Sports

ભારત પ્રવાસ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ જાહેર, 22 વર્ષીય ટોડ મર્ફીનો સમાવેશ

મેલબોર્ન: ભારતીય ટીમ (Indian Team) સામે 9 ફેબ્રુઆરીથી શરૂ થઇ રહેલી ચાર ટેસ્ટની (Test) આગામી સીરિઝ માટે ઓસ્ટ્રેલિયાએ (Australia) સ્પીનરોથી ભરેલી ટીમની જાહેરાત કરી હતી, જેમાં વિક્ટોરિયાના ઉભરતા સ્ટાર ટોડ મર્ફીની પસંદગી કરવામાં આવી છે. એશ્ટન અગર, મિચેલ સ્વેપસન અને નાથન લિયોનની ત્રિપુટી સાથે ટોડ મર્ફીનો સ્પિન પાર્ટનર તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે. મિચેલ સ્ટાર્ક તેની આંગળીની ઇજાને કારણે પહેલી ટેસ્ટ ગુમાવશે.

2004 પછી ભારતમાં પ્રથમ ટેસ્ટ સીરીઝ જીતવાનો ઇરાદો ધરાવતી ઓસ્ટ્રેલિયાની ટીમમાં સામેલ થયેલો ટોડ મર્ફી 2022 પહેલા માત્ર એક જ ફર્સ્ટ ક્લાસ મેચ રમ્યો હતો. જો કે, ટોડ મર્ફી છેલ્લા 12 મહિનામાં વિક્ટોરિયા, ઓસ્ટ્રેલિયા-એ અને પ્રાઈમ મિનિસ્ટર ઈલેવન માટે પ્રભાવશાળી પ્રદર્શન બાદ ટેસ્ટ ટીમમાં સામેલ થયો છે. ટોડ મર્ફીને નાથન લિયોનના સંભવિત લાંબા ગાળાના અનુગામી તરીકે જોવામાં આવે છે.

મિચેલ સ્વેપસને ગયા વર્ષે ભારતીય ઉપખંડમાં ઓસ્ટ્રેલિયાની પાંચમાંથી ચાર ટેસ્ટમાં 45 રન આપીને 10 વિકેટ લીધી હતી. જ્યારે રાષ્ટ્રીય પસંદગીકારોએ 11 જાન્યુઆરી 2023ના રોજ ચાર ટેસ્ટની બોર્ડર-ગાવસ્કર શ્રેણી માટે 18 સભ્યોની ઓસ્ટ્રેલિયન ટીમ જાહેર કરી ત્યારે સ્વેપસનને એડમ ઝમ્પા પર પ્રાથમિકતા આપવામાં આવી હતી. વિક્ટોરિયાના કેપ્ટન પીટર હેન્ડ્સકોમ્બ પણ જાન્યુઆરી 2019 પછી પ્રથમ વખત ટેસ્ટ ક્રિકેટમાં વાપસી કરવા માટે તૈયાર છે. મેથ્યુ રેનશોને રિઝર્વ બેટ્સમેનોમાંના એક તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

ભારત પ્રવાસ માટેવૂ ઓસ્ટ્રેલિયા ટેસ્ટ ટીમ
પેટ કમિન્સ (કેપ્ટન), એશ્ટન અગર, સ્કોટ બોલેન્ડ, એલેક્સ કેરી, કેમેરન ગ્રીન, પીટર હેન્ડ્સકોમ્બ, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, નાથન લિયોન, લાન્સ મોરિસ, ટોડ મર્ફી, મેથ્યુ રેનશો, સ્ટીવ સ્મિથ (વાઇસ કેપ્ટન), મિચેલ સ્ટાર્ક, મિશેલ સ્વેપસન, ડેવિડ વોર્નર.

ટોડ મર્ફી 16 વર્ષની ઉંમર સુધી ઝડપી બોલર હતો પછી સ્પીનર બન્યો
ભારત પ્રવાસ માટેની ઓસ્ટ્રેલિયન ટીમમાં સામેલ ટોડ મર્ફીએ પોતાના કરિયરની શરૂઆત એક ઝડપી બોલર તરીકે કરી હતી, પરંતુ ટ્રેનિંગ સેશન દરમિયાન તેની ફાસ્ટ બોલિંગને ક્રેગ હોવર્ડે નકારી કાઢી હતી અને સ્પીનર ​​બનવાની સલાહ આપી હતી. ટોડ મર્ફી તે સમયે 16 વર્ષનો હતો. હોવર્ડની સલાહને અનુસરીને મર્ફી સ્પીનર બન્યો અને આજે પરિણામ બધાની સામે છે.

Most Popular

To Top