જાણો મેન્ટલ હેલ્થ ક્રાઇસિસ પણ ગુપ્ત મહામારી જ છે!

મહામારીના આ કાળે લોકોની માનસિક(Mental) સ્થિતિ નબળી પાડવામાં ખૂબ મોટો ભાગ ભજવ્યો છે. જ્યાં સુધી સુશાંતસિંહ રાજપૂતના ન્યૂઝ આવ્યા નહોતા ત્યાં સુધી તે તરફ કોઈએ ધ્યાન આપ્યું નહોતું. બાકી તો લોકડાઉનના આરંભના તબક્કામાં જ ‘ઇન્ડિનય સાઇકાટ્રી સોસાયટી’( Indian Psychiatric Society) દ્વારા કરવામાં આવેલા સરવેમાં જ સામાન્ય કરતાં માનસિક દરદીઓની સંખ્યા વીસ ટકા સુધી વધી ચૂકી હતી! હાલમાં પણ મહામારીના કારણે થયેલી અસરથી લોકો બહાર આવી શક્યા નથી. આ ગાળામાં લાખો લોકોનું કામ છીનવાયું, નોકરી ગઈ છે, પરીવારથી દૂર રહેવાનું આવ્યું છે, કાયમી સંપર્કો તૂટ્યા છે, બહાર જઈને મળવાનું અટક્યું છે.

જાણો મેન્ટલ હેલ્થ ક્રાઇસિસ પણ ગુપ્ત મહામારી જ છે!

આમ એક સામાન્ય માણસ કટોકટીમાં રહીને જીવન પસાર કરી રહ્યો હતો, તે વધુ મુશ્કેલ સ્થિતિમાં આવીને ઊભો છે. કામ હાથમાં હોય તો આ સ્થિતિમાંથી બહાર આવવાનું આપોઆપ સંભવે, પણ હાલમાં સૌને કામ મળી રહ્યું નથી. મળે છે તો પૂરતું નથી કાં તો વર્ક ફ્રોમ હોમ છે. આ અસમાન્ય સંજોગોમાં લોકોની માનસિક સ્વસ્થતા(Mental well-being) જળવાય અને જોઈએ તે મદદ મળી રહે તે માટે મેન્ટલ ક્રાઈસિસ હેલ્પની સુવિધાની તાકીદની જરૂરીયાત છે. આફતના આ દોરમાં સ્વાભાવિક છે કે કોરોનાની સારવાર પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું. તે માટે સરકારે પ્રયાસ પણ કર્યા, પરંતુ કોરોનાની આસપાસની સ્થિતિને પહોંચી વળવા માટે સપોર્ટિવ સિસ્ટમ હોવી જોઈએ તે તરફ વિચારાયુ સુદ્ધા નહીં. ઇવન, કોરોનાની સારવારમાં ખડેપગે કાર્ય કરતા ડોક્ટર્સ અને અન્યની માનસિક સ્થિતિમાં આવેલાં ફેરફાર માટે મોનિટરિંગની કોઈ વ્યવસ્થા ન થઈ. દરદીઓ અને તેમના સંપર્કમાં આવેલાં લોકોને ક્વોરન્ટાઈન કરવાની ઘટનાએ પણ મેન્ટલ ક્રાઇસિસની સ્થિતિ નિર્માણ કરી છે.

‘વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશ’(World Health Organization)નમાં પૂર્વ ડિરેક્ટર શેખર સક્સેના મુજબ, : “ભારતમાં મેન્ટલ હેલ્થ ક્રાઈસિસ(Mental Health Crisis) હંમેશા ગંભીર સ્થિતિમાં રહી છે અને હાલના સંજોગોમાં સારવારની માગ અને તે માટે જરૂરી પૂરવઠાનો ગેપ ખૂબ વધ્યો છે.” સ્વસ્થ દેખાતો વ્યક્તિ પણ ડિપ્રેસ હોઈ શકે તે વાસ્તવિકતા સ્વીકારાતી નથી અથવા તો કોઈ તેને ડિપ્રેસ માનતી નથી. શાહરૂખ ખાન, દિપીકા પાદુકોણે, અનુષ્કા શર્મા, વરૂણ ધવનથી માંડિને રણદિપ હુડા પણ માનસિક અસ્વસ્થ રહ્યા છે અને તેની સારવાર લઈ ચૂક્યા છે. સેલિબ્રિટીઝના દાખલા અહીં ટાંકવા જરૂરી એ માટે છે કે રૂપેરી પડદા પર તેમના ચહેરા અતિ સ્વસ્થ દેખાય છે. પરંતુ પરદા પાછળના જીવનમાં તેઓ પણ હતાશ, નિરાશ અને ભયથી પીડાય છે.

જાણો મેન્ટલ હેલ્થ ક્રાઇસિસ પણ ગુપ્ત મહામારી જ છે!

