ઘટ ઘટમાં ઘૂંટણના દુખાવા!

ઘટ ઘટમાં શ્રી પ્રભુનો વાસ હોય, એમ ચારેય કોર ઘટ ઘટમાં ઘૂંટણના દુખાવા હોય. શિયાળો બેઠો નથી ને ‘ શાલ-સ્વેટર-મફલરિયાંએ ડોકાં કાઢ્યાં નથી, એમ સૌને ‘ઘૂંટણ’ ના દુખાવા ઉભરવા જ માંડે, અમુકના દુખાવા તો, ઋતુની રાહ પણ ના જોઈ. બારમાસી જ હોય…!  ઘૂંટણના દુખાવાનો  ‘લાઈફટાઈમ એચીવમેન્ટ એવોર્ડ’ મળેલો હોય, એમ બારેમાસ ટણકે..! બિલકુલ ચાઈનાના હુમલાની માફક..! એવાં ટણકે કે, નાસ્તિક માણસ પણ ‘હે..રામ’ બોલીને આસ્તિકની ફેકલ્ટીમાં ફેંકાઈ જાય..! એવાં ખોફનાક દરદ ઉભરે કે, બિચારાની આખી ચાલ બદલાઈ જાય. ડાબું ઘૂંટણ ટણકતું હોય, તો જમણેરું ભલે એમ ના કહેતું હોય કે, ‘આવાઝ દો હમ એક હૈ’ પણ સહન તો ઘૂંટણના દર્દીએ જ કરવાનું આવે ને..?

ઘટ ઘટમાં ઘૂંટણના દુખાવા!

એક વાર જો ઉભરે તો કોરોના પણ યાદ નહિ આવે ને મંદીની પણ અસર પણ નહિ  લાગે. મગજ ઘૂંટણ ખોતરવામાં જ વ્યસ્ત હોય! ‘મેરા ચૈન બેન સબ ઉજડા’ ની માફક એવી હાલત કરી નાંખે કે, એ ભલું ને એનું ઘૂંટણ ભલું! સહન નહિ થાય ત્યારે, કિરતાર ઉપર ફિટકાર ફેંકે કે, ‘તું શલ્યાની અહલ્યા બનાવી શકે, તો ઘૂંટણના દરદ કેમ નહિ કાઢી શકે?  ‘શલ્યા’ જેવાં જ ઢીંચણ આપવામાં કોઈ તકલીફ હતી? એ તો સારું છે કે, પરણીને પરવાર્યા પછી ઘૂંટણના દુખણા આવ્યા. બાકી કુંવારા હોય ને ઢીંચણના દુઃખણા ઉભરે તો..? ઘૂંટણ  ઉપર પીઠી લગાવવાને બદલે, લેપણ કરવાના દહાડા આવ્યા હોત. માંડ કન્યા મળ્યા પછી ધમાકેદાર મંગળફેરા ફરવાની મઝા બગાડી નાંખી હોત ને મંગળફેરા માટે અલગ ‘ રનર્સ ‘ રાખવો પડ્યો હોત તે બોનસમાં..! (તમે પણ યાર શું હસવા બેઠાં..? સોલ્લીડ ઘૂંટણવાળાને હસું આવે એ બરાબર, પણ જેનાં ઘૂંટણ અસહ્ય ટણક મારતાં હોય એના ઉપર થોડીક તો રહેમ કરો..?  ચાર મંગળફેરા ફરતી વખતે ઘૂંટણ ટણકે ત્યારે ખબર પડે કે મોઢે કેવું ફીઈઈણ આવી જાય..! ચાર ને બદલે પણ ૪૦૦ ફેરા ફર્યો હોય એવું ફિલ થવા માંડે. ) વરઘોડામાં ડેન્સ કરતાને જોઇને તો એવો જીવ બળે કે, જાણે પોતાની લાશ ઉપર સાલા ‘ડેન્સ’ નહિ કરતાં હોય…? એવું લાગે યાર..??

 સરકારને કોણ કહેવા જાય કે, આ ઘૂંટણનો પ્રોબ્લેમ કાશ્મીર કરતાં પણ પુરાણો છે. આ પાંચ કરોડ જનતાના, દશ કરોડ ઘૂંટણનું પણ હવે કંઈ કરો…!  સાચું પૂછો તો ઘૂંટણના દુખાવાએ અમને ઘરડા કરી દીધાં છે. ઘરડે ઘડપણ સીધો માર એના ઉપર આવતો હોવાથી, જીવ જાણે મોઢાને બદલે ઘૂંટણમાંથી નીકળવાનો હોય એવું દર્દ
થાય છે.

