SURAT

કિશોર માલદારની કાર્પ ડાયમંડ કંપનીએ 54 રત્નકલાકારોને છૂટા કરી દીધા

સુરત: છેલ્લાં કેટલાંય સમયથી હીરા ઉદ્યોગ વૈશ્વિક સ્તરે મંદીનો સામનો કરી રહ્યો છે. કુદરતી અને કૃત્રિમ બંને પ્રકારના હીરામાં માંગ ઘટી છે. યુરોપીયન દેશોમાં પોલિશ્ડ ડાયમંડની માંગ તળિયે બેઠી છે. બીજી તરફ યુરોપીયન દેશો રશિયન ડાયમંડ પર પ્રતિબંધ મુકવા માટે આગળ વધી રહ્યાં છે ત્યારે સુરતના હીરા ઉત્પાદકોની સ્થિતિ વિકટ બની છે. ડિમાન્ડ નહીં હોવાના લીધે સ્ટોકનો ભરાવો થયો છે તેને પરિણામ હીરા ઉદ્યોગકારો ઉત્પાદન કાપ, છટણી, વેકેશન જેવા ઉપાયો કરી પડતર ખર્ચ ઘટાડી રહ્યાં છે.

અત્યાર સુધી નાના હીરાના કારખાનેદારો વેકેશન, છટણી કરતા હોવાનું સંભળાતું હતું પરંતુ આર્થિક મંદીની અસર તળે સુરતના મોટા ડાયમંડ પ્લેયર્સ પણ ફસાયા હોવાનો કિસ્સો બહાર આવ્યો છે. સુરતની મોટી ડાયમંડ કંપની કાર્પ ઈમ્પેક્સ દ્વારા એક સાથે 50થી વધુ રત્નકલાકારોને છૂટા કરી દેવાયા હોવાનો મામલો સામે આવ્યો છે.

કતારગામ-લાલદરવાજા નટરાજ સિનેમા વિસ્તારમાં આવેલી કિશોર માલદારની માલિકીની કાર્પ ડાયમંડ કંપની દ્વારા 54 રત્નકલાકારોને હીરા ઉદ્યોગની વર્તમાન મંદીમાં તૈયાર હીરા અને જવેલરીની ઓછી ડિમાન્ડનું કારણ આપી છુટા કરવામાં આવતા વિવાદ સર્જાયો છે.

રત્નકલાકારોને કાર્પમાં બેસાડી રાખવામાં આવતા ડાયમંડ વર્કર યુનિયનને ફરિયાદ કરાઈ, સમાધાનની હિલચાલ

ગુજરાત ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખ ભાવેશ ટાંકે જણાવ્યું હતું કે, કામ ન હોવાનું કારણ આપી કાર્પ ડાયમંડ કંપની દ્વારા આજે 50થી વધુ રત્નકલાકારોને કામે ચઢવા દેવામાં આવ્યા ન હતા. કારીગરો કાર્પની ઓફિસે કલાકો રજુઆત કર્યા પછી ડાયમંડ વર્કર યુનિયનની ઓફિસે રજૂઆત કરવા આવ્યા હતા.

અમે મેનેજમેન્ટનો સંપર્ક કરી કારીગરોને નોટિસ પિરિયડનો પગાર, હક રજાનાં રૂપિયા, બોનસ, ગ્રેજ્યુઈટીના બાકી નાણાં ચૂકવી આપવા જણાવ્યું હતું. કાર્પના મેનેજમેન્ટે આ મુદ્દે માનવતા પૂર્વક વિચારણા કરી ડાયમંડ વર્કર યુનિયનના આગેવાનો અને છુટા કરાયેલા રત્નકલાકારોના પ્રતિનિધિઓ સાથે આવતીકાલે શુક્રવારે બેઠક યોજી સમાધાન સાધવા ખાતરી આપી છે.

