સતત 20 વર્ષથી દેશમાં સત્તા સ્થાને રહેલાં મોદી માટે હવે ચઢાણ કપરાં છે

દેશના હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સત્તા પર રહેવાના 20 વર્ષ પુરા કર્યા. શરૂઆતમાં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે અને બાદમાં દેશના વડાપ્રધાન તરીકે મોદી સત્તા પર રહ્યાં. હાલમાં પણ વડાપ્રધાન તરીકે મોદી સત્તા પર છે અને હાલની ટર્મ પુરી થતાં જ મોદી દેશમાં સૌથી વધુ સમય વડાપ્રધાન તરીકે રહેનારા નેતાઓમાં ત્રીજા ક્રમે આવી જશે. હાલમાં મોદીની આગળ જવાહરલાલ નહેર, ઈન્દિરા ગાંધી અને મનમોહનસિંહ છે. નહેરૂ 16 વર્ષ, 19 મહિના અને 12 દિવસ સુધી દેશના વડાપ્રધાન રહ્યાં હતાં. જ્યારે બીજા નંબરે ઈન્દિરા ગાંધી બે વખત 15 વર્ષ, 11 મહિના અને 17 દિવસ સુધી વડાપ્રધાન રહ્યાં હતાં,.

સતત 20 વર્ષથી દેશમાં સત્તા સ્થાને રહેલાં મોદી માટે હવે ચઢાણ કપરાં છે

ત્રીજા ક્રમે મનમોહનસિંહ 10 વર્ષ સતત દેશના વડાપ્રધાન રહ્યાં. ભાજપમાં મોદીએ વર્ષો સુધી સંગઠનમાં જ કામ કર્યું હતું. ક્યારેય કોઈ સત્તા પર રહ્યાં નહોતાં. ત્યાં સુધી કે મોદીએ પંચાયત, પાલિકા કે વિધાનસભાની ચૂંટણી પણ ક્યારેય લડી નહોતી. મોદી સીધા ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતાં અને 2001માં તા.7મી ઓકટો.ના રોજ મોદીએ મુખ્યમંત્રીપદે શપથ લીધા અને ત્યારથી સતત 12 વર્ષ અને 227 દિવસ સુધી મોદીએ મુખ્યમંત્રીપદ સંભાળ્યું. વડાપ્રધાન બન્યા ત્યારબાદ જ મોદીએ મુખ્યમંત્રીપદ છોડ્યું હતું. ગુજરાતના ઈતિહાસમાં સૌથી વધુ વખત મુખ્યમંત્રી તરીકે રહેનાર નરેન્દ્ર મોદી જ હતાં. ગુજરાતમાં મોદી ચાર વખત સીએમ બન્યાં, દેશમાં મોદી બે વખત પીએમ બન્યાં.

મોદીનો ગુજરાતનો કાર્યકાળ અનેક રીતે વિવાદી રહ્યો હતો. મોદીના સમયમાં ગોધરાકાંડ થયું. જેને કારણે મોદી પર અનેક આરોપો મુકવામાં આવ્યા. તો સામે મોદી દ્વારા વાઈબ્રન્ટ ગુજરાત અને ઈન્વેસ્ટર સમિટ દ્વારા રાજકારણીઓને એ બતાવવામાં આવ્યું કે આ રીતે કોઈ રાજ્ય પણ દેશ-વિદેશમાંથી રોકાણ લાવી શકે છે. આ ઈન્વેસ્ટર સમિટ મોદી માટે વડાપ્રધાનપદ સુધી પહોંચવામાં ભારે મહત્વની સાબિત થઈ. ઉદ્યોગકારો સાથે મોદીના સીધા સંબંધો બંધાયા અને તેનો લાભ મોદીને દેશ માટે નીતિઓ ઘડવામાં મળ્યો.

ભાજપને પણ તેનો ફાયદો થયો. મોદીએ ઉત્સવોની ઉજવણીની પણ પોલિસી અપનાવી. આનો ફાયદો એ થયો કે નરેન્દ્ર મોદી લોકો સાથે સીધો સંપર્ક સાધી શક્યા. દેશના કોઈપણ રાજનેતાની નહીં હોય તેવી લોકપ્રિયતા મોદીએ હાંસલ કરી. આ લોકપ્રિયતામાં મોદીની સતત દોડતાં રહેવાની નીતિએ પણ મોટો ભાગ ભજવ્યો હતો. જોકે, જે રીતે મોદીએ ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં વહીવટમાં ચાહના મેળવી હતી તેવી ચાહના મોદી વડાપ્રધાન બન્યાના કાર્યકાળમાં મેળવી શક્યા નથી.

મોદી દ્વારા લેવામાં આવેલા નોટબંધી, જીએસટી અને છેલ્લે કોરોનાને કારણે લોકડાઉનના નિર્ણયોથી દેશની ઈકોનોમી ડામાડોળ થઈ ગઈ છે. દેશમાં ધંધા-રોજગારમાં ભારે મંદીનો માહોલ છે. જીડીપી માઈનસમાં ચાલી રહ્યો છે અને સરેરાશ ધંધાર્થી મોદી સરકારથી ખુશ નથી. છેલ્લે ખેડૂતો દ્વારા પણ હાલમાં આંદોલન કરવામાં આવી રહ્યું છે. ભારત ખેતીપ્રધાન દેશ છે અને ભારતના રાજકારણમાં પણ ખેડૂતોનું ખુબ મહત્વ છે. આ સંજોગોમાં મોદીના નવા ખેડૂત કાયદાઓ મોદી માટે મુશ્કેલી સર્જી શકે તેમ છે. મોદીનો વિજય રથ 2001થી સતત દોડી રહ્યો હતો પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ રથ ખોટકાઈ ગયો છે.

મહારાષ્ટ્રમાં સરકાર નહીં બનાવી શકવાની સાથે રાજસ્થાનમાં અનેક પ્રયાસો છતાં પણ ભાજપ પોતાની સરકાર બનાવી શક્યું નથી. સામે હવે બિહાર વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે અને તેના પરિણામ પર મોદી સરકારની આગળની રણનીતિનો મોટો આધાર રહેલો છે. ભારતના અન્ય વડાપ્રધાનો કરતાં મોદીને પ્રચાર-પ્રસારમાં મોટો હિસ્સો મળ્યો છે. દેશમાં ભાજપની સરકાર હોવા છતાં પણ મોદી સરકાર તરીકે ઓળખાય છે તે મોદીની વ્યક્તિગત સિદ્ધી છે, પરંતુ સાથે સાથે હાલના સંજોગો જોતાં મોદી માટે આ સિદ્ધી જાળવી રાખવી અઘરી છે તે નક્કી છે.

Related Posts