ચમક-દમકના ક્ષેત્રમાં માનસિક બીમારી વધુ જોવા મળે છે. જ્યાં જ્વલંત સફળતા, અધધ નાણાં, બેશુમાર પ્રસિદ્ધી છે ત્યાં માનસિક રીતે પડી ભાંગવાની શક્યતા પણ વધુ છે. આવું કોર્પોરેટ જગતમાં પણ બને છે. યુકેની બ્રિટિશ ચેરીટીએ ભારતમાં કરેલાં એક સરવે મુજબ 42.5 ટકા કર્મચારી ડિપ્રેશન અથવા તો એનિક્સિટી ડિસોર્ડરથી પીડાય છે. મતલબ કે કોર્પોરેટ જગતમાં કાર્ય કરતો દર બીજો વ્યક્તિ માનસિક બીમારીથી પીડાય છે! આ ક્ષેત્ર એવાં છે જ્યાં માનસિક બીમારીનો ક્યાસ કાઢી શકાય છે. બાકી તો અનઓર્ગેનાઈઝડ સેક્ટરમાં કાર્ય કરતાં સિત્તેર ટકાથી વધુ લોકોમાં તો માનસિક બીમારીનો અંદાજો લગાવવો પણ અશક્ય છે. ક્યાંક છૂટાછવાયા સરવે થાય છે, પરંતુ તેનું ઓવરઓલ ચિત્ર મળતું નથી.

માનસિક બીમારીને લઈને આપણી સ્થિતિ આટલી ખરાબ હોવા છતાં જ્યારે તે પાછળ સરકારના કે સમાજના પ્રયાસો જોઈએ તો તેમાં નિરાશા જ સાંપડે. ભારત પાંચમું સૌથી મોટું અર્થતંત્ર છે, પરંતુ હેલ્થ પાછળ જે નાણાં ભારતમાં ખર્ચાય છે તેમાં માનસિક બીમારી પાછળનો હિસ્સો માત્ર 0.05 ટકા જ છે. ભારતમં સરેરાશ માનસિક બીમાર વ્યક્તિ થતાં પાછળના ખર્ચનો હિસ્સો કાઢીએ તો તે માત્ર 33 પૈસા છે. ‘ધ ડિપ્લોમેટ’ નામના ન્યૂઝ પોર્ટલે કાઢેલા એક અંદાજ મુજબ ભારતમાં જે રકમ માનસિક બીમારી પાછળ ખર્ચાય છે તે રકમ જેટલો ખર્ચ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વિદેશ પ્રવાસના એક દિવસમાં થઈ જાય છે.

જાણો મેન્ટલ હેલ્થ ક્રાઇસિસ પણ ગુપ્ત મહામારી જ છે!

માનસિક બીમારી પાછળ થતાં ખર્ચમાં જેમ ન્યૂનત્તમ રકમ છે, તે પ્રમાણે સાઇકિયાટ્રિસ્ટના મામલે દર એક લાખે માત્ર એક જ સરેરાશ ભારતમાં આવે છે. આનો અર્થ ભારતમાં હજુ 18,000 સાઇકિયાટ્રિસ્ટની ઘટ છે. માનસિક બીમાર છે તેઓની સારવાર જરૂરી છે અને જેઓ તેમાં પીડાઈ રહ્યા છે તેમને તે સગવડ મળવી જોઈએ. આ માટે સરકારે ‘નેશનલ મેન્ટલ હેલ્થકેર એક્ટ’ પણ ઘડી કાઢ્યો છે. જોકે આ બધુ જ એક વાર સંકટ આવ્યા પછી આપવામાં આવતી સારવાર જેવું છે. પરંતુ માનસિક સ્વાસ્થનો આદર્શ તો એ છે કે આસપાસની સ્થિતિ એવી નિર્માવી જોઈએ કે જેથી કરીને ન્યૂનત્તમ લોકો આમાં સપડાય.

આજે જોબ, શિક્ષણ, સામાજિક તાણાવાણાં, આર્થિક અસ્થિરતા અને અન્ય શારીરિક પ્રશ્નો એટલા વધ્યા છે કે તેમાંથી જ માનસિક બીમારીઓ ઉદભવે છે. આ માટે અભ્યાસ આધારીત લાંબા ગાળાનું આયોજન થવું જોઈએ. યોગ કંઈક અંશે આ બધી બીમારીઓ માટે કારગર છે, પણ તેનો પ્રચાર-પ્રસાર સરકારી રાહે જેટલો થવો જોઈએ એટલો જ થાય છે. એક્સપર્ટ રોકીને સૌને યોગનો લાભ મળે તે પ્રક્રિયા યોગ દિવસની જેમ અન્ય દિવસોમાં બનતી નથી.ભારત જેવાં વિવિધતાભર્યા દેશમાં, જ્યાં અનેકવિધ સ્થિતિ છે ત્યાં તો આ પ્રકારના પ્રશ્નોનો નિકાલ લાવવો તે ઓર મુશ્કેલ કાર્ય બની જાય છે. તેથી પણ સાઇકિયાટ્રીસ્ટની સંખ્યા વધારવી જોઈએ. તે સિવાય માનસિક બીમારીને લઈને તમામ કાર્ય સરકાર કરી શકે તેવી ક્ષમતા પણ નથી. આ માટે સૌથી અગત્યની બાબત એ છે કે સામાજિક સંસ્થાઓ અને વ્યક્તિગર રાહે આ પ્રશ્નને લઈને જેઓ સપોર્ટ કરી શકે તેઓનું પ્લેટફોર્મ વિશાળ બનાવવું.