લાંબે ગાળે તો હાડકાંના ડોક્ટર ઘૂંટણ તો ઠીક , અમારું મોઢું જોઇને એમનું મોઢું બગાડતાં થઇ જાય. અમને કહે કે, તમારું ઘૂંટણ દુખે તો ડોકટર પાસે પણ આવો, અમારાં ટણકે ત્યારે અમારે ક્યાં જવું….? અમારાં ઘૂંટણ પણ ચીસ તો પડાવે જ ને દાદૂ..?  ઘર ઘર ગેસના ચૂલ્હાઓ છે, એમ ઘર-ઘર ઘૂંટણના કેસ છે. બિચારી કેટલીક સાસુઓ તો વહુ કરતાં એનાં ઘૂંટણથી વધારે ત્રાસી છે બોલ્લો..! લોકોના મોંઢાને ઢાંકણ તો હોય નહિ. એના કપાળમાં કાંદા ફોડું, એવું કહે કે, ‘ જે સાસુએ પોતાના પરચા બતાવવામાં સગી વહુ માટે  બાકી મૂક્યું નહિ હોય, એમના ઘૂંટણ નહિ ટણકે તો શું ટાલ ટણકે?  બોલ્લો, આવી અફવા ફેલાવનારને ‘ સાસુદ્રોહ ‘ નો શાપ આપવો જોઈએ કે નહિ..? શ્રીશ્રી ભગો કહે તેમ, આવું કહેનારને તો સાત પેઢી સુધી કોઈએ જમાઈ જ બનાવવો  જોઈએ નહિ..! 

પાછાં દાઝ્યા ઉપર એવાં ડામ મૂકીને ફોલ્લાં પાડે કે, કરમ વળી કોઈને છોડતાં હશે? હનુમાનજીને તેલ ચઢાવો, એના કરતાં ડબલ તેલથી ઘૂંટણ ઉપર માલીશ કરે તો પણ કરમ તો ઉભરે જ.! સાસુનું ઘૂંટણ ને વહુની કમર, આ બધી અસહ્ય સમસ્યા છે. પણ કહેવું કોને..?

 જો કે શરીર છે, ક્યારેક ઘૂંટણ પણ દુખે ને કમર પણ દુખવાની. પણ એને સાસુના  પરચામાં નહિ ખપાવાય. અમુક અમુક સાસુ-વહુનાં જોડાંઓ તો એવાં રળિયામણાં હોય, કે સાસુ-વહુના ઘુમ્મટવાળા મંદિર બનાવવાની ઈચ્છા થઇ આવે..! જેથી સાસુ, વહુને પરેશાન કરે તો વહુ બાધા ચઢાવવા આવે, ને વહુ, સાસુને પરેશાન કરતી હોય તો, સાસુ નાળિયેર ફોડવા આવે.  ઘર-ઘર સાસુ-વહુના સંબંધો સુંવાળા થઇ જાય તે અલગ..! ગંગાસતી ને પાનબાઈના દાખલા ક્યાં આપણાથી અજાણ છે..? પણ સમયના વરતારા એવાં આવ્યાં કેમ અસ્સલ વહુને ચિંતા રહેતી કે, મારા લમણે કેવી સાસુ હશે…? અત્યારે તો સાસુને ચિંતા થાય કે, મારા નસીબમાં કેવી વહુ લખાયેલી હશે….? એક સાસુએ એની વહુને એટલું જ કહ્યું, ‘ હવે તો ઊઠ હિરોઈન…!  સૂરજ ઊગી ગયો, ને આસમાને ચઢી ગયો. ક્યાં સુધી પથારીમાં ઘોરવાની..?  વહુએ તરત કહ્યું કે, ‘ મમ્મી બરાડા નહિ પાડો..!  સૂરજ ભલે આસમાને ગયો. પણ મારા કરતાં એ વહેલો ડૂબી પણ જાય છે..! અમારે તો રાતે અગિયાર વાગ્યા સુધી ઘરમાં કુટાવાનું હોય…!’ એના કપાળમાં કાંદા ફોડું..!એક વાર એક માતાજી ડોકટર પાસે ઘૂંટણનું દરદ લઈને ગયાં. ડોકટર કહે ‘ બહેન, ….ઉંમર થાય એટલે ઘૂંટણ તો દુખવાના..! ‘ માજી કહે, ‘ ભાઈ ઉંમર તો બંને પગની સરખી જ થઇ ને? છતાં જમણા પગનું ઘૂંટણ જલસા કરે છે, ને આ ડાબું ઘૂંટણ જ ચીસ પડાવે છે, એવું કેમ? ‘આ સાંભળી, ડોકટર હજી બેભાન છે!

            – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Related Posts