ભારતના બેન્કિંગ ક્ષેત્રમાં મોટી કટોકટી આવી રહી છે

કોરોના વાયરસ આવ્યો તે પહેલાં જ ભારતનું બેન્કિંગ ક્ષેત્ર જબરદસ્ત કટોકટીનો સામનો કરી રહ્યું હતું. બેન્કોની ખોટી થઈ ગયેલી લોનનો આંકડો દસ લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગયો હતો. પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ બેન્ક જેવી સહકારી ક્ષેત્રની બેન્કમાં અને યસ બેન્ક જેવી ખાનગી બેન્કમાં મધ્યમ વર્ગના માનવીઓના અબજો રૂપિયા ફસાઈ ગયા હતા. બીજી કેટલીક બેન્કો પણ દેવાળું કાઢવાની અણી પર હતી.

ભારતના બેન્કિંગ ક્ષેત્રમાં મોટી કટોકટી આવી રહી છે

જાહેર ક્ષેત્રની ૬ બેન્કોને ચાર મોટી બેન્કો સાથે જોડી દઈને તેમને દેવાળું ફૂંકતા રોકવામાં આવી હતી. હવે કોવિડ-૧૯ એ બેન્કિંગ ક્ષેત્રની વિટંબણાઓ વધારી છે. કટોકટીની પરિસ્થિતિને કારણે સરકારે ૬ મહિના સુધી કોઈ પણ લોનને ખોટી જાહેર ન કરવાની પરવાનગી આપી છે. લોન લેનારને પણ ૬ મહિના હપ્તો ન ભરવાની છૂટ અપાઈ છે. ઓગસ્ટના અંતમાં જ્યારે ૬ મહિનાનો ગાળો પૂરો થશે ત્યારે ઘણી બેન્કો દેવાળું ફૂંકે તેવું બની શકે છે.

કેન્દ્ર સરકાર બેન્કિંગ ક્ષેત્રને ટકાવી રાખવા મરણિયા પ્રયાસો કરી રહી છે. પહેલાં તેણે માંદી પડી ગયેલી બેન્કોને જીવતી રાખવા ૩.૨ લાખ કરોડ રૂપિયાનું રાહત પેકેજ આપ્યું. હકીકતમાં આ રૂપિયા કરદાતાનાં ગજવાંમાંથી કાઢવામાં આવ્યા હતા. ત્યાર બાદ ૧૦ બેન્કોનું મર્જર ચાર બેન્કોમાં કરવામાં આવ્યું. હવે જેમનું મર્જર નથી થયું તેવી ૬ સરકારી બેન્કોને વેચી કાઢવાની તૈયારી ચાલી રહી છે.

આ ૬ બેન્કોમાં ઇન્ડિયન ઓવરસીઝ બેન્ક, યુકો બેન્ક, બેન્ક ઓફ મહારાષ્ટ્ર, પંજાબ એન્ડ સિંધ બેન્ક, બેન્ક ઓફ ઇન્ડિયા અને સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાનો સમાવેશ થાય છે. તેના મેજોરિટી શેરો સરકાર વેચી દેશે. પછી તે બેન્કો ઉઠી જાય તો સરકારની કોઈ નૈતિક જવાબદારી પણ રહેશે નહીં.

બેન્કોના યુનિયનો જોકે સરકારનાં આ પગલાંનો વિરોધ કર્યા વિના રહેશે નહીં. આ વેચાણ પછી જે ૬ સરકારી બેન્કો બાકી રહેશે તેમાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, બેન્ક ઓફ બરોડા, પંજાબ નેશનલ બેન્ક, કેનેરા બેન્ક, યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા અને ઇન્ડિયન બેન્કનો સમાવેશ થશે.

ભારતની બેન્કોની નોન પર્ફોર્મિંગ એસેટ્સ (એનપીએ) માર્ચ ૨૦૨૦માં ૮.૫ ટકા જેટલી બતાડવામાં આવી હતી. અર્થાત્ ભારતની બેન્કો દ્વારા જેટલી લોન આપવામાં આવી હતી તેની ૮.૫ ટકા પાછી આવે તેવી કોઈ સંભાવના નહોતી. જાણકારો માને છે કે આ આંકડો બહુ મોટો છે, પણ ડિપોઝીટરોમાં ગભરાટ ન ફેલાઈ જાય તે માટે સાચો આંકડો બહાર પાડવામાં આવતો નથી.

