National

ભારત અને અમેરિકા વચ્ચે સંરક્ષણ ઔદ્યોગિક સહયોગ પર ઐતિહાસિક કરાર, ચીનને આપ્યો આ જવાબ

ભારત (India) અને યુએસએ (US) સંરક્ષણ ઔદ્યોગિક સહયોગને વધુ વધારવા માટે રોડમેપ તૈયાર કર્યો છે. આ રોડમેપ હેઠળ બંને દેશો નવી ટેકનોલોજીના (Technology) સહ-વિકાસ તેમજ હાલની અને નવી પ્રણાલીઓના સહ-ઉત્પાદન પર કામ કરશે. આ સાથેજ બંને દેશો સંરક્ષણ સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમ (Eco System) વચ્ચે સહકારને પણ પ્રોત્સાહન આપશે. બંને નેતાઓએ દ્વિપક્ષીય સંરક્ષણ સહયોગના મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરી હતી આ તરફ બેઠક પછી અમેરિકી રક્ષા મંત્રી લોયડ ઓસ્ટીને ભારત-પ્રશાંત ક્ષેત્રમાં નાટોની સ્થાપના અંગેના ચીનના નિવેદન પર વળતો જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે અમે આ વિસ્તારમાં આવું કંઈ કરવાના નથી.

રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને યુએસ ડિફેન્સ સેક્રેટરી લોયડ ઓસ્ટિન વચ્ચે દ્વિપક્ષીય બેઠક થઈ હતી. બેઠક દરમિયાન આ રોડમેપ પર સહમતિ બની હતી. તે આવનારા વર્ષો માટે બંને દેશોની સંરક્ષણ નીતિઓને માર્ગદર્શન આપશે. સંરક્ષણ મંત્રાલયે પણ આ અંગે એક નિવેદન જાહેર કર્યું છે. મંત્રાલયે તેના નિવેદનમાં કહ્યું કે બેઠક દરમિયાન બંને નેતાઓએ દ્વિપક્ષીય સંરક્ષણ સહયોગના મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરી હતી. ચર્ચા ખાસ કરીને ઔદ્યોગિક સહયોગને મજબૂત કરવાના માર્ગો ઓળખવા પર કેન્દ્રિત હતી. આ દરમિયાન બંને પક્ષો યુએસ-ભારત સંરક્ષણ ઔદ્યોગિક સહયોગ પર સંમત થયા હતા. આ સાથે રાજનાથ સિંહ અને લોયડ ઓસ્ટીને મજબૂત અને બહુપક્ષીય દ્વિપક્ષીય સંરક્ષણ સહયોગ પ્રવૃત્તિઓની સમીક્ષા કરી અને સહકારની ગતિને વધુ તીવ્ર બનાવવા સંમત થયા હતા.

ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા પર પણ ચર્ચા થઈ
આ દરમિયાન બંને નેતાઓએ ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા જાળવવામાં તેમના સમાન હિતને ધ્યાનમાં રાખીને પ્રાદેશિક સુરક્ષા મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. બેઠક બાદ રક્ષા મંત્રી રાજનાથ સિંહે ટ્વીટ કર્યું કે ભારત-અમેરિકાની ભાગીદારી ખુલ્લા ઈન્ડો-પેસિફિક ક્ષેત્રને સુનિશ્ચિત કરવા માટે મહત્વપૂર્ણ છે. તેમણે એમ પણ કહ્યું કે અમે ક્ષમતા નિર્માણ કરવા અને અમારી વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા માટે યુએસ સાથે મળીને કામ કરવા આતુર છીએ.

મંત્રણા દરમિયાન સંરક્ષણ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓએ ભાગ લીધો હતો. જેમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ, સંરક્ષણ સચિવ ગિરધર અરમાને અને સંરક્ષણ સંશોધન અને વિકાસ વિભાગના સચિવ અને સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO)ના અધ્યક્ષ ડૉ. સમીર વી કામતનો સમાવેશ થાય છે.

બીજી તરફ ભારતની મુલાકાત દરમિયાન અમેરિકાના સંરક્ષણ સચિવ લોયડ ઓસ્ટીને પણ ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં નાટોની સ્થાપના અંગેના ચીનના દાવા પર પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે યુનાઈટેડ સ્ટેટ્સ ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન (નાટો)ની સ્થાપના કરવાનો પ્રયાસ કરી રહ્યું નથી. અમારો ઉદ્દેશ્ય ઈન્ડો-પેસિફિક ક્ષેત્રને વેપાર માટે મુક્ત રાખવાનો છે. અને તેની સુરક્ષા માટે આપણે સમાન વિચાર ધરાવતા દેશો સાથે કામ કરવું પડશે. તેમનું આ નિવેદન ચીનના રક્ષા મંત્રી લી શાંગફૂના નિવેદન પર આવ્યું છે જેમાં તેમણે કહ્યું હતું કે અમેરિકા ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં નાટો જેવું સૈન્ય સંગઠન બનાવવાની તૈયારી કરી રહ્યું છે.

Most Popular

To Top