આજકાલ જેના અંગે ભારે વિવાદ ઉભો થયો છે તે અરવલ્લી પર્વતમાળા એ વિશ્વની સૌથી પ્રાચીન પર્વતમાળાઓમાંની એક છે. ગુજરાતના ઉત્તર ભાગથી લઇને દિલ્હી સુધી ચાર રાજ્યોના ૩૭ જિલ્લાઓમાં આ પર્વતમાળા ફેલાયેલી છે. પર્યાવરણીય રીતે આ પર્વતમાળા ખૂબ અગત્યની છે અને રણને ફેલાતું અટકાવવામાં તેની મહત્વની ભૂમિકા છે. હાલની કેન્દ્ર સરકારે આ પર્વતમાળાની વ્યાખ્યા બદલવાનુ઼ં નક્કી કર્યું અને તેમાંથી મોટો વિવાદ ઉભો થયો છે. અરવલ્લીનો વિસ્તાર કોને કહી શકાય તે માટે એક નવી વ્યાખ્યા કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયે ઘડી કાઢી અને આ વ્યાખ્યા માટે સુપ્રીમ કોર્ટમાંથી મંજૂરી પણ મેળવી લીધી તેનાથી ભારે વિવાદ ઉભો થયો.
કેન્દ્ર સરકાર કહે છે કે એકસૂત્રતા લાવવા અને નિયમનકારી સ્પષ્ટતાઓ માટે નવી વ્યાખ્યા જરૂરી હતી પરંતુ પર્યાવરણવાદીઓ, નિષ્ણાતો, જાણકારો અને જનજીવનના જાગૃત પ્રહરીઓએ સ્વાભાવિકપણે જ ભય વ્યક્ત કર્યો કે આ વ્યાખ્યા બદલવાથી આ પર્વતમાળાનો ઘણો ભાગ કાનૂની રીતે રક્ષિત પર્વતમાળાની વ્યાખ્યામાંથી નિકળી જશે અને તે વિસ્તારોમાં ખાણકામ, ઇમારતોનું બાંધકામ જેવી પ્રવૃતિઓ શરૂ થઇ જશે અને છેવટે પર્યાવરણીય રીતે તેના ગંભીર પરિણામો આવશે. નવી વ્યાખ્યા મુજબ અરવલ્લીના જે ભાગની ઉંચાઇ ૧૦૦ મીટરથી ઓછી હોય તે ટેકરી કે પર્વત ગણાશે નહીં, વળી બે ટેકરીઓ કે પર્વતમાળા વચ્ચે ૫૦૦ મીટરથી વધુ અંતર હશે તો તે પર્વતમાળા ગણાશે નહીં. આ વ્યાખ્યા મુજબ તો ઘણો ભાગ અરવલ્લીની પર્વતમાળાની ગણતરીમાંથી નિકળી જશે અને તે ભાગમાં કથિત વિકાસ કાર્યોને છૂટ મળી જશે.
આમ થવાથી આ વિસ્તારમાં પણ પ્રદૂષણ શરૂ થઇ જશે, ઇકોલોજીને નુકસાન થશે અને છેવટે ભારે પર્યાવરણીય હાનિ થશે. પર્યાવરણવાદીઓ યોગ્ય રીતે જ કહે છે કે પર્વતમાળાની વ્યાખ્યા કરવા માટે ફક્ત ઉંચાઇ નહીં પરંતુ ઇકોલોજીને પણ ધ્યાનમાં લેવું જોઇએ. નવી વ્યાખ્યા પ્રમાણે તો આ પર્વતમાળા ઘણે ઠેકાણેથી તૂટક તૂટક ગણવામાં આવશે અને વચ્ચે વચ્ચેના ભાગોમાં ઔદ્યોગિક અને ખનન જેવી પ્રવૃતિઓને છૂટ આપી દેવાથી આ પર્વતમાળાને રક્ષિત રાખવાનો ખયાલનો જ એકડો નિકળી જશે. ભારે ઉહાપોહ મચ્યા પછી કેન્દ્ર સરકારે જાહેર કર્યુ કે આ પર્વતમાળામાં ખાણકામની કોઇ લીઝ આપવાની રાજ્યોને મનાઇ કરવામાં આવી છે. પણ સરકારની વાતમાં કોઇને ભરોસો પડતો નથી. માથાભારે ભૂમાફિયાઓ અને ખાણિયાઓ અહીં સક્રિય બને તેવો ભય સ્વાભાવિક જ સેવાય છે.
અરવલ્લી પર્વતમાળાની નવી વ્યાખ્યા અંગે ચાલી રહેલા વિવાદ વચ્ચે છેવટે સુપ્રીમ કોર્ટે સોમવારે પોતાના જ ૨૦મી નવેમ્બરના આદેશો પર હાલ રોક લગાવી છે જે આદેશોમાં આ પર્વતો અને પર્વતમાળા અંગેની એક નવી વ્યાખ્યાને સ્વીકૃતિ આપવામાં આવી હતી. ભારતના વડા ન્યાયમૂર્તિ સૂર્યકાંતના વડપણ હેઠળની વેકેશન બેન્ચે આ જ અદાલતના ૨૦ નવેમ્બરના આદેશનો અમલ હાલ મોકૂફ રાખવાનો આદેશ આપ્યો છે અને એક ઉચ્ચ શક્તિશાળી નિષ્ણાત સમિતિની રચના કરવાનો આદેશ આપ્યો છે.
સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે પ્રાથમિકપણે જણાય છે કે સમિતિનો અહેવાલ અને તેના આધારે આ અદાલતે અગાઉ આપેલ આદેશમાં કેટલાક અતિ મહત્વના મુદ્દાઓની સ્પષ્ટતા કરવાનું ચૂકી જવાયું છે અને કોઇ પણ નિયમનકારી છીંડાઓ અરવલ્લીની પર્યાવરણીય અખંડિતાને અસર કરે તેમ છે કેમ? તે બાબતે તપાસની જરૂર છે. વાત બિલકુલ બરાબર છે. આપણા રાજકારણીઓ, સત્તાધીશો, તેમની સાથે સાંઠગાંઠ ધરાવતા માથાભારે લેન્ડ ડેવલપરો, ખાણિયાઓ વગેરેની મથરાવટી જોતા આવા નાજુક મામલે બધી સ્પષ્ટતાઓ યોગ્ય રીતે થઇ જાય તે ખૂબ જરૂરી છે.
પર્યાવરણનો મુદ્દો એ આજે તો ખૂબ જ ધ્યાનમાં લેવો જરૂરી મુદ્દો બની ગયો છે. આપણા ભારતની જ વાત કરીએ તો ઉત્તરાખંડમાં પર્યટનના વિકાસના નામે ત્યાંના પર્વતીય વિસ્તારોની નાજુક ઇકોલોજી સાથે જે ચેડા કરવામાં આવ્યા તેના કેવા ભયંકર પરિણામો ત્યાં દેખાવા માંડયા છે અને ત્યાં નજીકના ભવિષ્યમાં કોઇ મોટી હોનારત સર્જાય તેવો ભય ઝળુંબવા માંડ્યો છે તે આપણે જોયું છે. આથી જ અરવલ્લી પર્વતમાળા સાથે ચેડા નહીં કરવામાં આવે તે ખૂબ જરૂરી છે. આ બાબતે જે લોકોએ જાગૃતિ બતાવી છે અને સુપ્રીમ કોર્ટને સુઓ મોટુ નોંધ લેવાની પ્રેરણા આપી છે તેઓ ખૂબ પ્રશંસાને પાત્ર છે.