કોરોના ટેસ્ટ માટે રાજ્યમાં ત્રણ નવી ટેસ્ટિંગ લેબોરેટરીની મંજૂરી આપવા રજૂઆત

કેન્દ્રીય આરોગ્યમંત્રી ડો.હર્ષવર્ધને દેશમાં પ્રવર્તી રહેલા કોરોના વાયરસ સંદર્ભે વિવિધ રાજ્યોના આરોગ્ય મંત્રીઓ સાથે રાજ્ય સરકારોએ લીધેલાં પગલાં અંગે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સમીક્ષા કરી હતી. જેમાં ગાંધીનગરમાંથી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ વીડિયો કોન્ફરન્સમાં જોડાયા હતા. નીતિન પટેલે કહ્યું હતું કે, નોવેલ કોરોના વાયરસ સંદર્ભે રાજ્ય સરકાર દ્વારા સમયબદ્ધ આયોજન કરી સમગ્ર રાજ્યમાં કોરોનાનો ચેપ ફેલાતો અટકાવવા માટે પગલાં ભરવામાં આવી રહ્યા છે. સંનિષ્ઠ કામગીરી કરવામાં આવી રહી છે. કોરોના ટેસ્ટ માટે સોલા હોસ્પિટલ-અમદાવાદ, એસ.વી.પી. હોસ્પિટલ અમદાવાદ અને રાજકોટની પી.ડી.યુ. હોસ્પિટલ ખાતે તપાસ અંગે નવી લેબોરેટરીની ટેસ્ટિંગ સુવિધા ઉપલબ્ધ થાય એ માટે મંજૂરી આપવા તેમજ નવા વેન્ટિલેટર સહિત અન્ય સવલતો પૂરી પાડવા તેમણે સૂચન કર્યું હતું. પટેલે રાજસ્થાનના બાંધકામ શ્રમિકો જે ગુજરાતમાં રહીને કામ કરે છે તેઓ અંદાજે ૨૦૦થી 300 કિલોમીટર દૂરથી અહીં કામ-ધંધા અર્થે આવ્યા છે. લોકડાઉનની આ પરિસ્થિતિમાં તેઓ તેમના વતન પરત જવા માટે પગપાળા જઇ રહ્યા છે. તેઓની આરોગ્યલક્ષી કાળજી તેમજ તેમને પરત મોકલવાની વાહન જેવી આનુષાંગિક વ્યવસ્થા કરવા અંગે માર્ગદર્શન માંગ્યું હતું. આ અંગે કેન્દ્રીય મંત્રી ડૉ.હર્ષવર્ધને કહ્યું કે, દેશના પાંચથી સાત રાજ્યોમાં આવા સ્થળાંતરના પ્રશ્નો છે. તો રાજ્યો-રાજ્યો વચ્ચે એકબીજાના સંકલનથી જે નાગરિકો જ્યાં છે ત્યાં ને ત્યાં જ રાખવા તેમજ સમૂહમાં સ્થળાંતર ન કરે એવું આયોજન કરવા જણાવ્યું હતું.

Related Posts