મેડીકલ એજ્યુકેશન… શિષ્યો કાર્યરત છે અને ગુરુઓ સમાધિમાં!

1991 પછી ખાનગીકરણ અને ઉદારીકરણની જે નવી આર્થિક નીતિ અપનાવાઈ તેમાં આરોગ્ય ક્ષેત્ર પણ ખાનગી ક્ષેત્ર માટે ખોલવામાં આવ્યું એટલે ખાનગી હોસ્પિટલોને મંજૂરી આપવા સાથે ખાનગી મેડીકલ કોલેજોને પણ મંજૂરી આપવાની શરૂઆત થઈ. જો કે મેડીકલ કોલેજ ખોલવા માટે ઇન્ફાસ્ટ્રકચર જોઇએ અને તજજ્ઞો જોઈએ!

કાર્તિકેય ભટ્ટ

શિક્ષણની એક શાખા એ આરોગ્યનું શિક્ષણ છે. આપણી સરહદ પર શત્રુઓ સામે લડતા સૈનિકોએ દેશમાં મહામારી સમયે રોગ સામે લડતા અને દર્દીઓને બચાવતા આરોગ્યકર્મીઓ પર ફૂલ વરસાવી તેમનું અભિવાદન કર્યું. આ અભિવાદન ડોકટર અને નર્સનું જ નથી. આ અભિવાદન આરોગ્ય ક્ષેત્રના વિદ્યાર્થીઓનું પણ છે.
હા, આજે આપણે આ મહામારી સામે લડી રહ્યા છીએ અને અનેક દર્દીઓ સાજાં થઈ પાછાં ફરી રહ્યાં છે તેમાં મેડીકલ અને નર્સિંગના વિદ્યાર્થીઓનો મોટો ફાળો છે. વળી આ વિદ્યાર્થીઓ કામે ન લાગ્યાં હોત તો ભારતમાં પણ અન્ય દેશોની જેમ મેડીકલ સેકટર પડી ભાંગ્યું હોત. ભારત અત્યારે આ લડતમાં જે ટકયું છે તે વર્ષો જૂની સરકારી આરોગ્ય સેવાઓના માળખા પર અને મેડીકલના સ્ટુન્ડન્ટસ ભારતમાં આરોગ્યના શિક્ષણમાં વર્ષોથી કેન્દ્રીકરણ અને ઇજારો રહ્યો છે. ખાનગીકરણ પહેલાં તો માત્ર સરકારી મેડીકલ કોલેજો અને નર્સિંગ કોલેજો હતી, જયાં ખૂબ મર્યાદિત બેઠકોમાં વર્ષે ડોકટર અને નર્સ બહાર પડતાં વર્ષો સુધી ભારત પ્રતિ દસ લાખની વસ્તિએ ઓછા દવાખાનાં, ઓછા દાકતર અને ઓછી આરોગ્ય સેવાનો દેશ રહ્યો.
મેડીકલનું શિક્ષણ એ પાયાની માળખાગત સુવિધા અને યોગ્ય તજજ્ઞોની સંખ્યા પર આધાર રાખે છે. વળી આ શિક્ષણ મેળવવા માટે વિદ્યાર્થીઓ પણ ઓછા હતા અને તેમને દાકતરી વિજ્ઞાન ભણાવે તેવા તજજ્ઞો અને ભૌતિક સુવિધાઓ પણ ઓછી હતી. આપણે દાકતરી વિદ્યા અને તેના શિક્ષણને સત્તાના સીધા અંકુશમાં રાખી નથી. સામાન્ય શિક્ષણમાં જે સરકાર બધા જ નિર્ણયો લે છે તેમ તબીબી વિજ્ઞાનમાં નથી લેતા. અહીં ભણાવવાના કન્ટેન્ટથી માંડીને દાકતરી વિજ્ઞાન ભણતા વિદ્યાર્થીની પાયાની લાયકાત કે ભણવા માટેની સુવિધાનું માળખું બધું જ એક આરોગ્યની સર્વોચ્ચ સંસ્થા નક્કી કરે છે. એટલે ભારતમાં એક સર્વોચ્ચ સત્તારૂપ મેડીકલ એસો.ની બોડી છે. જે નક્કી કરે છે કે મેડીકલ કોલેજની મંજૂરી કોને આપવી? મેડીકલ કોલેજમાં બેઠકો કેટલી રાખવી? એટલે વર્ષો સુધી આ બેઠકો ખૂબ નિયંત્રિત રહી અને યુ. જી. એટલે કે એમ.બી.એસ.ની બેઠકો કરતાં પણ પી. જી. એટલે આરોગ્યમાં માસ્ટર્સની બેઠકો ખૂબ મર્યાદિત રહી. પરિણામે ભારતમાં ડોકટર્સની સંખ્યા ખૂબ ઓછી રહી. 1991 પછી ખાનગીકરણ અને ઉદારીકરણની જે નવી આર્થિક નીતિ અપનાવાઈ તેમાં આરોગ્ય ક્ષેત્ર પણ ખાનગી ક્ષેત્ર માટે ખોલવામાં આવ્યું એટલે ખાનગી હોસ્પિટલોને મંજૂરી આપવા સાથે ખાનગી મેડીકલ કોલેજોને પણ મંજૂરી આપવાની શરૂઆત થઈ. જો કે મેડીકલ કોલેજ ખોલવા માટે ઇન્ફાસ્ટ્રકચર જોઇએ અને તજજ્ઞો જોઈએ! હવે ઇન્ફાસ્ટ્રકચરમાં સૌ પ્રથમ એક હોસ્પિટલ જરૂરી બને, જયાં મેડીકલ કે નર્સિંગના વિદ્યાર્થીઓને દર્દીઓ તપાસવા મળે. કહો કે પ્રયોગ કરવા મળે! અને આ હોસ્પિટલ કોલેજ સાથે સંકળાયેલા અનુભવી ડોકટર્સ મળે, જે કોલેજમાં લેકચરર તરીકે પ્રોફેસર તરીકે ભણાવે. ટૂંકમાં વિદ્યાર્થીને ભણાવવા અને પ્રેકિટકલ બને માટે પૂરતી સગવડ હોય તો મેડીકલ કોલેજને મંજૂરી મળે!
