ભરતનાટ્યમના નૃત્યાંગના (Dancer) માનસિયા વી પીએ આરોપ મૂક્યો છે કે, કેરળના (Kerala) ત્રિશૂર જિલ્લાના ઇરિંજલકુડા ખાતેના રાજ્ય સરકાર દ્વારા નિયંત્રિત દેવસ્વોમ બોર્ડ હેઠળ સંચાલિત કુડલમણિક્યમ મંદિરના (Temple) પરિસરમાં તેણી બિન-હિંદુ હોવાના કારણે તેણીને તેના નિર્ધારિત નૃત્ય કાર્યક્રમથી પ્રતિબંધિત કરી છે. ભરતનાટ્યમમાં પીએચડી રિસર્ચ સ્કોલર માનસિયા મુસ્લિમ તરીકે જન્મેલી અને ઉછરેલી હોવા છતાં શાસ્ત્રીય નૃત્યની કલાકાર બનવાથી ઇસ્લામિક ધર્મગુરુઓના ગુસ્સા અને બહિષ્કારનો (Boycott) સામનો કરવો પડ્યો હતો.
પોતાની ફેસબુક પોસ્ટમાં માનસિયાએ જણાવ્યું હતું કે, તેનો નૃત્ય કાર્યક્રમ 21 એપ્રિલે થ્રિસુર જિલ્લાના કુડલમણિક્યમ મંદિર પરિસરમાં યોજાવાનો હતો. જોકે, મંદિરના એક પદાધિકારીએ મને જાણ કરી હતી કે હું બિન-હિન્દુ હોવાથી હું મંદિરમાં પરફોર્મ કરી શકતી નથી. તમે સારા નૃત્યાંગના છો કે નહીં તે ધ્યાનમાં લીધા વિના તમામ તબક્કાઓ ધર્મના આધારે ફાળવવામાં આવે છે. આ દરમિયાન, મને એવા પ્રશ્નોનો પણ સામનો કરવો પડી રહ્યો છે કે શું હું લગ્ન પછી હિન્દુ બની ગઈ હતી. (તેણે સંગીતકાર શ્યામ કલ્યાણ સાથે લગ્ન કર્યાં હતાં). મારો કોઈ ધર્મ નથી અને મારે ક્યાં જવું જોઈએ?” તેણીએ સવાલ કર્યો હતો.
જ્યારે કુડલમણિક્યમ દેવસ્વોમ (મંદિર) બોર્ડના અધ્યક્ષ પ્રદીપ મેનનએ જણાવ્યું હતું કે, ”મંદિરની હાલની પરંપરા મુજબ, ફક્ત હિન્દુઓ જ મંદિરના પરિસરમાં પ્રદર્શન કરી શકે છે. “આ મંદિર સંકુલ 12 એકર જમીનમાં ફેલાયેલું છે. મંદિરના પટાંગણમાં 10 દિવસનો ઉત્સવ યોજાશે. ફેસ્ટિવલ દરમિયાન 800 જેટલા કલાકારો વિવિધ કાર્યક્રમોમાં પરફોર્મ કરશે. અમારા ધારાધોરણો મુજબ, અમારે કલાકારોને પૂછવું પડે છે કે તેઓ હિન્દુ છે કે બિન-હિંદુ. માનસિયાએ લેખિતમાં જણાવ્યું હતું કે તેમનો કોઈ ધર્મ નથી. આથી, તેણીને આ કાર્યક્રમમાંથી નકારવામાં આવી હતી. અમે મંદિરમાં પ્રવર્તમાન પરંપરા મુજબ કર્યું છે.”