રશિયા-યુક્રેન યુદ્ધ,અમેરિકા અને યુરોપિયન દેશોની મંદી અને 2 અમેરિકન બેન્ક ડૂબી જવાની ઘટનાઓથી હીરા ઉદ્યોગમાં નકારાત્મક માહોલ ઉભો થયો છે. તૈયાર હીરાની ડિમાન્ડ નથી ત્યારે નામાંકિત મોટી ડાયમંડ કંપનીના સંચાલકો હાથ ઊંચા કરી રહ્યાં છે. 54 જેટલા રત્નકલાકારોએ ડાયમન્ડ એસો.ને પણ નામોની યાદી રજૂ કરી હતી. આ મામલે કાર્પનાં કિશોરભાઈ માલદારનો ટેલીફોનિક સંપર્ક કરવામાં આવતાં તેઓ પ્રતિક્રિયા માટે ઉપલ્બધ ન હતાં.

છટણી અને લાંબા વેકેશનના લીધે અનેક રત્નકલાકારો બેરોજગાર બન્યા
રશિયા-યુક્રેન યુદ્ધ અને વૈશ્વિક મંદી વચ્ચે ચીન, અમેરિકા, યુરોપ અને મિડલ ઇસ્ટમાં ડાયમંડ અને જ્વેલરીની માંગ ઘટી જતાં ડાયમંડ મેન્યુફેક્ચરિંગના હબ સુરતનો હીરા ઉદ્યોગ મંદીમાં સપડાયો છે. પ્રથમવાર સુરતના હીરા ઉદ્યોગે 7 દિવસના ઉનાળુ વેકેશનને બદલે 15થી 30 દિવસનું વેકેશન રાખ્યું છે.

ઘણા કારીગરો બેરોજગાર બની ગયા છે. કેટલાકે આર્થિક સંકડામણથી ત્રાસી જીવન ટુંકાવ્યું છે. ‘ 2, 5, 10 ઘંટી ચલાવતા 10 % હીરાનાં નાનાં કારખાનાં 5 જૂને વેકેશન પૂરું થયા પછી પણ નહીં ઉઘડે. જો સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતનાં ગામોમાં વસતા કારીગરો સ્કૂલો શરૂ થઈ રહી હોવાથી 1 જૂનથી સુરત પરિવાર સાથે આવવાના શરૂ થશે અને જો તેમને અહીં કામ નહીં મળે તો ગંભીર સ્થિતિ ઊભી થશે. 300 જેટલા કારખાનેદારોએ રત્નકલાકારોને બજારની સ્થિતિ સુધરવાની રાહ જોવા અથવા બીજી ફેક્ટરીમાં અનુકૂળ કામ મળતું હોય તો બેસી જવા પણ જણાવ્યું છે.

ગુજરાત ડાયમંડ વર્કર યુનિયને શ્રમરોજગાર મંત્રીને રત્નદીપ યોજના ફરી શરૂ કરવા રજૂઆત કરી
રત્નકલાકારોની આ સ્થિતિ અંગે ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતના પ્રમુખ રમેશ ઝીલરિયા અને ઉપપ્રમુખ ભાવેશ ટાંક સહિતના અગ્રણીઓનું એક પ્રતિનિધિમંડળ ગાંધીનગરમાં રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતને રજૂઆત કરવા પહોંચ્યું હતું. આ પ્રતિનિધિ મંડળે ગુજરાતના તે સમયના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલી રત્નદીપ યોજના ફરી શરૂ કરવા અને વર્તમાન સ્થિતિનો સરવે કરાવી રત્નકલાકારો માટે રાહત પેકેજ જાહેર કરવા માંગ કરી હતી.


હીરા ઉદ્યોગના રત્નકલાકારોની માંગણીઓ

  • હીરા ઉદ્યોગમાં મજૂર કાયદાનું પાલન થવું જોઈએ
  • આત્મહત્યા કરનાર અને હાલ બેરોજગાર રત્નકલાકારો માટે આર્થિક પેકેજ જાહેર કરવામાં આવે
  • વર્ષ-2008ની મંદીમાં જાહેર કરેલી રત્નદીપ યોજના ફરી શરૂ કરવામાં આવે
  • બેરોજગારી અને આર્થિક સંકટના કારણે આપઘાત કરતા રત્નકલાકારોના પરિવારોને તાત્કાલિક આર્થિક મદદ કરવામાં આવે
  • રત્નકલાકારોના ઘરના ગુજરાન માટે લેબર અને ફેક્ટરી વિભાગ વેકેશનનો પગાર મળે એ માટે મધ્યસ્થી કરે

