માંડવીમાં બાળકીનો શિકાર કરનાર દીપડો તંત્રને મથાવી રહ્યો છે, તંત્ર હવે આ રીતે દીપડાને પકડશે

તરસાડા : માંડવીના (Mandvi) મધરકુઈ ગામે 4 વર્ષીય બાળકીને ગળાના ભાગે દબોચી ફાડી ખાનાર દીપડાને પકડવા વન વિભાગ બે દિવસથી પસીનો પાડી રહ્યો છે, છતાં આ દીપડો કશે નજરે પડ્યો નથી. માંડવી તાલુકાના મધરકુઈ ગામે હિંસક દીપડાને (Panther) ગમેતે રીતે ઝબ્બે કરવા માટે વન વિભાગે (Forest Department) ભારે કવાયત હાથ ધરી છે. વન વિભાગના A.C.F સુરેન્દ્ર સિંહ કોસાડા , R.F.O ઉપેન્દ્રસિંહ રાઉલજીએ ઘટના સ્થળે પહોંચીને નિરીક્ષણ કર્યું હતું અને વધુ 10 પાંજરા, 6 ટ્રેપ કેમેરા તેમજ 4 c.c.t.v કેમેરા 4 જુદા – જુદા લોકેશનમાં ગોઠવીને 50 માણસો તૈનાત કર્યા છે. ઉપરાંત સુરતની લેપર્ડ એમ્બેસેડર ટીમ પણ ‘રાઉન્ડ ધ ક્લોક’ સર્ચ ઓપરેશન (Search operation) કરી રહી છે. ટૂંકમાં વન વિભાગ દ્વારા હિંસક દીપડો ઝબ્બે ન થાય ત્યાં સુધી જંપીને બેસે તેમ નથી, એવો નિર્ધાર કર્યો છે.

માંડવીમાં બાળકીનો શિકાર કરનાર દીપડો તંત્રને મથાવી રહ્યો છે, તંત્ર હવે આ રીતે દીપડાને પકડશે
  • મધરકુઈમાં ખુંખાર દીપડાને પકડવા વન વિભાગની ભારે કવાયત: 50 માણસો તૈનાત
  • દીપડાને પકડવા 6 ટ્રેપ કેમેરા, 4 c.c.t.v કેમરા 4 તથા પાંજરા 10 ગોઠવાયા
  • સુરતની લેપર્ડ એમ્બેસેડર ટીમ પણ ‘રાઉન્ડ ધ ક્લોક’ સર્ચ ઓપરેશનમાં જોડાઈ

આ છે ઘટના

માંડવીના મધરકુઈમાં ગત ગુરુવારે સાંજે 7:30 વાગ્યાના અરસામાં ઘરઆંગણે 4 વર્ષીય આરવી યોગેશ ગામીત તેના ભાઈ સાથે રમતી હતી. એ વેળા માનવભક્ષી દીપડાએ આરવીને ગળામાંથી દબોચી લીધી હતી. અને 400 મીટર દૂર અંતરે ખેતરમાં લઈ જઈ શિકાર કર્યો હતો. આ બનાવમાં બાળકીની લાશ મળી આવતાં પરિવારમાં આક્રંદ છવાઈ ગયો હતો. ત્યારે સુરતના નાયબ વન સંરક્ષક પુનિત નૈયરના માર્ગદર્શન હેઠળ માંડવી વન વિભાગના એ.સી.એફ. સુરેન્દ્રસિંહ કોસાડા તથા આર.એફ.ઓ. ઉપેન્દ્રસિંહ રાઉલજીએ મધરકુઈ ગામે માનવભક્ષી દીપડાને પકડવા જોરદાર કામગીરી આરંભી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ 2019માં માંડવીના પાતલ ગામે 5 વર્ષીય બાળકીનો માનવભક્ષી દીપડાએ શિકાર કર્યો હતો. એ સમયે રાજ્ય સરકાર દ્વારા બાળકીના પરિવારને 4 લાખનો ચેક અર્પણ કરાયો હતો. આમ, સુરત જિલ્લાના માંડવી તાલુકામાં બે વર્ષમાં બે ઘટના બનતાં લોકોમાં દહેશતનો માહોલ છે.

માંડવીમાં બાળકીનો શિકાર કરનાર દીપડો તંત્રને મથાવી રહ્યો છે, તંત્ર હવે આ રીતે દીપડાને પકડશે

દીપડાનો શિકાર બનેલી બાળકીના પરિવારને રૂ.4 લાખની સહાય

માંડવી તાલુકાના મધરકુઈ ગામે ગુરુવારે સાંજે બનેલી ઘટનામાં દીપડાએ 4 વર્ષીય બાળકી આરવીનો શિકાર કર્યો હતો. જે બાબતે રાજ્ય સરકારના વનમંત્રી ગણપતસિંહ વસાવાએ તાત્કાલિક સહાય મંજૂર કરવાની 4 લાખનો ચેક સાંસદ પ્રભુભાઈ વસાવાના હસ્તે અમીનાબેન યોગેશભાઈ ગામીતને આપવામાં આવ્યો હતો .આ ચેક અર્પણ કરતી વેળા માંડવી તાલુકાના ભાજપ પ્રમુખ દિનેશ પટેલ, ગામના સરપંચ મુકેશ ગામીત, ઝાબ ગામના સરપંચ ભરત ગામીત તેમજ આગેવાનો ગ્રામજનો હાજર રહ્યા હતા.

Related Posts