ચંદીગઢ: ચંદીગઢ એરપોર્ટ પર ભાજપ સાંસદ અને અભિનેત્રી કંગના રનૌત સાથે ગેરવર્તનનો મામલો સામે આવ્યો છે. ચંદીગઢ એરપોર્ટ પર કંગનાને સીઆઈએસએફની મહિલા જવાને થપ્પડ મારી હોવાનો સનસનીખેજ બનાવ બન્યો છે. આ મામલે અભિનેત્રીની ફરિયાદ બાદ આરોપી જવાનને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.
સાંસદ કંગના રનૌતે આપેલી ફરિયાદમાં કહ્યું છે કે દિલ્હી જવા માટે ફલાઈટ પકડવા તે ચંડીગઢ એરપોર્ટ પર ગઈ હતી. તે સિક્યોરિટી ચેક-ઈન પછી બોર્ડિંગ માટે જઈ રહી હતી ત્યારે LCT કુલવિંદર કૌર (CISF યુનિટ ચંદીગઢ એરપોર્ટ)એ તેને થપ્પડ મારી હતી. આ ઘટના બાદ કંગના રનૌત સાથે મુસાફરી કરી રહેલા મયંક મધુર નામના વ્યક્તિએ કુલવિંદર કૌરને થપ્પડ મારવાનો પ્રયાસ કર્યો હતો. આરોપી CISF જવાનોને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.
કંગના રનૌત દિલ્હી પહોંચી ગઈ છે અને વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં તેણે સીઆઈએસએફના ડાયરેક્ટર જનરલ નીના સિંહને ઘટનાની જાણકારી આપી છે. કંગનાનો દાવો છે કે કોન્સ્ટેબલ કુલવિંદર કૌરે ચંદીગઢ એરપોર્ટ પર કર્ટન એરિયામાં તેની સાથે દલીલ કરી અને થપ્પડ મારી હતી. કોન્સ્ટેબલ કુલવિંદરને સીઓ રૂમમાં અટકાયતમાં લેવામાં આવ્યો છે અને પૂછપરછ ચાલી રહી છે. ચંદીગઢ એરપોર્ટ પર સીઆઈએસએફ દ્વારા સીસીટીવીની તપાસ કરવામાં આવી રહી છે.
કેમ મારી થપ્પડ?
આ ઘટના આજે ગુરુવારે તા. 6 જૂનની બપોરે 3.30 કલાકે બની હતી. કંગના રનૌત એરપોર્ટ સિક્યોરિટી ચેકમાંથી નીકળી રહી હતી ત્યારે મહિલા સૈનિકે તેને લાફો મારી દીધો હતો. કંગનાએ આ અંગે ફરિયાદ પણ નોંધાવી છે. ખેડૂતોના આંદોલન દરમિયાન કંગનાએ આપેલા નિવેદનથી CISF મહિલા જવાન દુઃખી થઇ હતી. તેની અદાવત રાખી આજે મહિલા સૈનિકે તકનો લાભ લઈ કંગનાને થપ્પડ મારી હતી. અત્યારે એરપોર્ટ પર હાજર સિક્યોરિટીએ કુલવિંદરને કમાન્ડેટ રૂમમાં બેસાડી રાખી છે. કંગના દિલ્હી જવા રવાના થઈ ગઈ છે.