Columns

અંતરમાં છુપાયેલો પ્રકાશ

એક માણસ પોતાની દુઃખ ભરેલી જિંદગીથી સાવ થાકી ગયો હતો.ચારે  બાજુથી ઘેરાઈ ગયો હતો.આર્થિક નુકસાન થયું હતું.ધંધો પડી ભાંગ્યો હતો.પત્ની સમજી શકતી ન હતી અને માતા પિતાનો ભરોસો તેની પર રહ્યો ન હતો.પાર્ટનરે દગો કર્યો હતો અને સુખના દિવસ ન રહેતા આજુબાજુ ઘૂમતા મિત્રો પણ ગાયબ થઈ ગયા હતા. પોતાનાં દુઃખો અને ઘવાયેલી લાગણીઓ સિવાય કંઈ બચ્યું ન હતું. સાવ એકલો પડી ગયો હતો.ક્યાંય કોઈ રસ્તો ન દેખાતાં અકળાઈને તેણે સાવ છેલ્લો માર્ગ વિચાર્યો અને આત્મહત્યા કરવાનું નક્કી કરી લીધું.

GoodTherapy | Hidden Depression Among Us

નદી કાંઠે જઈને પાણીમાં ઝંપલાવવા જ જતો હતો ત્યાં થોડે દૂરથી એક ધબાકો સંભળાયો. તેણે જોયું કે થોડે દૂર કોઈએ નદીમાં ઝંપલાવ્યું.તે માણસ પોતે શું કરવા આવ્યો છે તે ભૂલી ગયો અને પોતે નદીમાં ખાબકીને  પેલા નદીમાં કૂદનાર માણસ તરફ તરીને ગયો અને તેને બચાવીને નદીકાંઠે લઇ આવ્યો.પેલા માણસે રડતાં રડતાં ધક્કો માર્યો અને કહ્યું, ‘મને શું કામ બચાવ્યો.મને મરવા જ દેવો હતો ને.ખાલી દુઃખોથી ભરેલી જિંદગી જીવવાનો શો અર્થ.મારે મરી જવું છે.મને મરવા દો.’ અને રડતાં રડતાં તે પોતાના પર પડેલા દુઃખો કહેવા લાગ્યો.પેલા માણસને લાગ્યું, દુઃખ મારા જીવનમાં પણ છે…પણ આ વ્યક્તિ જેટલાં તો નથી જ.

પેલો માણસ પોતાનું દુઃખ અને પોતે પણ આત્મહત્યા કરવા આવ્યો છે તે ભૂલીને નદીમાં આત્મહત્યા કરવા કૂદનાર માણસને શાંત કરતાં સમજાવવા લાગ્યો કે, ‘આમ આત્મહત્યા ન કરાય…. જિંદગી અતિ કિંમતી છે.જિંદગીમાં ચઢાવ-ઉતાર તો આવે,તેમાં આમ ભાંગી ન જવાય અને સહન કરતાં શીખવું જોઈએ.જિંદગીને એમ હાથે કરીને મોતના મુખમાં ન ધકેલી દેવાય.સમજ  જરા ધીરજ ધરીને હિંમત રાખ.’ બીજાને આત્મહત્યા ન કરવા માટે સમજાવતાં સમજાવતાં તેના અંતરમાં પણ પ્રકાશ સાધ્યો કે હું બીજાને જે સમજાવી રહ્યો છું તે મને સમજાયું નહી.

હું પોતે આ વાત ભૂલીને જિંદગી મોતને હવાલે કરવા આવ્યો હતો.અન્ય દુઃખી વ્યક્તિને બચાવતાં અને પ્રેરણા આપતા પોતાના શબ્દો દ્વારા તેના મનની શ્રધ્ધા જાગી ઊઠી. બીજાના જીવનને બચાવીને પ્રેરણાના પ્રકાશનું તેલ પૂરતાં પૂરતાં તેને પોતાના અંતરમાં છુપાયેલો પ્રકાશ દેખાયો અને અંધકારમય આત્મઘાતી મનોદશાના અંધારાં ઓગળી ગયા. દરેકના અંતરમાં આ છુપાયેલો ઉજાસ હોય જ છે.જરૂર છે તેને જાળવવાની અને ઓળખવાની.તમારા અંતરના છુપાયેલા પ્રકાશને ઓળખજો અને સદા પ્રકાશિત રાખજો.               
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Related Posts