પ્રાઇમ મિનિસ્ટર ઓફિસ (પીએમઓ)ના અધિકારી હોવાનું કહીને જમ્મુ કાશ્મીરમાં ઝેડ પ્લસ સિક્યુરિટી તેમજ બુલેટ પ્રુફ કાર મેળવીને વીવીઆઈપી સુવિધા મેળવી હોટલમાં રોકાયેલા મહાઠગ કિરણ પટેલની જમ્મુ કાશ્મીર પોલીસે ધરપકડ કરી છે. પોલીસે તેના 15 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. કિરણ પટેલ મૂળ અમદાવાદના મણીનગર ઘોડાસરનો રહેવાસી છે. તે ઘોડાસરના પ્રેસ્ટિજ બંગલો ખાતે રહેતો હતો. તે પોતે એન્જિનિયર છે અને તેની પત્ની વ્યવસાયે ડોક્ટર છે. પોતાની વાક છટાથી ભલભલાને શીશામાં ઉતારી લેનાર કિરણ પટેલ હાઇફાઇ લાઈફ સ્ટાઈલ જીવવાનો શોખ ધરાવતો છે. તે ફાંકડુ ઇંગ્લિશ બોલે છે, એટલે પહેલી જ મુલાકાતમાં કોઈને પણ આંજી દે તેવી સ્ટાઇલ છે.
તેની સાથે વાત કરનાર સામેવાળો વ્યક્તિ તેનાથી પ્રભાવિત થઈ જાય છે. તેણે પોતાના સોશિયલ મીડિયાના પ્રોફાઇલમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સાથેના ફોટા, આઈઆઈએમમાં લેક્ચર આપતો હોય તેવા ફોટા રાખતો હતો. તેણે રોફ જમાવવા માટે પીએમઓનું નકલી કાર્ડ પણ બનાવ્યું હતું, જેમાં પોતે પીએમઓ દિલ્હીના એડિશનલ ડાયરેક્ટર હોવાનું જણાવ્યું હતું. કિરણ પટેલ ભાજપ અને સંઘ સાથે જોડાયેલો તથા પીએમઓમાં હોવાનું લોકોને કહેતો હતો. આમ કહી લોકોને પોતાની વાતોમાં ભોળવી દેતો હતો. તેના ભાજપના અનેક પૂર્વ મંત્રીઓ તથા નેતાઓ સાથે ખૂબ નજીકના સંબંધો હતા. કેટલાય આઈએસ અને સિનિયર અધિકારીઓને મનપસંદ જગ્યાએ પોસ્ટિંગ અપાવ્યું હોવાનું પણ જાણવા મળ્યું છે.
આ ઉપરાંત કિરણ પટેલે મોદી ફાઈલ નામનો વોટ્સઅપ ગ્રુપ બનાવ્યું હતું. આ ગ્રુપમાં ગુજરાતના સિનિયર અધિકારીઓ, રાજકારણીઓ તેમજ પત્રકારો પણ સામેલ હતા. આ કિરણ પટેલ ઓક્ટોબર 2022 થી કાશ્મીરમાં રહેતો હોવાનું અને સરકારી ખર્ચે તાગડધિન્ના કરતો હતો. આ સમગ્ર ઘટના અંગે કિરણ પટેલની ડોક્ટર પત્ની માલિની પટેલે બચાવ કરતા કહ્યું હતું કે કિરણ તો અત્યારે શ્રીનગરમાં છે. તેને ફસાવવામાં આવ્યો છે. અમે ક્યારેય ક્યાંય કશું ખોટું કર્યું નથી. કિરણને પીએમઓમાં બધા સારી રીતે ઓળખે છે. કોઈ તમારી પાછળ પડી ગયું છે અને ખોટી રીતે ફસાવી રહ્યું છે. કિરણ પટેલે તો ઠગ છે. તેનું કામ જ ઠગાઇ કરવાનું છે. તેણે જે કર્યું તે તેનો સ્વભાવ છે પરંતુ આપણે તેની નહીં આપણી વાત કરવાની છે. વાત છે આપણા દેશની સુરક્ષાની.
હાલમાં દેશની સ્થિતિ એવી છે કે, જો કોઇ પત્રકાર કે બિઝનેશમેને પણ વીઆઇપી રાજકારણી પાસે પહોંચવું હોય તો અનેક કોઠા પાર પાડવા પડે છે. સુરક્ષા કર્મચારી તેની ડ્યૂટી કરે તેમાં કંઇ ખોટું પણ નથી પરંતુ જમ્મુ અને કાશ્મીર જેવા સંવેદનશીલ રાજ્યમાં આવો ઠગ ઉચ્ચ અધિકારીઓને ઊંઠા ભણાવવામાં સફળ રહે તે આપણા દેશની સુરક્ષા વ્યવસ્થા ઉપર પ્રશ્નાર્થ છે. કોઇપણ જાતની તપાસ વગર તે કેવી રીતે ઝેડ સિક્યુરિટીમાં ફરતો થઇ ગયો. આવું તો કોઇ સંજોગોમાં થવું ન જોઇએ. કિરણ પટેલ તો એક ઠગ છે પરંતુ આવી ઠગાઇ કોઇ આતંકવાદી સંગઠન પણ કરી શકે છે. આમ પણ આપણા દેશના દિગ્ગજ નેતાઓ તેમના રડારમાં હોય છે. જો ઠગની જગ્યાએ કોઇ આતંકવાદી હોય તો શુ કરવાનું. હવે કિરણ પટેલે ભલે ઠગાઇ કરી પરંતુ તેણે જે રીતે દેશની સુરક્ષા વ્યવસ્થાની છીંડા ઉજાગર કર્યા છે તેના ઉપરથી દેશે બોધપાઠ તો લેવો જ પડશે. આ કિસ્સામાંથી બોધ લઇને હવે સુરક્ષા અધિકારીઓએ આગળ વધવું પડશે.