સુપ્રિમ કોર્ટે પ્રશાંતભૂષણને જે સજા કરી તેને સજા કહેવાય?

બહુ ચર્ચાસ્પદ પ્રશાંતભૂષણના અદાલતના તિરસ્કારના કેસમાં સુપ્રિમ કોર્ટ દ્વારા જે ચુકાદો આપવામાં આવ્યો છે તેના કારણે વિવાદ ચાલુ જ રહેવાનો છે. કોન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ એક્ટની કલમ ૧૨ મુજબ જો કોઈ વ્યક્તિએ અદાલતનો તિરસ્કાર કર્યો હોય તો કોર્ટ તેને ૬ મહિના સુધીની જેલની સજા કરી શકે અને/અથવા ૨,૦૦૦ રૂપિયા સુધીનો દંડ કરી શકે. સુપ્રિમ કોર્ટે જો પ્રશાંતભૂષણને જેલની સજા કરી હોત તો દેશભરમાં તેમના માટે સહાનુભૂતિનું મોજું ફેલાઈ ગયું હોત અને તેઓ સરકારના વિરોધીઓના હીરો બની ગયા હોત.

જો સુપ્રિમ કોર્ટે પ્રશાંતભૂષણને કોઈ સજા કર્યા વિના છોડી દીધા હોત તો તેમાં સુપ્રિમ કોર્ટનો પરાજય સાબિત થયો હોત. સુપ્રિમ કોર્ટે વચ્ચેનો રસ્તો કાઢીને પ્રશાંતભૂષણને માત્ર એક રૂપિયાનો દંડ કર્યો છે અને તેમણે તે સ્વીકારી પણ લીધો છે. પ્રશાંતભૂષણના સમર્થકો કહે છે કે સુપ્રિમ કોર્ટે તેમને માત્ર એક જ રૂપિયાનો દંડ કરીને છોડી દીધા છે, માટે તેમનો નૈતિક દૃષ્ટિએ વિજય થયો કહેવાય. પ્રશાંતભૂષણના વિરોધીઓ કહે છે કે તેમણે એક રૂપિયાનો દંડ ભરવાનું સ્વીકારી લીધું તેથી તેમણે પોતાનો ગુનો પણ કબૂલ કર્યો કહેવાય. તેમના કહેવા મુજબ પ્રશાંતભૂષણે દંડ ભરવાને બદલે જેલમાં જવાનું પસંદ કરવું જોઈતું હતું. સુપ્રિમ કોર્ટના ચુકાદા મુજબ જો પ્રશાંતભૂષણ દંડ ન ભરે તો તેમને ત્રણ મહિનાની જેલની સજા થાય તેમ હતું.

સુપ્રિમ કોર્ટે પ્રશાંતભૂષણને તેમના જે સંદેશા માટે સજા કરી તેનો પાઠ આવો હતો:

“When historians in the future look back at the last six years to see how democracy has been destroyed in India even without a formal Emergency, they will particularly mark the role of the SC in this destruction, and more particularly the role of the last four CJIs.”

તેનો ગુજરાતી તરજૂમો કાંઈક આવો થઈ શકે:‘‘ જ્યારે ભવિષ્યના ઇતિહાસકારો છેલ્લાં ૬ વર્ષ તરફ પાછું વળીને જોશે કે ભારતમાં કટોકટી જાહેર કર્યા વિના પણ લોકશાહીનો કેવી રીતે નાશ કરવામાં આવ્યો છે ત્યારે તેઓ તે નાશમાં સુપ્રિમ કોર્ટનો અને ખાસ કરીને ભારતના ચાર ભૂતપૂર્વ વડા ન્યાયમૂર્તિઓની ભૂમિકાની ખાસ નોંધ લેશે.’’ પ્રશાંતભૂષણ દ્વારા કરવામાં આવેલો આક્ષેપ ઘણો ગંભીર હતો. જો તેમનો આક્ષેપ ગલત હોય તો તેમને ઓછામાં ઓછી ૬ મહિનાની જેલની સજા થવી જોઈતી હતી.