ભારતના બેન્કિંગ ક્ષેત્રમાં મોટી કટોકટી આવી રહી છે

હવે રિઝર્વ બેન્ક કહે છે કે ૨૦૨૧ના માર્ચ સુધીમાં બેન્કોની એનપીએ વધીને ૧૪.૭ ટકા પર પહોંચી જશે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના અંદાજ મુજબ કોવિડ-૧૯ને કારણે ધંધા-ઉદ્યોગોમાં જે મંદી આવી છે તેને કારણે બેન્કોની આશરે ૫.૫ લાખ રૂપિયાની લોન ખોટી થઈ જશે. અગાઉ કેન્દ્ર સરકાર બેન્કોને મદદ કરીને તેને ટકાવી રાખતી હતી; પણ હવે તેણે બીજો રસ્તો અજમાવવાનું નક્કી કર્યું છે.

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ સૂચન કર્યું છે કે બેન્કોએ તેમના નુકસાનને સરભર કરવા માટે બજારમાંથી મૂડી ઊભી કરવી જોઈએ. આ મૂડી શેરના ભરણાં દ્વારા અથવા બોન્ડ બહાર પાડવા દ્વારા પણ ઊભી થઈ શકે છે. ભારતની જાહેર અને ખાનગી ક્ષેત્રની અનેક બેન્કો બજારમાંથી મૂડી ઊભી કરવાની તૈયારી કરી રહી છે.

જાહેર ક્ષેત્રની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા બજારમાંથી ૨૦,૦૦૦ કરોડ રૂપિયાની મૂડી ઊભી કરશે. પંજાબ નેશનલ બેન્ક ૧૦,૦૦૦ કરોડની મૂડી ઊભી કરશે તો બેન્ક ઓફ બરોડા ૯,૦૦૦ કરોડ રૂપિયા ઊભા કરશે. કેનેરા બેન્કની યોજના બજારમાંથી ૭,૦૦૦ કરોડ રૂપિયા ઉપાડવાની છે. ખાનગી ક્ષેત્રની આઈસીઆઈસીઆઈ બેન્ક અને એક્સિસ બેન્ક ૧૫-૧૫,૦૦૦ કરોડ રૂપિયા ઊભા કરવાની છે તો એચડીએફસી બેન્ક ૧૦,૦૦૦ કરોડ રૂપિયા ઊભા કરવાની છે.

યસ બેન્કનો ૧૫,૦૦૦ કરોડ રૂપિયા ઊભા કરવાનો પ્લાન છે. બેન્કોમાં મૂકેલા મધ્યમ વર્ગના અબજો રૂપિયા ઉદ્યોગપતિઓમાં ડૂબી ગયા. તે રૂપિયા ઉદ્યોગપતિઓ પાસેથી વસૂલ કરવાને બદલે બેન્કો મધ્યમ વર્ગના રોકાણકારોને પોતાની જાળમાં ફસાવવા માગે છે.

ભારતના બેન્કિંગ ક્ષેત્રમાં મોટી કટોકટી આવી રહી છે

કોવિડ-૧૯ને કારણે દેશમાં મંદીનો જે માહોલ છે તેમાં મૂડી બજારમાંથી રૂપિયા ભેગા કરવાનું કામ લોઢાના ચણા ચાવવા જેવું કઠિન છે. જો શેર બજારમાં તેજી દેખાય તો જ મૂડી બજારમાંથી રૂપિયા ભેગા કરી શકાય. વર્તમાનમાં શેર બજાર વધતું દેખાય છે તેનું કારણ એ છે કે બેન્કો સિવાય અનેક કંપનીઓ બજારમાંથી મૂડી ઊભી કરવા માગે છે.

આ કારણે સેબી દ્વારા બજારમાં માર્જીન વધારી દેવામાં આવ્યું છે અને શોર્ટ સેલિંગ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. જ્યારે બેન્કો મૂડી ભેગી કરી લેશે તે પછી શેર બજારને કકડભૂસ કરતું તૂટવા દેવામાં આવશે.

કેન્દ્ર સરકારને બેન્કોને બચાવવા માટે ૩.૨ લાખ કરોડનું બેઈલઆઉટ પેકેજ આપવામાં આવ્યું તે પછી નિર્ણય લેવામાં આવ્યો હતો કે હવે પછી બેન્કોને બચાવવા માટે કોઈ પેકેજ આપવું નહીં. બેન્કોની લોન ડૂબી જાય અને તે ખોટ કરે તો તે રૂપિયા ખાતેદારોની ડિપોઝીટમાંથી ચૂકવવાનું વિચારવામાં આવ્યું હતું.

