નડિયાદ: ખેડા જિલ્લાની કપડવંજ વિધાનસભા છેલ્લી 3 ટર્મથી કોંગ્રેસમય બનેલી છે. છેલ્લે વર્ષ 2002માં આ બેઠક પર ભારતીય જનતા પાર્ટીમાંથી બિમલ શાહ ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ત્યારબાદ વર્ષ 2007, 2012 અને 2017માં અહીં આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારો જીતતા આવ્યા છે. તેમાંય વર્ષ 2017ની ચૂંટણીના પરીણામની વાત કરીએ તો ખેડા જિલ્લાની આ એ બેઠક હતી, જ્યાં ધારાસભ્ય સૌથી વધુ મતે વિજેતા બન્યા હતા. એટલે કે 6 વિધાનસભાના પરીણામોમાં કપડવંજ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર કાળાભાઈ ડાભી સૌથી વધુ 27,226ની લીડથી જીતનારા ધારાસભ્ય હતા.
કપડવંજ વિધાનસભા બેઠકનો ઈતિહાસ જોતા ગુજરાત રાજ્યની અલગ રચના બાદ થયેલી 1992ની પહેલી ચૂંટણીથી માંડી વર્ષ 1990 સુધીની 7 વિધાનસભા ચૂંટણી પૈકી 6 ચૂંટણીમાં આ બેઠક પર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો વિજય થયો હતો. 1962માં આ બેઠક પર ઉત્સવ પરીખે ધનવંતલાલ શોફને હરાવ્યા હતા, તો વર્ષ 1967માં ઉત્સવ પરીખની કે. એન. દોશી સામે હાર થઈ હતી. ત્યારબાદ 1972થી 1985 સુધીની ચૂંટણીમાં કોંગ્રેસના બુધાજી ચૌહાણ 4 ટર્મ સુધી ધારાસભ્ય રહ્યા હતા. 1990ની ચૂંટણીમાં કોંગ્રેસના રતનસિંહ રાઠોડે ભાજપના મણીભાઈ પટેલને હરાવ્યા હતા. તો 1995ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના મણીભાઈ પટેલનો પ્રથમવાર કોંગ્રેસના બુધાજી ચૌહાણ સામે વિજય થયો હતો. 1998 અને 2002માં ભાજપના બિમલ શાહ ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.
તેમાંય કેસુભાઈ પટેલની સરકારમાં કપડવંજ વિધાનસભાએ કેબિનેટ મંત્રી આપ્યા હતા. વર્ષ 2007ની ચૂંટણીમાં કોંગ્રેસના મણીભાઈ પટેલનો ભાજપના બિમલ શાહ સામે વિજય થયો હતો. ત્યારબાદ 2012ની ચૂંટણીમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલા ભાજપના કનુભાઈ ડાભી સામે કપડવંજ વિધાનસભા લડ્યા હતા અને તેમાં શંકરસિંહનો પરચમ લહેરાયો હતો. જો કે, કપડવંજ વિધાનસભાના ઈતિહાસમાં વર્ષ 2017ની ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ થયો હતો. કોંગ્રેસે કાળાભાઈ ડાભીને મેદાને ઉતાર્યા હતા, તે સમયે ભાજપે કનુભાઈ ડાભીને રીપીટ કર્યા હતા. જો કે, ભાજપથી નારાજ ચાલતા બિમલ શાહે તે સમયે કપડવંજ વિધાનસભામાં અપક્ષ દાવેદારી કરી હતી. જેના કારણે ભાજપની જીતનું ગણિત આ બેઠક પર બગડ્યુ હતુ અને કાળાભાઈ ડાભી 27,227ની જંગી લીડથી વિજેતા બન્યા હતા. આ ચૂંટણીમાં ભાજપના કનુભાઈ ડાભીને 57 હજાર તો બિમલ શાહને 45 હજાર જેટલા મત મળ્યા હતા.
આટલુ ઠીક પરંતુ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં એક સમયે મંત્રી રહેલા કપડવંજના પૂર્વ ધારાસભ્ય બિમલ શાહ 2019માં કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા. કપડવંજમાં મોટુ જનસમર્થન ધરાવતા બિમલ શાહના કોંગ્રેસમાં જોડાવાથી ત્યાં કોંગ્રેસ વધુ મજબૂત થઈ છે. જો કે, ભારતીય જનતા પાર્ટીએ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેશ ઝાલાને ચૂંટણીના થોડા મહિલા પહેલા પક્ષ પલ્ટો કરાવી લાવ્યા હતા અને યુવા ચહેરા તરીકે તેમને આગળ કર્યા છે. કોંગ્રેસી ચહેરો હોવા છતાં રાજેશ ઝાલા સામે અનેક પડકારો છે. ત્રણ ટર્મથી કોંગ્રેસમય બનેલી આ બેઠક પર મતદારો શું નિર્ણય લાવે છે, તે 8 ડિસેમ્બરે ચૂંટણી પરીણામમાં જોવા મળશે.
