રોમીલ ચૌધરી પોતાને નસીબદાર ગણી શકે છે. પાંચ વર્ષ પહેલાં તે બીગ બોસ-12નો ફાઇનાલિસ્ટ હતો અને હવે તે ‘અજય વર્ધન’ નામની ફિલ્મના હીરો તરીકે આવી રહ્યો છે. અલબત્ત આ પહેલા તે લોકપ્રિય ટીવી સિરીયલ ‘કહો હમ કહાં તુમ’માં દિપિકા કક્કરના ભૂતપૂર્વ બોયફ્રેન્ડ તરીકે આવી ચૂકયો છે. ત્યાર પછી તો ‘કહાની રબરબેન્ડ’ ફિલ્મમાં તેણે નાની ભૂમિકા ભજવેલી. ધંધાથી હાઇકોર્ટમાં વકીલાત કરે છે. રોમીલ હરિયાણાના કનોલનો છે. નિર્મલ સીંઘ તેનો ખાસમખાસ મિત્ર છે અને તે પોલીસમેન છે. પોલીસ અને વકીલની જોડી બને તો બધાની નજર તેના પર પડે. હવે ‘અજય વર્ધન’માં તે હીરો બની ચૂકયો છે જેમાં તેની સાથે પ્રિયા શર્મા છે. હમણાં તેની ‘તેરે બીના જિયા જાને ના’ નામની સિરીઝ આવી ચૂકી છે.
‘બિગ બોસ’ શોએ તેને ફિલ્મના હીરો બનવા સુધી પહોંચાડી દીધો છે. રોમીલ કહે છે કે મારી અત્યાર સુધીની સફર બહુ જ સારી રહી છે. 2020નું વર્ષ કસોટી કરે એવું હતું પણ હવે ફિલ્મો સુધી પહોંચી ગયો છું. અમારી ફિલ્મ સ્ટાર્સથી ભરેલી નથી પણ તેનો વિષય ઇન્ટ્રેસ્ટિંગ છે. રોમીલ કહે છે કે ફિલ્મમાં મારું લુક પણ બહુ બદલાયેલું છે. તે હવે નિયમિત રીતે જિમમાં જાય છે. ફિલ્મોમાં હવેસૌષ્ઠવવાળા શરીરની જરૂર હોય છે. આજના પ્રેક્ષકો સારા અને સજ્જ શરીરનું પણ મહત્વ જુએ છે. મારે દાઢી હતી તે પણ કાઢી નાંખી છે. કારણ કે મને રોમેન્ટિક પાત્રો વધારે મળી રહ્યા છે. પહેલા હું જરા જાડીયો હતો હવે એકદમ ફીટ દેખાવા પર મારું ધ્યાન છે. હાઇકોર્ટના વકીલ તરીકે અમુક જ કપડા પહેરી શકાતા હતા હવે ડાર્ક બ્લ્યુ જેકેટ અને ડેનિમમાં શોભે છે. ફંકી હેર સ્ટાઇલ પણ અપનાવી લીધી છે. રોમીલ ચૌધરી પારુલ ચૌધરીને પરણી ચૂકયો છે અને પિતા પણ બની ચૂકયો છે.
‘અજય વર્ધન’ એક એવા ડેન્ટલ સર્જનની કહાણી છે જે પોતાના લક્ષ્યને હાંસલ કરવા ઘણા સંઘર્ષ કરે છે. આ ફિલ્મનું દિગ્દર્શન પ્રગતિ અગ્રવાલે કર્યું છે ને ફિલ્મમાં પીહુ શર્માનું પાત્ર છે જેનું નામ પણ પ્રગતિ અગ્રવાલ જ અપાયું છે. દિગ્દર્શક પ્રગતિ અગ્રવાલ અજય આર્યનની ખરેખરી પત્ની છે. ‘અજય વર્ધન’નું શૂટિંગ જમ્મુ કાશ્મીરમાં થયું છે. જેમ તેના માટે દિગ્દર્શન એક શરૂઆત છે તેમ રોમીલ માટે પણ હીરો તરીકે નવી શરૂઆત જ છે. ‘રોમીલ કહે છે કે પ્રગતિ અગ્રવાલે પૂરા એક વર્ષ સુધી પટકથા પર કામ કર્યું છે એટલે પૂરા આત્મવિશ્વાસ સાથે તેણે ફિલ્મ બનાવી છે. તે કહે છે કે ઘણીવાર બધા નવા હોય તો એક પ્રકારની ફ્રેશનેસ જોવા મળતી હોય છે.•