તે માટે કાયદા પંચ દ્વારા ૨૦૧૭માં ફાઇનાન્સિયલ રિસોલ્યુશન એન્ડ ડિપોઝીટ ઇન્શ્યુરન્સ બીલ તૈયાર કરીને સંસદમાં મૂકવામાં આવ્યું હતું. આ બીલ જો કાયદો બની જાય તો જાહેર ક્ષેત્રની બેન્કોમાં મૂકેલી લોકોની મૂડી પણ ડૂબી જાય તેમ હતું. તેમાં બેઈલઇન પેકેજની જોગવાઈ હતી, જે મુજબ બેન્કની ખોટ ભરપાઈ કરવાની જવાબદારી ખાતેદારોની હતી. આ બીલનો પ્રજા દ્વારા ભારે વિરોધ થયો ત્યારે સરકારને તેને પાછું ખેંચી લેવાની ફરજ પડી હતી.

હવે સરકાર દ્વારા જૂનું બીલ નવા સ્વરૂપમાં પાછું લાવવામાં આવ્યું છે. તેને ફાઇનાન્સિયલ સેક્ટર ડેવલપમેન્ટ એન્ડ રેગ્યુલેશન બીલ, ૨૦૧૯ નામ આપવામાં આવ્યું છે. આ બીલ મુજબ બેન્કિંગ ક્ષેત્રમાં આવનારી કોઈ પણ કટોકટીના ઉકેલ માટે રિસોલ્યુશન ઓથોરિટીની રચના કરવામાં આવશે. કોઈ પણ બેન્ક ઉઠી જાય તેમ હોય તો તેને કેવી રીતે બચાવી લેવી? તેના ઉપાયો તે સૂચવશે.

આ સંસ્થા દ્વારા ખાતેદારોની ડિપોઝીટના વીમાની રકમ વધારવાનું સૂચન પણ કરવામાં આવશે. અગાઉ બેન્કમાં મૂકેલી ડિપોઝીટ પર લાખ રૂપિયાનો જ વીમો ઊતારવામાં આવતો હતો. હવે તે રકમ વધારીને પાંચ લાખ કરવામાં આવી છે. કોઈ પણ બેન્ક જો દેવાળું જાહેર કરે તો રિસોલ્યુશન ઓથોરિટી ડિપોઝીટોનો ઉપયોગ કરીને પણ બેન્કોનું દેવું ચૂકવી દેશે. આ રીતે જો બેન્કો ઉઠી જાય તો તેના ખાતેદારોને રૂપિયા ચૂકવી આપવાની સરકારની કોઈ જવાબદારી રહેશે નહીં. જાહેર જનતા દ્વારા સરકારની માલિકીની કોઈ પણ બેન્કમાં પોતાની બચતના રૂપિયા મૂકવામાં આવે છે તે એવા વિશ્વાસ સાથે મૂકવામાં આવે છે કે બેન્ક ઉઠી જશે તો પણ સરકાર તે રૂપિયા ચૂકવી દેશે. હવે તેવો વિશ્વાસ રાખી શકાય તેમ નથી.

સરકાર જાહેર ક્ષેત્રની બેન્કો બાબતમાં પણ પોતાની નૈતિક જવાબદારીમાંથી છટકવાની તૈયારી કરી રહી છે. આ માટે તે એક બાજુ જાહેર ક્ષેત્રની ૬ બેન્કોનું લિલામ કરવાની છે તો બાકી રહેલી ૬ બેન્કોને બજારમાંથી રૂપિયા ઉપાડવાનો ઉપાય બતાડી દેવામાં આવ્યો છે. જો બજારમાંથી રૂપિયા ઉપાડ્યા પછી પણ જાહેર ક્ષેત્રની બેન્ક ડૂબી જશે તો સરકાર પ્રેક્ષક બનીને તમાશો જોયા કરશે. આ કારણે પોતાની મરણમૂડી બેન્કોમાં મૂકનારી પ્રજાએ જાગૃત થઈ જવું જોઈએ અને કોઈ એકદમ સલામત રોકાણ શોધી કાઢવું જોઈએ.

-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Related Posts