એક સમયના સાથીઓ વચ્ચે હવે જંગ જામશે
કપડવંજ વિધાનસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ પોતાની પ્રથમ યાદીમાં જ રાજેશ ઝાલાના નામ પર મહોર મારી દીધી હતી. કઠલાલ મૂળના અને પૂર્વ ધારાસભ્ય મગનભાઈ ઝાલાના પુત્ર રાજેશ ઝાલા હાલ કપડવંજની આંત્રોલી બેઠક પરથી જિલ્લા પંચાયતના સભ્ય છે. તેઓ કોંગ્રેસમાં હતા, તે સમયે જિલ્લા પ્રમુખ તરીકે તેમની પાસે જવાબદારી હતી અને અમિત ચાવડાથી માંડી ભરતસિંહ સોલંકી સુધીના ટોચના નેતૃત્વ સાથે તેમનો ઘેરાબો હતો. તો વળી, કપડવંજના ધારાસભ્ય કાળાભાઈ ડાભી સાથે પણ જે-તે સમયે સારા સબંધો હતા. પરંતુ આ બેઠક તેમના માટે ખાલી થાય તેવી શક્યતાઓ ન જણાતા તેમણે અંતે ભારતીય જનતા પાર્ટી તરફ ઝુકાવ્યુ હતુ. કોંગ્રેસે આ બેઠક પર ફરી એકવાર કાળાભાઈ ડાભીને મેદાને ઉતાર્યા છે, ત્યારે કોંગ્રેસમાં એક સમયે સાથે રહેનારા બંને ધુરંધરો વચ્ચે હવે સીધી જંગ જામશે.
કપડવંજ વિધાનસભામાં મતદારોની સંખ્યા
વર્ષ 2017મા કપડવંજ વિધાનસભામાં સ્ત્રી, પુરુષ અને અન્ય મળી કુલ 2,72,603 મતદારો હતા. જે વધીને વર્ષ 2022માં 2,99,319 થયા છે. આમ કુલ 26716 મતદારોનો વધારો થયો છે. આ બેઠક પર 18થી 9 વર્ષના 8127 મતદારો જ્યારે 20થી 29 વર્ષના 70 હજાર મતદારો છે. આ મતદારો કોની તરફ ઝુકાવ રાખે છે, તેની પર પણ હાર-જીત નક્કી થાય તેવી વકી છે.
વર્ષ 2017ની ચૂંટણીમાં 43 ટકા મત કોંગ્રેસને મળ્યા હતા
વર્ષ 2017માં યોજાયેલી વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં કપડવંજ વિધાનસભા બેઠક પર થયેલા કુલ મતદાનમાંથી 43 ટકા મત માત્ર કોંગ્રેસ ઉમેદવાર કાળાભાઈ ડાભીને મળ્યા હતા. જ્યારે ભાજપ ઉમેદવાર કનુભાઈ ડાભીને માત્ર 29 ટકા મત મળ્યા હતા. તો અપક્ષ ઉમેદવાર બિમલ શાહને 24 ટકા મત મળ્યા હતા.
ભારતીય જનતા પાર્ટીએ રાજેશ ઝાલાને આગળ કરી નવો દાવ રમ્યો
3 વર્ષથી સતત કપડવંજ બેઠક પર હાર થતા ભારતીય જનતા પાર્ટીએ આ વખતે રાજેશ ઝાલાને મેદાને ઉતારી નવો દાવ રમ્યો છે. કનુભાઈ ડાભી અગાઉ આ બેઠક પર હાર્યા હતા. ત્યારે કોંગ્રેસમાં જિલ્લા પ્રમુખ રહી ચુકેલા ઝાલાના કોંગ્રેસ સમર્થકો વધુ હોવાથી તેનો ફાયદો પક્ષને મળે અને નિર્વિવાદીત ચહેરો હોવાના કારણે ભાજપમાં પણ કોઈ વિરોધ ન થાય તે માટે રાજેશ ઝાલાને આગળ કરાયા હોવાનું રાજકીય પંડીતો જણાવી રહ્યા છે.
કોંગ્રેસના કાળાભાઈ પાસે બેંકમાં રૂ.1.21 કરોડ અને પત્નીના નામે રૂ.31.77 લાખ છે
કપડવંજ વિધાનસભાના મુખ્ય પક્ષોના ઉમેદવાર પૈકી કોંગ્રેસના કાળાભાઈ ડાભી પાસે બેંકમાં કુલ 1.21 કરોડ રૂપિયા જ્યારે તેમની પત્ની પાસે 31.77 લાખ રૂપિયા વિવિધ બેંકમાં છે. ઉપરાંત તેમની પાસે 36.45 લાખની અલગ-અલગ જમીનો છે. આ તરફ ભાજપના ઉમેદવાર રાજેશ ઝાલા પાસે 22.14 લાખ વિવિધ બેંકમાં જ્યારે તેમના પત્નીના ખાતામાં 17.10 લાખ રૂપિયા છે, ઉપરાંત તેમીન પાસે 66.49 લાખની જુદી-જુદી જમીનો આવેલી છે.
કપડવંજ વિધાનસભાના મુખ્ય પ્રશ્નો
કપડવંજ વિધાનસભામાં સમાવિષ્ટ થતા વિસ્તારો પૈકી ગ્રામ્ય વિસ્તારોમાં સિંચાઈનો પાણી સૌથી મોટો પ્રશ્ન છે. ખેડૂતોને સિઝનમાં પાણી ન મળતા ખેતીમાં ભારે હાલાકી ભોગવવી પડતી હોય છે. તો વળી, મુખ્ય ધોરી માર્ગોથી ગામડાઓમાં જવા માટે આજે પણ ડામર રોડ નથી. તો ગ્રામ્ય વિસ્તારો સુધી સરકારની યોજનાઓ કેટલાંક અંશે ન પહોંચી હોવાનું પણ લોકો જણાવી રહ્યા છે. કપડવંજ શહેરમાં પણ વિકાસ ક્યાંક રૂંધાયેલો હોય તેમ મતદારોનું માનવુ છે. આ ઉપરાંત અહીંથી નર્મદા નહેર પસાર થતી હાેવા છતાં તેનાે લાભ ખેડૂતાેને મળતાે ન હાેવાનાે ગણગણાટ છે.