ભરૂચમાં બજારો ધમધમતાં થયાં, રિક્શાઓ દોડતી થઈ

દેશમાં લોકડાઉનને 31મી મે સુધી લંબાવી દેવાયું છે, પણ રાજ્ય સરકારે આપેલી છૂટછાટોના કારણે ભરૂચ શહેરમાં જનજીવનની ગાડી ધીમે ધીમે પાટા ઉપર આવી રહી છે. ત્યારે જૂના ભરૂચના મોટા બજાર, હાજીખાં બજાર, લાલ બજાર, મહંમદપુરા ઉપરાંત નવા ભરૂચમાં શક્તિનાથ, ઝાડેશ્વર વિસ્તારનાં બજારો ધમધમતા થયાં છે. ભરૂચ નગરપાલિકાએ ચોથા તબક્કાના લોકડાઉનમાં શહેરની દુકાનો ખોલવા માટે ગાઈડલાઈન જાહેર કરી છે. જેમાં એકીબેકી પદ્ધતિથી દુકાનો ખોલવા જણાવવામાં આવ્યું છે. જે દુકાનોના રજિસ્ટ્રેશન નંબરનો છેલ્લો આંકડો એકી હશે તે દુકાનો એકી તારીખે ખુલ્લી રહેશે તથા જે દુકાનોના નંબરનો છેલ્લો આંકડો બેકી હશે તે દુકાનો બેકી તારીખે ખુલ્લી રહેશે. ત્રીજા તબક્કામાં બપોર સુધી જ દુકાનો ખુલ્લી રહેતી હતી. પરંતુ ચોથા તબક્કામાં સમયમર્યાદા વધારવામાં આવી છે. જેના કારણે સવારે ૮ વાગ્યાથી સવારે ચાર વાગ્યા સુધી દુકાનોને ખુલ્લી રાખી શકાશે. જો કે, દુકાન સંચાલકોએ સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઈ રહે તેની કાળજી રાખવા સાથે ફરજિયાત ફેસ માસ્ક પહેરી સેનિટાઇઝરની સુવિધા ઊભી કરી વધુમાં વધુ પાંચ ગ્રાહકોની મર્યાદા રાખવાની શરતે દુકાન ચાલુ શકશે.

ઉનાળાના કારણે બપોર થતાંની સાથે શહેરમાં સ્વયંભૂ કર્ફ્યૂનો માહોલ
લોકડાઉનના ચોથા તબક્કામાં રાજ્ય સરકારે અમુક દુકાનોને ખુલ્લી રાખવાની મંજૂરી આપી છે, આજથી નવી ગાઈડલાઈન પ્રમાણે બજારોમાં મોટા ભાગની દુકાનો ખૂલી જતાં ખરીદી માટે લોકોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. પણ ઉનાળાના કારણે બપોર થતાંની સાથે શહેરમાં સ્વયંભૂ કર્ફ્યૂનો માહોલ જોવા મળે છે. હાલ પવિત્ર રમઝાન માસ ચાલતો હોવાથી લોકડાઉનના પગલે દુકાનો બંધ રહેતાં મુસ્લિમ બંધુઓને અગવડોનો સામનો કરવો પડ્યો હતો. જો કે, ભરૂચ શહેરમાં સવારની સ્થિતિ સાચા અર્થમાં ચિંતાજનક બની હતી. શાકભાજી તથા અન્ય વસ્તુઓની ખરીદી માટે લોકો મોટી સંખ્યામાં ઘરોની બહાર નીકળ્યા હતા. જે કોરોના વાયરસના સંક્રમણને ઇજન પાઠવી રહ્યા હોય તેમ લાગતું હતું. ખાસ કરીને શાકભાજીની લારીઓ ઉપર સોશિયલ ડિસ્ટન્સિંગનો અભાવ જોવા મળતો હતો.

