SURAT

સુરતમાં હીરા ઉદ્યોગકાર, બિલ્ડર્સ અને ફાયનાન્સરને ત્યાં સર્ચમાં 8 કરોડની જ્વેલરી અને રોકડ મળી

સુરત: (Surat) ગઈકાલે આવકવેરા વિભાગની (Income tax Department) ઇન્વેસ્ટિગેશન વિંગ દ્વારા ધાનેરા ડાયમંડ, ભાવના જેમ્સના માલિકો, બિલ્ડરો, ફાયનાન્સરોને (Financier) ત્યાં સુરત-મુંબઈનાં સ્થળોએ થયેલી સર્ચ કાર્યવાહી શનિવારે બીજા દિવસે પણ ચાલુ રહી છે. જો કે, શનિવારે મુંબઈના ભારત ડાયમંડ બુર્સ (Diamond Burs) અને સુરતમાં 5 સ્થળે તપાસ પૂરી થઈ હતી. જ્યારે 25 સ્થળે તપાસ યથાવત રહી છે.

આવકવેરા વિભાગની ડીઆઈ વિંગનાં સૂત્રોના જણાવ્યા મુજબ ડાયમંડ પેઢીઓ, બિલ્ડર્સ, ફાયનાન્સર અ્ને જમીન દલાલને ત્યાં થયેલી સર્ચ કાર્યવાહીમાં 8 કરોડની જ્વેલરી અને રોકડ રકમ મળી આવી છે. સતત બીજા દિવસે બિલ્ડર નરેશ શાહ (વિડીયો), રમેશ ચોગઠ (વઘાસિયા), અરવિંદ અજબાની ઉર્ફે બીચ્છુ, કાદર કોથમીર અને હિમ્મતસિંહને ત્યાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. સુરત આઇટીની ઇન્વેસ્ટિગેશન વિંગના એડિશનલ કમિશનર વિભોર બદોનીની આગેવાની હેઠળ 150થી વધુ અધિકારીઓની ટીમે સુરત અને મુંબઇનાં 30 સ્થળ પર સર્ચ કાર્યવાહી કરી હતી, જેમાં ભાવના જેમ્સ, ધાનેરા ડાયમંડ, બિલ્ડર રમેશ ચોગઠ, નરેશ વિડીયો અને કાદર કોથમીર, હિમ્મતસિંહ અને જનક જમીનદલાલ નામના વ્યક્તિઓને વરુણીમાં લેવામાં આવ્યા હતા. આ સિન્ડિકેટને ત્યાંથી મોટાપાયે જમીનોના દસ્તાવેજ, સોદા ચિઠ્ઠીઓ, બાનાખત, સાટાખત, શેર બજારના અને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણના દસ્તાવેજ, વ્યાજે નાણાં ધીરવાની ડાયરીઓ અને પાવર ઓફ એટર્નીના થેલા ભરી ડોક્યુમેન્ટ મળ્યાં હતાં. કુલ 14 લોકોને ત્યાં સર્ચ કાર્યવાહી ચાલી રહી છે.

ન્યૂ રાંદેર ગોરાટ રોડના લેન્ડ ડેવલોપર કાદર કોથમીરને ત્યાંથી કરોડોની જમીનોનાં ડોક્યુમેન્ટ, ડાયરીઓ અને નાણાકીય લેવડદેવડના કાગળો મળ્યા હતા. જેનું વેરિફિકેશન ચાલી રહ્યું છે. બિલ્ડર રમેશ ચોગઠને ત્યાં કરોડોની જમીનોના સોદાઓ અને ફાયનાન્સની ફાઇલો મળી આવી હતી. આ જમીનો કોણે વેચી, કોણે ખરીદી, બ્રોકર અને ઇન્વેસ્ટર કોણ છે? એની તપાસ ચાલી રહી છે. જમીનોના સોદા અને ધિરાણ મેળવનારાઓમાં જે લોકોનાં નામ છે તેમને સમન્સ આપીને નિવેદન નોંધવા બોલાવવામાં આવશે. ડોક્યુમેન્ટ એટલી મોટી માત્રામાં મળ્યા છે કે, વેરિફિકેશન કરવામાં અધિકારીઓને દિવસો નીકળી જશે.

હીરાની કંપનીઓના બેનંબરી વ્યવહારોનાં ડોક્યુમેન્ટ જપ્ત કરાયાં
આવક વેરાની સર્ચ કાર્યવાહીમાં સુરત-મુંબઈની હીરાની કંપનીઓના બેનંબરી વ્યવહારોનાં ડોક્યુમેન્ટ મળી આવતાં બે નંબરના જુદા હિસાબી ચોપડા જપ્ત કરવામાં આવ્યા છે. રફ ડાયમંડની લે-વેચ અને પોલિશ્ડ ડાયમંડના રોકડ સોદા માટે અલગથી ચોપડા રાખવામાં આવ્યા હતા. આ સોદાઓની વિગતો રિટર્નમાં દર્શાવી છે કે કેમ એનું વેરિફિકેશન કરવા કંપનીના સી.એ.ને તેડાવવામાં આવશે.

ડાયમંડ પેઢીઓ, બિલ્ડરો, ફાયનાન્સર અને જમીન દલાલોને ત્યાંથી 4 રૂમ ભરાય એટલાં ડોક્યુમેન્ટ મળ્યાં
સુરત અને મુંબઇ આવકવેરા વિભાગ દ્વારા સ્ટેટિસ્ટિક ડેટા સર્વેલન્સ સિસ્ટમથી મેળવાયેલી માહિતી પછી બિલ્ડર નરેશ શાહ (વિડીયો), રમેશ ચોગઠ (વઘાસિયા), અરવિંદ અજબાની ઉર્ફે બીચ્છુ, કાદર કોથમીર અને હિમ્મતસિંહને ત્યાં સર્ચ ઓપરેશન દરમિયાન 4 રૂમ ભરાય એટલા જમીન મિલકતને લાગતાં ડોક્યુમેન્ટ મળી આવ્યાં હતાં. આવકવેરા અધિકારીઓએ વાહનો મંગાવી આ ડોક્યુમેન્ટ જપ્ત કરી વેરિફિકેશનની કામગીરી શરૂ કરી છે. જમીન મિલકતના કેટલાક સોદા ચોપડે દર્શાવ્યા ન હતા.

બે ડાયમંડ પેઢીના સુરત-મુંબઈમાં બેન્ક લોકર અને સેફ ડિપોઝિટ વોલ્ટનાં લોકર સીઝ કરાયા
આવકવેરા વિભગની ટીમે સર્ચ કાર્યવાહીમાં અરવિંદ બીચ્છુની સાથે સંકળાયેલી સુરત, મુંબઇ સ્થિત કંપનીઓ ધાનેરા ડાયમંડ અને ભાવના જેમ્સમાં તપાસ કરી ડાયમંડના સ્ટોકનું વેલ્યુએશન કરી વિડીયો રેકોર્ડિંગ કર્યું હતું. જ્યારે ડાયમંડ પેઢીઓના સુરત મુંબઈમાં બેન્ક લોકર અને સેફ ડિપોઝિટ વોલ્ટનાં લોકર સીઝ કરવામાં આવ્યાં છે. આવકવેરા અધિકારીઓ બેંકોનાં આ લોકર અને સેફ ડિપોઝિટનાં લોકરો ખોલશે ત્યારે વધુ બેનામી પ્રોપર્ટી અને રોકડ મળી શકે એમ છે.
.

Most Popular

To Top