World

ઇરાકમાં શિયા મૌલવીની રાજનીતિમાંથી નિવૃત્તિ પર હંગામો, ફાયરિંગમાં 8ના મોત

નવી દિલ્હી: ઈરાકમાં (Iraq) છેલ્લા 10 મહિનાથી કોઈ કાયમી વડાપ્રધાન (PM) નથી આ ઉપરાંત કોઈ કેબિનેટ કે સરકાર નથી. જેના કારણે રાજકીય અરાજકતાનો માહોલ સર્જાયો છે. સોમવારે (Monday) શિયા મુસ્લિમ મૌલવી મુક્તદા અલ-સદરે રાજકારણ છોડવાની જાહેરાત કરી, જેના પછી સ્થિતિ વધુ ખરાબ થઈ છે. બગદાદમાં મૌલવીના સમર્થકો અને ઈરાન દ્વારા સમર્થિત લોકો વચ્ચે અથડામણ થઈ હતી. મળતી માહિતી મુજબ આ ઘટનામાં આઠ લોકોના મોત (Death) થયા હતા. ટોળાએ રાષ્ટ્રપતિ ભવન અને સરકારી ઈમારતોમાં તોડફોડ કરી છે. યુએસ એમ્બેસીના કર્મચારીઓને હેલિકોપ્ટર દ્વારા ગ્રીન ઝોનમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. પ્રદર્શનકારીઓને કાબૂમાં લેવા માટે સુરક્ષા દળો ટીયર ગેસના શેલ છોડી રહ્યાં છે.

મળતી માહિતી મુજબ મૌલવીના સોમવારે રાજકારણ છોડવાના નિર્ણયથી તેમના સમર્થકોમાં નારાજગી ફેલાઈ હતી અને તેઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. દરમ્યાન બગદાદમાં ગ્રીન ઝોનની બહાર પથ્થરમારો પણ થયો હતો. આ વિસ્તારમાં મંત્રાલયો અને દૂતાવાસોમાં રહેતા લોકોના ઘર છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઘટનાના પગલે હવામાં ​​ગોળીબાર પણ કરવામાં આવ્યો હતો. 8 લોકોના મોત સાથે 19 લોકો ઘાયલ થયાની જાણકારી પણ મળી આવી છે. કહેવામાં આવ્યું હતું કે શિયા મૌલવીએ રાજકારણ છોડ્યા પછી પરિસ્થિતિ વધુ વણસી ગઈ હતી અને તેમની જાહેરાતના થોડા કલાકો પછી અથડામણ વધુ તીવ્ર બની હતી. અથડામણની ઘટનાઓ બાદ ઈરાકની સેનાએ બપોરે 3.30 વાગ્યાથી દેશમાં કર્ફ્યુ લગાવી દીધો છે. આ સાથે વિરોધીઓને ગ્રીન ઝોન છોડવાની અપીલ કરવામાં આવી છે.

ઈરાકમાં નવી સરકારની રચનાને લઈને એક મહિનાથી મડાગાંઠ ચાલી રહી છે. હવે સદરના સમર્થક વહેલી ચૂંટણીની માંગ કરી રહ્યા છે. ઇરાકી રાજનીતિ પર યુએસ અને ઈરાનના પ્રભાવનો વિરોધ કરીને સદરે દેશમાં વ્યાપક સમર્થન મેળવ્યું છે. જણાવી દઈએ કે ઈરાકની રાજધાની બગદાદમાં એક મહિના પહેલા જ હજારો પ્રદર્શનકારીઓ સંસદમાં ઘૂસી ગયા હતા અને સૂત્રોચ્ચાર કરવા લાગ્યા હતા. ઈરાકમાં શિયા મુસ્લિમ ધાર્મિક નેતા મૌલાના મુક્તદા અલ-સદ્રના સમર્થકો મોટી સંખ્યામાં છે. સદરની પાર્ટી હાલમાં ઈરાકી સંસદમાં સૌથી મોટી પાર્ટી છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં ઈરાકમાં ચૂંટણી યોજાઈ હતી. આમાં, શિયા ધર્મગુરુ મૌલાના મુક્ત-દા-અલ-સદ્રની પાર્ટીએ 329 બેઠકોની સંસદમાં 73 બેઠકો જીતી અને સંસદમાં સૌથી મોટી પાર્ટી બની. પરંતુ મૌલાના સદરે અન્ય પક્ષો સાથે કામ કરવાની ના પાડી દીધી હતી, તેથી ગઠબંધન સરકાર બની શકી ન હતી. હાલમાં, આઉટગોઇંગ વડા પ્રધાન મુસ્તફા અલ-કાધિમી દેશનું સંચાલન કરી રહ્યા છે.

Most Popular

To Top