વ્યસનીઓ ગેલમાં: હાશ ! પાનના ગલ્લા ચાલુ થઈ ગયા
ચોથા તબક્કાના લોકડાઉનમાં પાનના ગલ્લાઓને છૂટછાટ અપાતાં પાન, બીડી, તમાકુ, ગુટખા સહિતની ચીજવસ્તુના વ્યસનીઓ ગેલમાં આવી ગયા છે. શહેરમાં પાનના ગલ્લા ખૂલતાં જ લોકોનો ધસારો જોવા મળ્યો હતો. ૧થી ૩ તબક્કાના લોકડાઉન દરમિયાન સરકારે પાનના ગલ્લાઓ તથા ગુટખા સહિતની ચીજવસ્તુઓના વેચાણ ઉપર પ્રતિબંધ મૂકી દેતાં તેના પાન, બીડી, સિગરેટના બંધાણીઓ કફોડી હાલતમાં મુકાયા હતા. તો બીજી બાજુ વેપારીઓએ આ બધી જ ચીજવસ્તુઓના કાળાબજાર શરૂ કર્યા હતા. ૫ રૂપિયાના ગુટખાના બજારમાં ૨૫થી ૩૫ રૂપિયાનો ભાવ બોલાતો હતો. પોલીસ ખાતાએ પણ મોટા પાયે પાન-મસાલાની ચીજવસ્તુઓનું ગેરકાયદે વહન અને કાળાબજાર કરનારાઓને ઝડપી પાડ્યા હતા. જો કે, ચોથા તબક્કામાં સરકારે પાનના ગલ્લાઓને છૂટછાટ આપતાં બંધાણીઓ ગેલમાં આવી ગયા છે. સરકારે તેમાં કેટલાંક નિયંત્રણો પણ મૂક્યાં છે. જે બંધાણીઓને મોંઘા પડી શકે તેમ છે. જેમાં પાન પડીકી ખાઈ જાહેરમાં પિચકારી મારનાર અથવા થૂંકનારને રૂ.૨૦૦નો દંડ કરવાની જોગવાઈ કરાઈ છે.

ભરૂચમાં રિક્ષાઓ દોડતી થઈ
લોકડાઉનમાં રિક્ષાઓ પરના પ્રતિબંધના કારણે શહેરમાં રિક્ષાઓનાં પૈંડાં ૫૬ દિવસ સુધી થંભી ગયાં હતાં. રિક્ષાચાલકો બેરોજગાર થઈ ગયા હતા. ભરૂચ શહેરમાં ૭૦૦૦ રિક્ષાઓ સહિત જિલ્લાના ર૩૦૦૦ જેટલા રિક્ષાચાલકો ધંધા-રોજગાર વિનાના થઈ ગયા હતા. ચોથા તબક્કાના લોકડાઉનમાં પેસેન્જર રિક્ષાઓને શરૂ કરવાની છૂટ અપાતાં ભરૂચ શહેર સહિત જિલ્લામાં રિક્ષાઓનો ધમધમાટ શરૂ થયો છે. જો કે, સરકારે પેસેન્જર રિક્ષામાં માત્ર બે જ મુસાફર બેસાડી સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા માટે જણાવતાં રિક્ષાના ભાડામાં વધારો થવાની સંભાવના છે. સામાન્ય દિવસોમાં રિક્ષામાં ત્રણ પેસેન્જર બેસાડવામાં આવતાં જેમાં મુસાફરો ઉપર ભાડાનું ભારણ ઓછું આવતું હતું. હવે માત્ર બે જ મુસાફર બેસાડવાના કારણે ભાડાવધારાનો ભાર સીધો મુસાફરો ઉપર આવશે તેમ રિક્ષાચાલક એસોસિયેશનના પ્રમુખ સૈયદ અબ્બાસ રોશને જણાવ્યું હતું. સાથે તેમણે રિક્ષામાં નિયમ મુજબ ત્રણ પેસેન્જર બેસાડવાની છૂટ આપવામાં આવે તેવી માંગ કરી હતી.

Related Posts