India

CJPના વિરોધ પ્રદર્શન પર દિલ્હી પોલીસની મોટી કાર્યવાહી

20થી વધુ FIR નોંધાઈ, સુપ્રીમ કોર્ટમાં અવમાનના અરજી પર સુનાવણી

દિલ્હીના જંતર-મંતર ખાતે કોંકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા કરવામાં આવી રહેલા વિરોધ પ્રદર્શનને લઈને રાજધાનીમાં રાજકીય ગરમાવો વધ્યો છે. શનિવારે પ્રદર્શન દરમિયાન દિલ્હી પોલીસે મોટી કાર્યવાહી કરતાં અનેક લોકોને કસ્ટડીમાં લીધા હતા. બીજી તરફ, પ્રદર્શન સાથે જોડાયેલા મામલામાં દિલ્હી પોલીસે 20થી વધુ FIR નોંધ્યાનો અહેવાલ છે. આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે સુપ્રીમ કોર્ટમાં અવમાનના અરજી પર સુનાવણી શરૂ થઈ છે. જ્યારે CJPના સ્થાપક અભિજિત દિપકે સહિત પાર્ટીના નેતાઓ સૌરવ દાસ અને આશુતોષ રાંકાને કોર્ટમાંથી મુક્તિ મળી છે.મળતી માહિતી મુજબ, CJPએ રવિવારે પણ જંતર-મંતર ખાતે મોટું વિરોધ પ્રદર્શન કરવાની તૈયારી કરી હતી. શનિવારે પોલીસની કાર્યવાહી છતાં પાર્ટીએ પોતાનું આંદોલન ચાલુ રાખવાની જાહેરાત કરી હતી. CJPના નેતા અંજીક્ય શિંદેએ સ્પષ્ટ કર્યું હતું કે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર રાજીનામું નહીં આપે ત્યાં સુધી વિરોધ પ્રદર્શન ચાલુ રહેશે. પાર્ટીના આ વલણને કારણે રવિવારે પણ દિલ્હીમાં સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાને લઈને તંત્ર સતર્ક બન્યું હતું.

દિલ્હી પોલીસ દ્વારા 20થી વધુ FIR નોંધાઈ
શનિવારે થયેલા વિરોધ પ્રદર્શન અને પોલીસની કાર્યવાહી બાદ દિલ્હી પોલીસે 20થી વધુ FIR નોંધ્યાની માહિતી સામે આવી છે. અહેવાલ અનુસાર, કાયદો-વ્યવસ્થાનો ભંગ કરવા, સરકારી કામગીરીમાં અવરોધ ઊભો કરવા અને પોલીસ કર્મચારીઓ પર હુમલો કરવા જેવા આરોપો હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. જોકે, આ તમામ FIRમાં કોની સામે કઈ કલમો હેઠળ કાર્યવાહી થઈ છે તેની સંપૂર્ણ વિગતો તપાસ અને સત્તાવાર માહિતીના આધારે સ્પષ્ટ થશે.

CJPના ત્રણ નેતાઓને કોર્ટમાંથી રાહત
CJPના સ્થાપક અભિજિત દિપકે અને પાર્ટીના નેતાઓ સૌરવ દાસ તથા આશુતોષ રાંકાને શનિવારે પોલીસે કસ્ટડીમાં લીધા હતા. ત્યારબાદ રવિવારે ત્રણેયને દિલ્હી કેન્ટની ACM કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટની કાર્યવાહી બાદ ત્રણેયને મુક્ત કરવામાં આવ્યા હોવાની માહિતી પાર્ટીની લીગલ હેડ રત્ના સિંહે આપી હતી. CJPએ પણ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા ત્રણેય નેતાઓની મુક્તિની જાણકારી આપી હતી. પાર્ટીએ પોતાની પોસ્ટમાં ‘કોકરોચ ક્યારેય મરતા નથી’ એવો સંદેશ આપીને આ કાર્યવાહી સામે પોતાનું વલણ વ્યક્ત કર્યું હતું.

સુપ્રીમ કોર્ટમાં અવમાનના અરજી પર સુનાવણી
આ સમગ્ર મામલે સુપ્રીમ કોર્ટમાં પણ મહત્વપૂર્ણ સુનાવણી શરૂ થઈ છે. શનિવારે દિલ્હીમાં લાદવામાં આવેલા પ્રતિબંધો, મેટ્રો અને ટ્રેનોની અવરજવર રોકવાના તથા લોકોને કસ્ટડીમાં લેવાના આરોપોને લઈને અવમાનના અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજી પર સુપ્રીમ કોર્ટની વિશેષ પીઠ સુનાવણી કરી રહી છે. સુનાવણી માટે કાર્યવાહી કોર્ટરૂમ નંબર 5માં ખસેડવામાં આવી હોવાના અહેવાલ છે. વકીલો ત્યાં પહોંચતાં સુપ્રીમ કોર્ટના કોરિડોરમાં ભારે ભીડ જોવા મળી હતી.

દિલ્હીમાં ટ્રાફિક ડાયવર્ઝન અને સુરક્ષા વ્યવસ્થા
CJPના પ્રસ્તાવિત પ્રદર્શનને ધ્યાનમાં રાખીને સેન્ટ્રલ દિલ્હી, નવી દિલ્હી અને કનોટ પ્લેસ આસપાસના મુખ્ય માર્ગો પર ટ્રાફિક ડાયવર્ઝન લાગુ કરવાની તૈયારી કરવામાં આવી હતી. આ વિસ્તારમાં વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. સમગ્ર ઘટનાક્રમને પગલે દિલ્હી પોલીસ અને વહીવટી તંત્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યાં છે.હાલમાં CJPનું આંદોલન, પોલીસની કાર્યવાહી અને સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી આ સમગ્ર વિવાદના મુખ્ય મુદ્દા બન્યા છે. આગામી સમયમાં કોર્ટની કાર્યવાહી અને પ્રદર્શન અંગે તંત્ર શું નિર્ણય લે છે તેના પર સૌની નજર રહેશે.

Most Popular

To Top