યુનિયનના ઉપપ્રમુખ ભાવેશ ટાંકે જણાવ્યું હતું કે, અમે સુરત કલેક્ટર અને લેબર વિભાગને રજૂઆત કરી છે કે, કારીગરોની રજાનો પગાર કંપનીઓ અને કારખાનેદારો ચૂકવે. જેથી થોડીક રાહત મળી શકે. મંદીને લીધે ઘણાં વર્ષો પછી સુરતની મોટી ડાયમંડ મેન્યુફેક્ચરર્સ કંપનીઓને પણ ફરજિયાત ઉનાળુ વેકેશન રાખવું પડ્યું છે. આ કંપનીઓ ઉનાળામાં વતને જતા રત્નકલાકારો માટે 7 દિવસ વેકેશન રાખતી હતી. એને બદલે ચાલુ વર્ષે વેકેશન લંબાયું છે. 5 જૂન પછી ઘણા કારખાનાં ઉઘડશે કે કેમ એને લઈ કારીગર વર્ગમાં ચિંતા ફેલાઈ છે. વરાછા માતાવાડી, ઘનશ્યામનગર, કતારગામના નંદુ ડોશીની વાડી, જેરામ મોરારની વાડી, પંડોળમાં કેટલાંક ખાતાં બંધ થયાં છે.

શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતે સુરતની હીરા ઉદ્યોગની સ્થિતિ અંગે લેબર કમિશનર પાસે રિપોર્ટ માંગ્યો
મે મહિનાના છેલ્લા સપ્તાહમાં જ ગુજરાત ડાયમંડ વર્કર યુનિયને રત્નકલાકારોના હિત માટે સરકારમાં રજૂઆત કરી હતી. ડાયમંડ વર્કર યુનિયને એવો ભય વ્યક્ત કર્યો હતો કે સુરતના 10 % નાના અને માધ્યમ હરોળનાં હીરાનાં કારખાનાં 5 જૂને વેકેશન પૂરું થયા પછી પણ નહીં ઉઘડે, 300 કારખાનાં બંધ થઈ ગયાં છે. કેટલીક હીરાની કંપનીઓએ માર્કેટ સુધરે નહીં ત્યાં સુધી કારખાનાં બંધ રાખવાની કારીગરોને જાણ કરી છે. જો સરકાર નહીં જાગે તો 2008 જેવી સ્થિતિ નિર્માણ પામશે એવી ચેતવણી ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતના પ્રતિનિધિમંડળે ગાંધીનગરમાં શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતને આપતાં તેમણે સુરતના ડેપ્યુટી લેબર કમિશનર અને જોઇન્ટ ડાયરેક્ટર ફેક્ટરી (સેફ્ટી એન્ડ સિક્યોરિટી)ને જાતે ફોન કરી તાત્કાલિક રિપોર્ટ મોકલવા અને પગલાં લેવા જણાવ્યું હતું.

આ ઉપરાંત બળવંતસિંહ રાજપૂતે બંધ થયેલી કારીગરોના કલ્યાણ માટેની ‘રત્નદીપ’ યોજના સુધારા વધારા સાથે ફરી શરૂ કરવા ખાતરી આપી હતી. પ્રતિનિધિમંડળમાં ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતના પ્રમુખ રમેશભાઈ જીલરિયા, ઉપપ્રમુખ ભાવેશ ટાંક અને મંત્રી હરિ મારાજ, દીપકભાઈ વોરા, પ્રવીણભાઈ ભેંસાણીયા, પરેશભાઈ ગઢિયા, પ્રદીપભાઈ વિરાણી તથા હિતેશભાઈ કોશિયાએ રજૂઆત કરી હતી.

શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતે સુરતના અધિકારીઓને ફોન કરી આદેશ આપ્યો હતો કે, કારીગરોને રજાનો પગાર મળવો જોઈએ. શ્રમ કાયદાઓનું પાલન નિયમ મુજબ કરવાનું છે. કોઈ બિનજરૂરી પગાર કાપે તો કાર્યવાહી કરવાની રહેશે.

Most Popular

To Top