જો તેમનો આક્ષેપ સાચો હોય તો ભારતમાં લોકશાહીનો નાશ કરવા બદલ સુપ્રિમ કોર્ટના ચાર ભૂતપૂર્વ વડા ન્યાયમૂર્તિઓ સામે ખટલો ચાલવો જોઈતો હતો. પ્રશાંતભૂષણને આકરી સજા કરવાને બદલે માત્ર એક રૂપિયાનો દંડ કરીને છોડી દેવામાં આવ્યા તેનાથી સાબિત થઈ જાય છે કે તેમના આક્ષેપમાં તથ્ય હતું; જેનો સ્વીકાર કરીને સુપ્રિમ કોર્ટે તેમને હળવામાં હળવી સજા કરી હતી. હકીકતમાં આ ચુકાદામાં પ્રશાંતભૂષણનો નૈતિક વિજય થયો છે.

અદાલતના તિરસ્કારના કેસમાં એક વાત ઊડીને આંખે વળગે તેવી હતી કે આ કેસમાં ફરિયાદી સુપ્રિમ કોર્ટના જજ શ્રી અરુણ મિશ્રા હતા. આ કેસમાં પ્રોસિક્યુટર સુપ્રિમ કોર્ટ હતી અને ન્યાયાધીશ પણ સુપ્રિમ કોર્ટ જ હતી. હકીકતમાં પ્રશાંતભૂષણની જે ફરિયાદ હતી તે સુપ્રિમ કોર્ટ સામે હતી કે તેણે ભારતમાં લોકશાહીનો નાશ કરવાનું કામ કર્યું છે.

આ ફરિયાદની તપાસ કરવાનું કામ જો કોઈ ત્રાહિત સંસ્થાને સોંપવામાં આવ્યું હોત તો કદાચ પ્રજાને સત્ય જાણવા મળત. જો કે ભારતમાં કોઈ એવી સંસ્થા જ નથી કે જ્યાં સુપ્રિમ કોર્ટની વિરુદ્ધની ફરિયાદ સાંભળવામાં આવે. અહીં તો ફરિયાદીને આરોપી બનાવી દેવામાં આવ્યો હતો અને જેની સામે આરોપ હતો તે સુપ્રિમ કોર્ટ ફરિયાદી બની ગઈ હતી. બીજા શબ્દોમાં આરોપીને ફરિયાદીને સજા કરવાની છૂટ આપવામાં આવી હતી. સામાન્ય સંયોગોમાં કોર્ટ દ્વારા કોઈ પણ આરોપીને સજા ફરમાવવામાં આવે ત્યારે તેને અપીલમાં જવાની છૂટ હોય છે. પ્રશાંતભૂષણના કેસમાં તો ઊંચામાં ઊંચી અપીલ કોર્ટ દ્વારા જ તેમને સજા કરવામાં આવી છે; માટે તેમને અપીલમાં જવાનો અધિકાર પણ રહેતો નથી.

સુપ્રિમ કોર્ટે પ્રશાંતભૂષણને ભલે સજા કરી, પણ તેમણે જે મૂળભૂત મુદ્દો ઉઠાવ્યો છે કે ‘‘ભારતમાં છેલ્લાં ૬ વર્ષમાં લોકશાહીનો નાશ કરવામાં આવ્યો છે’’ તે બાબતમાં વ્યાપક રાષ્ટ્રીય ચર્ચા કરવી જરૂરી બની જાય છે. ભાજપના મોરચાના રાજમાં માત્ર સીબીઆઈ જ નહીં પણ ઇડી, સીએજી, આઇબી વગેરેનો ઉપયોગ આપખુદ શાસન ચલાવવા માટે કરવામાં આવે છે.

