ભારતની વિશાળ યુવા વસ્તી ભારત માટે મિલકત રહેશે કે જવાબદારી બની જશે?

આજે ભારત વિશ્વમાં બીજા ક્રમનો સૌથી મોટી વસ્તી ધરાવતો દેશ છે અને નોંધપાત્ર બાબત એ છે કે ભારતમાં યુવાન વર્ગની વિશાળ વસ્તી છે. ફક્ત જેને નવયુવાન કહી શકાય તેવો વર્ગ જ નહીં, ૪૦ સુધીની વયના લોકો પણ નહીં, પરંતુ જેઓ ઉત્પાદક કાર્યોમાં કાર્યરત રહી શકે તેવા આધેડ વયના લોકોની પણ ભારતમાં વિશાળ વસ્તી છે. અને આ વસ્તી આજે ભારત દેશ માટે મોટી અસ્ક્યામત બની રહેલી જણાય છે. દેશને ઉત્પાદન કાર્યો માટે જે યુવા વસ્તીની જરૂર હોય છે તે ભારત પાસે વિશાળ પ્રમાણમાં છે જ્યારે કે જાપાન જેવા એશિયન ઔદ્યોગિક દેશ અને યુરોપના અનેક વિકસીત દેશોમાં યુવા વસ્તીમાં મોટો ઘટાડો નોંધાયો છે અને વૃદ્ધ વસ્તી વધી ગઇ છે.

ભારતની વિશાળ યુવા વસ્તી ભારત માટે મિલકત રહેશે કે જવાબદારી બની જશે?

હાલમાં વિશ્વની ભાવિ વસ્તી અંગે થયેલા એક વિગતવાર અભ્યાસ મુજબ જેઓ ઉત્પાદક કાર્યો કરી શકે તેવા વય જૂથના લોકોની સંખ્યા ૨૦૨૧ સુધીમાં ભારતમાં સૌથી વધારે હશે, જેના પછી નાઇજીરીયા, ચીન અને અમેરિકાનો ક્રમ આવશે એમ લાન્સેટના એક અભ્યાસમાં તાજેતરમાં જણાયું છે. જો કે સંશોધકોને ચીન અને ભારતમાં કામદારોની સંખ્યામાં મોટો ઘડાડો જોવા મળ્યો છે, જે સંશોધકોએ ૨૦૧૭નાં આંકડા પ્રમાણે વસ્તીની દષ્ટિએ વિશ્વના દસ સૌથી મોટા દેશોમાં કામ કરી શકે તેવી વ્યક્તિઓ( ૨૦થી ૬૪ વર્ષની વય)નો અંદાજ કાઢ્યો હતો. સંશોધકોએ સ્ટાન્ડર્ડ કોહોર્ટ-કોમ્પોનન્ટ મેથડ વડે ૧૯પ દેશો અને પ્રદેશો માટે ૨૦૧૮થી ૨૧૦૦ સુધીમાં વસ્તીને લગતા વિવિધ અંદાજો મૂક્યા હતા. વિશ્વની વસ્તી ૨૦૬૪માં ૯.૭૩ અબજ સાથે ટોચ પર જશે અને ત્યારબાદ તેમાં ઘટાડાની શરૂઆત થશે જે ૨૧૦૦ના વર્ષમાં ઘટીને ૮.૭૯ અબજ થવાનો અંદાજ છે.

સન ૨૧૦૦ સુધીમાં ભારત, નાઇજીરીયા, ચીન અમેરિકા અને પાકિસ્તાન વિશ્વની સૌથી વધુ વસ્તીવાળા ટોચના પાંચ દેશો બનશે એવો અંદાજ આ અભ્યાસમાં મૂકવામાં આવ્યો છે. આ અભ્યાસમાં એવો પણ અંદાજ મૂકવામાં આવ્યો છે કે ૨૦પ૦ સુધીમાં ૧પ૧ દેશોમાં મહિલાઓનો ફળદ્રુપતાનો આંક રિપ્લેસમેન્ટ લેવલ ફર્ટિલીટી કરતા ઘટી જશે. રિપ્લેસમેન્ટ લેવલ ફર્ટીલીટી એ સ્તર છે જે સ્તરે વસ્તી પોતાને એક પેઢીથી બીજી પેઢીમાં બદલે છે. આ અભ્યાસમાં બીજા પણ ઘણા રસપ્રદ આંકડાઓ છે. ૨૧૦૦ સુધીમાં જાપાન, થાઇલેન્ડ અને સ્પેન સહિત ૨૩ દેશોની વસ્તી પ૦ ટકા ઘટી જશે, ચીનની વસ્તી ૪૮ ટકા ઘટવાનો અંદાજ છે.

અહીં આપણે જોઇ શકીએ છીએ કે ભારતમાં યુવા વસ્તીનું મોટું પ્રમાણ છે અને વર્ષ ૨૧૦૦ સુધીમાં તો ભારતમાં ઉત્પાદક કાર્યો કરી શકે તેવી વસ્તી દુનિયામાં સૌથી વધુ હશે એવો અંદાજ છે. પણ અહીં એ ભૂલવું નહીં જોઇએ કે આ વિશાળ યુવા વસ્તીને યોગ્ય કામ મળી રહે તે ઘણું જરૂરી છે. અર્થતંત્રની નબળાઇને કારણે પુરતી રોજગારીનું સર્જન નહીં થાય અને યુવા વસ્તીને કામ નહીં મળી શકે તો દેશમાં બેકારી જ વધે અને યુવા વસ્તી અસ્ક્યામતને બદલે જવાબદારી બની જાય અને તેમાંથી વિવિધ સામાજીક અને કાયદો વ્યવસ્થાની સમસ્યાઓ સર્જાવાનો પણ ભય રહે છે. ભારતમાં અત્યારે પણ બેકારીનો દર ઘણો ઉંચો છે અને ભવિષ્યમાં આ દર વધતો જાય તો મોટી ચિંતાની સ્થિત સર્જાય. સતત વધતી વસ્તી એ ભારત માટે મોટી સમસ્યા છે. થોડા દાયકાઓમાં વસ્તીની બાબતમાં ભારત ચીનને ઓવરટેક કરીને વિશ્વમાં પહેલા સ્થાને પહોંચી જાય તેવી શક્યતા છે.

આ વિશાળ વસ્તી સામે ભારતમાં સ્ત્રોતો ટાંચા પડી રહ્યા છે તે એક કઠોર વાસ્તવિકતા છે. ૨૧૦૦ સુધીમાં જાપાન સહિત વિશ્વના ૨૩ દેશોની વસ્તી પ૦ ટકા ઘટી જવાનો અંદાજ છે, ચીનની વસ્તી પણ ૪૮ ટકા ઘટવાનો અંદાજ છે પરંતુ ભારતની વસ્તી નોંધપાત્ર ઘટવાનો કોઇ અંદાજ નથી. જો ભારતમાં વસ્તી વધતી જ જાય, તેની સામે સ્ત્રોતો ટાંચા પડતા જાય, બેકારી વધતી જાય અને જીવનની ગુણવત્તા નીચી જ જતી જાય તો વિશાળ યુવા વસ્તીનો કોઇ અર્થ રહેશે નહીં. આવી કરૂણ સ્થિતિ નહીં સર્જાય તે માટે નીતિ ઘડવૈયાઓએ અત્યારથી જ આયોજન કરવાની જરૂર છે.

Related Posts