ખાનગીકરણમાં ખાનગી હોસ્પિટલ શરૂ થવા સાથે ડાકટર્સની અછત ઊભી થઈ. વળી ખાનગીકરણથી વર્ષોના અનુભવી દાકતરોએ કાં તો પોતાની જ હોસ્પિટલો શરૂ કરી અથવા ખાનગી હોસ્પિટલમાં પોતે જોડાઇ ગયા કારણ સ્વાભાવિક રીતે જ સરકારી દવાખાનાને વળગી રહેવાથી શું મળે! હા, અનુભવી દાકતરોએ સરકારી હોસ્પિટલ તથા તેની સાથે જોડાયેલી કોલેજોમાં પોતાનું જોડાણ ચાલુ રાખ્યું.
મેડીકલ કોલેજ એ મોટા અને મોંઘા ઇન્ફ્રાસ્ટ્રકચરને માંગે છે. આ માટે મોંઘું મૂડી રોકાણ કરવું પડે. એટલે આ ક્ષેત્રમાં નવા કે નાના રોકાણકર્તાનું ગજું નહીં. મોટા ઉદ્યોગપતિઓ અથવા સરકાર જ આ કરી શકે. ગુજરાતમાં તત્કાલીન સરકારે પબ્લીક પ્રાઇવેટ પાર્ટનરશીપના નામથી હોસ્પિટલ-કોલેજ સરકાર ખોલે અને સંચાલન ખાનગી ટ્રસ્ટ કરે એ રીતે મેડીકલ કોલેજો શરૂ કરી. મેડીકલમાં ઊંચી ફી અને તે કરતાંય ડોનેશન સીટ પર કાયદેસર મોટી આવકો સાથે પાછલા બારણાની મોટી આવકો મળવા લાગી. મેડીકલ કોલેજને મંજૂરી આપનારી કેન્દ્રીય સત્તા પણ બજાર પરિબળોની લપેટમાં આવી ગઇ અને એટલે કોલેજ તો કોઇ પણ બનાવી લે, પણ તજજ્ઞ દાકતરો પ્રોફેસર તરીકે કયાંથી લાવે? સરકારે મેડકીલની સિટો વધારવા જે કોલેજની તપાસ આવવાની હોય ત્યાં અન્ય સરકારી હોસ્પિટલના દાકતરોની ફાળવણી કરીને મેડીકલ કોલેજોને મંજૂરી અપાવી. આજે સ્થિતિ એ છે કે અનેક મેડીકલ કોલેજો પૂરતા પ્રોફેસર ડાકટર વગર જ ચાલે છે. ઘણી કોલેજોમાં આગળના વર્ષે ભણી ગયેલા વિદ્યાર્થીને જ લેકચર માટે બોલાવાય છે. તો મેડીકલ કોલેજોમાં પૂરતા સિનિયર ડોકટર્સ જ નથી તો આ સંજોગોમાં આ હોસ્પિટલોમાં ખાસ તો આટલાં દર્દીઓ વચ્ચે કયાંથી હોય!કોરોના મહામારીને કારણે રાતોરાત હજાર બેડની વ્યવસ્થા સાથે જયાં જયાં હોસ્પિટલ શરૂ કરી છે ત્યાં ત્યાં મૂળ મેડીકલ સ્ટાફ છે નહીં. મર્યાદિત સિનિયર ડોકટર્સ અને નર્સના હાથ નીચે મેડીકલના પી.જી.ના સ્ટુડન્ટસ જ આ દર્દીઓની સારવાર કરી રહયા છે. સમાચાર તો એવા પણ છે કે કોઇ પણ ફેકલ્ટીનો ડાકટર કોરોનાના મરીઝને સંભાળે છે. મતલબ કે ઓર્થોપેડીક, ચાઇલ્ડ, ગાયનેક, કોઇ પણ શાખાનો મેડીકલનો વિદ્યાર્થી કોરોનાના દર્દીની સારવાર કરી રહયો છે અને સાથે આક્ષેપ એ પણ થઇ રહયા છે કે કેટલીક હોસ્પિટલમાં સિનિયર ડોકટર્સ અને નર્સ બધું જ કામ આ વિદ્યાર્થીઓ તથા કોન્ટ્રાકટથી રાખવામાં આવેલી નર્સ પાસે જ કરાવી રહયા છે એટલે તબીબ જગતના લડવૈયા તો આ વિદ્યાર્થીઓ છે, જેઓ પૂરા વર્ષના સાચા હકદાર છે. શિષ્યો પાસેથી કામ લેવું અને પોતે સ્વકલ્યાણ માટે સમાધિમાં રહેવું એ પણ ભારતીય ગુરુ-શિષ્ય પરંપરાનો જ એક ભાગ છે.

  • આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Related Posts