કોરોનાને બહાને પ્રજાની વૈયક્તિક સ્વતંત્રતાઓ ઝૂંટવી લેવામાં આવી છે. માસ્ક પહેરવા જેવી બાબતમાં પણ બળજબરી કરવામાં આવી રહી છે. હકીકતમાં માસ્ક પહેરવાથી કોરોના સામે સંરક્ષણ મળે છે, તેવું વૈજ્ઞાનિક રીતે સાબિત જ થયું નથી. લોકડાઉનથી કોરોનાના ફેલાવાને રોકવામાં સરકાર નિષ્ફળ ગઈ હોવા છતાં લોકડાઉન ચાલુ રાખીને સરકારે પ્રજાની આર્થિક, સામાજિક, ધાર્મિક અને સાંસ્કૃતિક સ્વતંત્રતાઓ ઝૂંટવી લીધી છે. કોરોના પોઝિટિવ લોકોને પરાણે પકડીને આઇસોલેશન સેન્ટરોમાં ભરતી કરી દેવામાં આવે છે. ત્યાં તેમનો જીવ જોખમમાં મૂકતી દવાઓના અખતરા તેમના પર કરવામાં આવે છે.

કેટલાક લેભાગુ તબીબો તેમની કિડની વગેરે કાઢીને વેચી કાઢે છે. સરકાર હવે કોરોનાની રસીને ફરજિયાત બનાવવા તરફ આગળ વધી રહી છે. આ રીતે પ્રજાની તમામ પ્રકારની સ્વતંત્રતાનો નાશ કરવામાં આવ્યો છે. તેમાં સુપ્રિમ કોર્ટ કોઈ રીતે મદદરૂપ બનતી નથી. જ્યારે પણ કોઈ બાબતમાં ન્યાય માટે સુપ્રિમ કોર્ટ સમક્ષ ધા નાખવામાં આવે છે ત્યારે તેનો એક જ જવાબ હોય છે કે સરકાર જે કાંઈ કરે છે, તે બરાબર કરે છે. જો સુપ્રિમ કોર્ટ સરકારનાં તમામ પગલાંનો બચાવ કરતી હોય તો પ્રજા ન્યાય માટે કોની પાસે જાય?

૧૯૭૧ ના કોન્ટેમ્પ્ટ ઓફ કોર્ટના કાયદાની કલમ ૧૩ મુજબ જો કોર્ટને ખાતરી થાય કે અદાલતનો તિરસ્કાર કરવાથી ન્યાયની પ્રક્રિયા ખોરવાઈ જશે, તો જ તેમાં સજા કરવી જોઈએ. હવે પ્રશાંતભૂષણે જે સંદેશાનો પ્રચાર કર્યો તેને કારણે ન્યાયની પ્રક્રિયા ખોરવાઈ જાય, તેવી સંભાવના કેટલી હતી? તેની કોઈ ચર્ચા કરવામાં આવી નહોતી. આ કલમની પેટાકલમ કહે છે કે અદાલતના તિરસ્કારના કેસમાં સત્યનો ઉપયોગ સંરક્ષણ માટે કરી શકાય. તેનો અર્થ થાય છે કે જો કોઈ વ્યક્તિ દ્વારા કરાયેલી અદાલતની ટીકામાં સત્ય હોય તો તેનો ઉપયોગ આરોપી પોતાના બચાવમાં કરી શકે. પ્રશાંતભૂષણના કેસમાં તેમને પોતાનો આરોપ સાબિત કરવાની તક જ અપાઈ નહોતી.

ભારતમાં અદાલતના તિરસ્કાર બાબતના જે કાયદાઓ છે તે બ્રિટીશ ન્યાયપદ્ધતિનો વારસો છે. બ્રિટીશરો ભારતની પ્રજાને ગુલામ રાખવા માગતા હતા. બ્રિટીશ સલ્તનત દ્વારા ભારતના પ્રજાજનો પર જે અત્યાચારો ગુજારવામાં આવતા હતા તેમાં પ્રજાને ન્યાય અપાવવામાં બ્રિટીશ જજો નિષ્ફળ જતા હતા. તેમની ટીકા કરવામાં ગુનો ગણાતો હતો. હવે ભારત દેશ આઝાદ થઈ ગયો છે. જો સુપ્રિમ કોર્ટ જેવી સર્વોચ્ચ સંસ્થા પ્રજાની આઝાદીની રક્ષા કરવામાં નિષ્ફળ જાય તો તેની ટીકા કરવાનો પ્રજાને અધિકાર હોવો જોઈએ. તેમ કરવાથી ભારતની લોકશાહી મજબૂત બનશે.

-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Related Posts