SURAT

મેટ્રોના અધિકારીઓની તાનાશાહી સુરતીઓને જોખમમાં મૂકી રહી છે, મુગલીસરામાં અંડરગ્રાઉન્ડ ટાંકી તોડી નાખી

સુરતઃ મેટ્રો રેલ જ્યારે દોડવી હશે ત્યારે દોડશે પરંતુ મેટ્રોના અધિકારીઓની બેદરકારીને કારણે સુરતીઓ ત્રાહિમામ પોકારી ગયા છે. વેપારીઓ પરેશાન છે અને વરસાદમાં પાણી ભરાતા લોકોના ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે. મેટ્રોના અધિકારીઓએ જાણે આખા સુરતને બાનમાં લઈ લીધું છે. મેટ્રોના અણઘડ અધિકારીઓ પોતાની કામગીરીની સુરત મનપાને જાણ પણ કરતા નથી અને એક પછી એક હોનારતો સર્જી રહ્યા છે.

  • ટાંકી તૂટતાં જ મેટ્રોના અધિકારીઓએ દોડી જઈને ઘટનાસ્થળે કિલ્લેબંધી કરી દીધી, મનપાને પણ કોઈ જ જાણ કરી નહીં
  • મીડિયાને સ્થળે પ્રવેશવા દીધું નહીં અને ફોટા પણ પાડવા દેવાયા નહીં, સમગ્ર ઘટના પર ઢાંકપિછોડો કરવા પ્રયાસ
  • રાજમાર્ગ પર કબજાથી વેપારીઓ પરેશાન, ગટરમાં કોંક્રિટ ઠાલવી દેતા આખા સુરતને પાણીમાં ધકેલી સુરતને બાનમાં લેનાર

ગુરુવારે સાંજે મેટ્રોની ટનલની કામગીરી એવી રીતે કરી કે તેને કારણે મુગલીસરા ખાતે આવેલી એલઆઇસી બિલ્ડીગની પાછળ આવેલી અંડરગ્રાઉન્ડ ટાંકી જ તૂટી ગઈ. મેટ્રોએ પોતાના આ કારનામાની લોકોને ખબર નહીં પડે તે માટે જાણે તાનાશાહી કરી હતી અને કોઈને સ્થળ પર જવા દીધા નહોતા અને રાતોરાત ટાંકી બનાવવાની કામગીરી શરૂ કરી દીધી હતી. મેટ્રોના અધિકારીઓએ મીડિયાને પણ સ્થળ પર જવા દીધું નહોતું.

સુરતના ચોકબજારથી કાપોદ્રા સુધી ૬.૦૪ કી.મી વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ મેટ્રોરેલ દોડાવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના માટે છેલ્લા કેટલાક સમયથી ટર્નલ ખોદવાની કામગીરી કરવામાં આવી રહી છે. કાપોદ્રાથી સુરત રેલ્વેસ્ટેશન સુધીની ટર્નલનું કામ પુર્ણ થઇ ગયું છે. જયારે સુરત રેલ્વે સ્ટેશનથી ચોકબજાર સુધીની એક ટનલનું કામ પુર્ણ થઇ ગયું છે અને એક ટનલનું કામ ડીસેમ્બર ૨૦૨૫ના અંત સુધીમાં પુર્ણ થાય તેવી શક્યતા જોવાઇ રહી છે.

દરમિયાનમાં ગુરુવારે સાંજે આ ટનલ બનાવવાની કામગીરી દરમિયાન જ મુગલીસરા ખાતે આવેલી એલઆઇસી બિલ્ડીગની પાછળ આવેલી એક પાણીની અંડરગ્રાઉન્ડ ટાંકી ધડાકાભેર તુટી પડી હતી. પહેલા તો ટાંકી તૂટતાં માટી ધસી પડ્યાનું અને મોટું ગાબડું પડ્યાની વાતો બહાર આવી હતી.

જોકે, બાદમાં ટાંકી તૂટ્યાની વિગતો બહાર આવી હતી. ટનલ બનાવવામાં દાખવવામાં આવેલી બેદરકારીને કારણે આ ટાંકી તૂટી પડી હતી. જોકે, મેટ્રોના નફ્ફટ અધિકારીઓએ તાકીદે સ્થળ પર પહોંચીને કિલ્લેબંધી કરી દીધી હતી અને આ ઘટનાની કોઈને જાણ નહીં થાય તેવા પ્રયાસો શરૂ કર્યા હતા. ત્યાં સુધી કે મેટ્રોના અધિકારીઓએ આટલી મોટી ઘટના બનવા છતાં પણ મનપાના સેન્ટ્રલ ઝોન કે પછી નોડલ અધિકારીને પણ જાણ કરી નહોતી અને બારોબાર મશીનો બોલાવીને ટાંકી બનાવવાની કામગીરી શરૂ કરી દીધી હતી. ઘટનાની જાણ થતાં મીડિયા સ્થળ પર પહોંચતાં મેટ્રોના અધિકારીઓ દ્વારા તાનાશાહી કરવામાં આવી હતી અને કોઈને અંદર નહીં જવા દઈ દાદાગીરી પણ કરી હતી. મેટ્રોના અધિકારીઓ પોતાની બેજવાબદારી ઢાંકવા માટે કોઈને ફોટા પણ પાડવા દીધા નહોતા અને માથાકૂટો કરી હતી.

મેટ્રોના અધિકારીઓની તાનાશાહી સુરતીઓને જોખમમાં મૂકી રહી છે
અગાઉ આંજણામાં મેટ્રોના પિયરની નીચે ફાઉન્ડેશનમાં જ ઓટલો બનાવી દઈને મેટ્રોએ રસ્તો રોકી દીધો હતો. આટલું ઓછું હોય તેમ રાજમાર્ગનો એવી રીતે કબજો કરી લીધો છે કે વેપારીઓ રોજીરોટી કમાઈ શકતા નથી. મેટ્રોના બેદરકાર અધિકારીઓને કારણે જ હાલના વરસાદમાં જ્યાં ક્યારેય પાણી ભરાયા નહોતા ત્યાં પાણી ભરાયા હતા. પોતાની અણઘડતા છતી નહીં થાય તે માટે મેટ્રોના અધિકારીઓ મનપાને પણ જાણ કરતા નથી. મુગલીસરાની ઘટનામાં પણ અંડરગ્રાઉન્ડ ટાંકી તૂટી જવા છતાં મનપાના અધિકારીઓને કોઈ જ જાણ કરાઈ નહોતી. મેટ્રો રેલની કામગીરીમાં તેના અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહેલી તાનાશાહી સુરત શહેરને જોખમમાં મૂકી રહી છે.

Most Popular

To Top