિત્ર પોતાના ઘરેથી ટિફિન લઈ આવે અને સાથે બેસીને અમે મજાક-મસ્તી કરતા ટિફિન શેર કરીએ. રાજસ્થાન કુંબલગઢ બાય રોડ 10 થી 12 કલાકનું અંતર છે પણ અમે બધાં કેસરિયાજી અને બીજી જગ્યા પર ફરતા-ફરતા અને વાતોના ગપાટા મારતા 18 કલાકની જર્ની કાપીને રાજસ્થાન કુંબલગઢ પહોંચ્યા હતા. અમે બધા ફ્રેન્ડ વાતોમાં એટલાં મશગુલ થઈ ગયા હતા કે અમને સમયનો ખ્યાલ જ નહીં રહેલો. અમે એકબીજાને બિઝનેસ બાબતે, બીમારી બાબતે, સોશ્યલ પ્રોબ્લેમ બાબતે સલાહ, માર્ગદર્શન આપીએ. અમારી મિત્રતાને 25 વર્ષ થયાં છે. અમારા સેવન વન્ડર્સ ગ્રુપમાં…

કોષાબેન અને વિવેકભાઈ ઘીવાળા # સંધ્યાબેન અને સનતભાઈ રેલિયા – ધર્મિષ્ઠાબેન અને કેતનભાઇ ચેવલી – રીનાબેન અને કલ્પેશભાઈ શાહ – નમ્રતાબેન અને જિતે-શભાઈ રૂવાળા – ગીતાબેન અને જયંતીભાઈ પટેલ – જેકીબેન અને જીનુભાઈ શ્રોફ છે
અમારા વચ્ચે કોઈ મતભેદ ક્યારેય નથી થયા. અમારા ગ્રુપના સભ્યો દાદા-દાદી, નાના-નાની પણ બની ગયાં છે. કોઈને કોઈ પ્રોબ્લેમ હોય તો 24 કલાક એની મદદે અમે ખડેપગે ઊભા હોઈએ. અમારું ગ્રુપ ખરેખર 7 વન્ડર્સ છે.’’
સેવન વન્ડર્સ ગ્રુપના જ્યંતીભાઈ પટેલે જણાવ્યું કે, ‘‘અમારું ગ્રુપ દરેક મહિને રોટેશન પ્રમાણે કોઇ પણ એક ફ્રેન્ડના ઘરે જમવાનો પ્રોગ્રામ બનાવીએ. વર્ષમાં બે વખત બહાર સાથે ફરવા જવાનો પ્રોગ્રામ બનાવીએ. અબ્રોડ અમે થાઈલેન્ડ, સિંગાપોર, U.S., દુબઈ, મલેશિયા, બાલી, માલદીવ અને ઇન્ડિયામાં કેરેલા, ગોવા, કુલુ-મનાલી, રાજસ્થાન ગયા છીએ. અમારી મિત્રતા સ્કૂલ અને કોલેજકાળની છે.

અમે સાથે લોચો,ખમણની લિજ્જત માણતા હોઈએ. એક વખત કોલેજમાં ટ્રેડિશનલ ડે હતો. મને બળદગાડું ચલાવતા આવડે એટલે હું કોલેજ બળદગાડું ચલાવીને પહોંચ્યો હતો. અમારા મિત્રોનો આ સૌથી યાદગાર દિવસ છે. સનતભાઈ બહુ જોક કરીને બધાને હસાવે. અમારા ફ્રેન્ડઝનાં બાળકો પણ ફ્રેન્ડઝ બન્યાં છે. અમે સાથે હોઈએ ત્યારે ચેરિટી બાબતની વાતો, બિઝનેસનો ગ્રોથ કેવી રીતે કરવો, લેટેસ્ટ ટોપિક પર ચર્ચા, ટુરની વાતો કરીએ અને અંતાક્ષરી રમીને લાઈફને એન્જોય કરીએ છીએ. ખરેખર ફ્રેન્ડ વગર જીવન નકામું છે.’’

સમય બદલાયો છે એની સાથે કેટલાક મિત્રોની મિત્રતા નથી બદલાઈ. એ એકબંધ રહી છે. આ લોકો માટે રોજ જ ફ્રેન્ડશીપ ડે છે. તેઓ સમય મળતા અઠવાડિયે કે મહિને મળીને જાણેઅજાણે ફ્રેન્ડશીપ ડે ઉજવી દેતા હોય છે. તેમને ફ્રેન્ડશીપ માટે દર વર્ષે ઓગસ્ટનો પહેલો રવિવાર આવવાની રાહ નથી જોવાની હોતી. સુરતીઓ ખાવાના, તહેવારો રંગેચંગે મનાવવામાં જેમ અગ્રેસર છે તેમ મિત્રતા નિભાવવામાં પણ અગ્રેસર છે. એવું એટલા માટે કહેવું પડે છે કે ઉપર જે મિત્રોની વાતો કરી તેઓ 25 વર્ષથી ફ્રેન્ડશીપ નિભાવતા આવ્યા છે અને આ 25 વર્ષોમાં તેમની વચ્ચે કોઈ મતભેદ ઊભા નથી થયા.

Most Popular

To Top