જાણો મેન્ટલ હેલ્થ ક્રાઇસિસ પણ ગુપ્ત મહામારી જ છે!

માનસિક બીમારી સામેના ઇલાજ-દરેક વ્યક્તિ પોતાની માનસિક બીમારી સામે અલગ-અલગ રીતે લડે છે. એકની રીત બીજાને ભાગ્યે જ કામ આવી શકે. તેમ છતાં માનસિક સ્વસ્થતા અર્થે કેટલીક બાબત સામાન્ય છે. જેમ કે એક્સસાઈઝ એ શારીરિક-માનસિક સ્વસ્થતા માટે સૌથી જરૂરી છે. જે મન-શરીર બંનેને પ્રફુલ્લિત રાખી શકે છે. સાર્થક સંવાદ સૌથી અગત્યની બાબત છે. તમે શું અનુભવો છો, તમારી લાગણી અને પ્રતિક્રિયા નજીકના મિત્રોને જણાવો. તેમની સાથે સતત વાત કરો. મુશ્કેલી આવે તો તેમની સાથે શેર કરો. નિષ્ફળતાને સ્વીકારો. સફળતાના માર્ગ નિષ્ફળતાથી જ કંડારાય છે. આ નિષ્ફળતાઓને ભૂલીને આગળ વધો. અનુભવ સૌથી અગત્યનો છે. સ્ટેપ બાય સ્ટેપ આગળ વધો. યોગ, પ્રાણાયામ પણ રિલેક્સ થવા માટે કારગર છે. ઉપરાંત કોઈ એક શોખ કેળવો જેથી કામ સિવાય તેમાં પણ મન પરોવાયેલું રહે. પરીવાર સાથે સમય સ્વસ્થ સમય વિતાવો. પૂરતી ઉંઘ લો. સ્વસ્થ જીવન માટે ઉંઘ સૌથી શ્રેષ્ઠ ઉપાય છે. મદદ માગતા જરાસરખો પણ વિચાર ન કરો. જ્યાં જરૂર હોય ત્યાં સાથી કર્મચારીઓની-અનુભવી વ્યક્તિની મદદ લો.-પ્રશસ્ત પંડ્યા

સફળ લોકો કેમ માનસિક બીમારીથી વધુ પીડાય છે?– ફિલ્મ ઇન્ડસ્ટ્રી હોય કે કોર્પોરેટ જગત જ્યાં સફળતાની ઝંખના, પ્રસિદ્ધી અને જંગી પૈસા છે ત્યાં વધુ દબાણ અનુભવાય છે. આ તમામ ક્ષેત્રમાં પોતાની જગ્યા પર ટકી રહેવા માટે જે સ્ટ્રેસ લેવો પડે છે તે સામાન્ય કામના સંજોગોના મુકાબલે અનેકગણો વધુ હોય છે. જેમ કે આ જગત માર્કેટ ઓરિએન્ટેડ અને પર્ફોમન્સ બેઝ્ડ છે, ત્યાં માણસે મશીન બનીને કામ કરવું પડે છે. લાંબા કલાકના કામના કલાકો, પરીવાર-મિત્રોથી દૂર રહીને કામ કરવું, બેસ્ટ આપવાનું સતત દબાણ. આ બધું જ્યારે હાવી થઈ જાય ત્યારે એકલા હોવાનું અનુભવાય. આસપાસ કોઈ જ સપોર્ટ સિસ્ટમ નથી તેવી લાગણી થયા કરે. ઉપરાંત જ્યારે એક વાર વ્યક્તિ સેલિબ્રિટીઝ બની જાય છે ત્યારે તે સાઇકિયાટ્રિસ્ટ પાસે જવા માટે પણ ખચકાય છે. આમ બધી જ રીતે માનસિક બીમારી વધુ વકરે છે. થોડા વર્ષો અગાઉ ક્રિકેટમાં આ રીતે ડિપ્રેશનના શિકાર બનેલા ખેલાડીઓની લાંબી યાદી આવી હતી. જેમાં ઇંગ્લંડના ખેલાડીઓ સૌથી વધુ હતા. તેમાં માર્કસ ટ્રેસ્ટોસ્થિક, સ્ટીવ હાર્મિસન, મેથ્યુ હોગાર્ડ અને એન્ડ્રુ ફ્લિન્ટોફ જેવાં ખેલાડીઓના નામ હતા. ઈન્ડિયન ક્રિકેટમાં રોબિન ઉથપ્પા, પ્રવીણ કુમાર અને વિરાટ કોહલી કંઈક અંશે ડિપ્રેશનથી પીડાઈ ચૂક્યા છે.

-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Related Posts