Gujarat Main

૩૬ શહેરોમાં મીની લૉકડાઉનના નિયંત્રણો-રાત્રી કરફયૂના અમલ માટે સવા લાખ પોલીસ તૈનાત

કોરોના મહામારી વકરતાં હવે રાજ્યમાં ૩૬ શહેરોમાં મીની લોકડાઉન જેવા નિયંત્રણો લાદવા ઉપરાંત રાત્રી કરફ્યૂનો અમલ કરવા માટે સમગ્ર રાજયમાં સવા લાખથી વધુ પોલીસ જવાનો ખડેપગે ફરજ બજાવી રહ્યા છે. ગુરૂવારે ગાંધીનગરમાં રાજ્યના ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજા દ્વારા વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સ્થિતિની સમીક્ષા કરાઈ હતી.

જેમાં ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમાર અને રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયા, ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે તમામ રેન્જ આઈજીપી, કમિશનરો, જિલ્લા પોલીસ અધિક્ષકઓ અને સેનાપતિઓ આ વીડિયો કોન્ફરન્સમાં ઓનલાઈન જોડાયા હતા. આ બેઠક બાદ મીડિયાને વિગતો આપતા મંત્રી જાડેજાએ જણાવ્યું હતુ કે ૫૬,૬૧૬ પોલીસ, ૮૯ SRPF કંપની, ૧૩,૩૬૧ હોમગાર્ડ જવાનો, ૨૯,૪૪૪ GRD જવાનો અને ૭,૬૨૦ ટ્રાફિક બ્રિગેડના જવાનો રાજ્યમાં નાઈટ કરફયૂ સહિતની કામગીરીની અમલવારી માટે સતત ખડેપગે છે.

કોરોના કાળમાં અત્યારસુધીમાં કુલ ૧૨,૫૬૩ પોલીસ અધિકારી-કર્મચારી અને એસ.આર.પી. જવાનો કોરોના સંક્રમિત થયા છે. જે પૈકી હાલ ૩,૧૪૪ એક્ટિવ કેસ છે. જેમાં ૮૮ હોસ્પિટલાઈઝ છે. એ માટે જ વેક્સિનેશન પર વધુ ભાર મૂકી પોલીસના ૧,૬૫,૭૧૧ જવાનોને પ્રથમ ડોઝ અને ૧,૪૭,૯૦૪ જવાનોને બીજો ડોઝ આપી સુરક્ષિત કરાયા છે. રાજ્યના ૮૬ ટકાથી વધુ પોલીસકર્મીઓએ રસી લીધી છે.

રાજ્યમાં રેમડેસિવિરની કાળાબજારી મામલે 32 ગુનામાં 103 આરોપીઓની ધરપકડ કરાઈ
રેમડેસિવિર ઈન્જેક્શનની સંગ્રહખોરી અને કાળાબજારી કરવા મામલે રાજ્યભરમાં અત્યાર સુધીમાં આવા ૩૨ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. આ ગુનાઓમાં સંડોવાયેલા ૧૦૩ આરોપીઓ પૈકી ૯૨ આરોપીઓની ધરપકડ પણ કરી દેવામાં આવી છે. પોલીસે રૂ. ૧.૮૨ કરોડની કિંમતના કુલ ૫,૮૩૩ રેમડેસિવિર ઈન્જેક્શનનો જથ્થો જપ્ત કરી કડક કામગીરી હાથ ધરી છે.

આવા તત્વો સામે પાસા એક્ટ હેઠળ પણ કાર્યવાહી કરવા આદેશ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં પ્રવેશતા નાગરિકોના RTPCR ટેસ્ટ ફરજીયાત ચેક કરવા માટે ૫૦ ઈન્ટર સ્ટેટ ચેકપોસ્ટ અમે ઉભી કરી છે. તે ઉપરાંત રેલવે સ્ટેશન અને એરપોર્ટ પર પણ આ પ્રકારની ચેકપોસ્ટ થકી ગુજરાતમાં પ્રવેશતા નાગરિકોના RTPCR ટેસ્ટ ચેક કરવામાં આવી રહ્યાં છે.

Most Popular

To Top