SURAT

મધ્યપ્રદેશથી ભાગીને સુરત આવેલાં પ્રેમીપંખીડાએ વરાછામાં ઝેરી દવા ગટગટાવી

સુરત: મધ્યપ્રદેશથી (Madhya Pradesh) ભાગીને આવેલાં પ્રેમીપંખીડાએ એક દિવસ પહેલાં જ સુરત (Surat) આવીને ઝેરી દવા ગટગટાવી આત્મહત્યાનો (Suicide) પ્રયાસ કર્યો હતો. જેમાં પ્રેમીની હાલત ગંભીર છે. જ્યારે પ્રેમિકાનું મોત (Death) નીપજ્યું હતું. મળતી માહિતી મુજબ મધ્યપ્રદેશમાં કસરાવત તાલુકાના ખરોગોનમાં રહેતી 22 વર્ષીય સોનાલી અને તેનો પ્રેમી દિવ્યેશ બામણીયા એક દિવસ પહેલાં જ સુરતમાં આવ્યાં હતાં. તેઓએ વરાછાના પારસી પંચાયતના બસ પાર્કિંગમાં ઝેરી દવા ગટગટાવી હતી. આ બાબતે પોલીસને જાણ થતાં બંનેને સ્મીમેર હોસ્પિટલ લઇ જવાયાં હતાં. જ્યાં સોનાલીનું મોત નીપજ્યું હતું. જ્યારે દિવ્યેશની હાલત હજુ પણ ગંભીર હોવાનું કહેવાય છે.

વરાછા પોલીસના કહેવા પ્રમાણે સોનાલી અને દિવ્યેશની વચ્ચે પ્રેમસંબંધ થયો હતો. આ બાબતે પરિવારને જાણ થઇ હતી, પરંતુ પરિવારના સભ્યો બંનેના પ્રેમસંબંધથી નારાજ હતા અને તેઓએ લગ્ન કરવાની પણ ના પાડી હતી. આખરે પ્રેમીપંખીડા ત્યાથી ભાગીને એક દિવસ પહેલા જ સુરત આવ્યાં હતાં. અહીં પણ પરિવારના સભ્યો તેમનો પીછો કરતા હશે તે ડરના કારણે તેઓએ આત્મહત્યા કરી હોવાનું પોલીસે કહ્યું હતું.

મળતી માહિતી મુજબ સોનાલી અને દિવ્યેશના પ્રેમ સંબંધની જાણ સોનાલીના પરિવારને થઇ હતી. જે બાદ સાનાલીએ તેના માતા-પિતાને ખૂબ સમજાવવામનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેઓ તેની ખિલાફ હતા. અંતે સોનાલી અને દિવ્યેશે ત્યાથી ભાગી જવાનુ વિચાર્યુ. 10 એપ્રિલે બન્ને ખરોગોનથી ભાગી ગયા હતા. ત્યાર પછી પોલીસ સ્ટેશનમાં તેમની લાપતા થવાની ફરિયાદ પણ નોંધાવામાં આવી હતી. તેમજ પરિવાર તરફથી પણ તેમના શોધવાના પૂરતા પ્રયાસો કરવામાં આવ્યા હતા. તેઓ બંન્નેનો પીછો કરી રહ્યા હતા. આ વાતની જાણ સોનાલી અને દિવ્યેશને થતા તેમણે વરાછા પારસી પંચાયતનના બસ પાર્કિંગમાં લકઝરી બસમાં ઝેરી દવા પી લીધી હતી.

એક તરફ તેમણે પરિવારના ડરથી ઝેરી દવા ગટગટાવી હતી. જ્યારે બીજી તરફ પરિવાર તેમની લોકેશનને આધારે સુરત આવ્યો હતો. આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા વરાછા પોલીસ દોડતી થઇ હતી. તેમણે તરત બંન્નેને સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જે બાદ પરિવાર પણ સ્મીમેર હોસ્પિટલ પહોંચી ગયો હતો. હાલ આ કેસની બાબતે પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે અકસ્માત મોતની નોંધણી કરી છે.

Most Popular

To Top