કેશવાનંદ ભારતી કેસના ચુકાદાએ બંધારણના મૂળ ઢાંચાને ટકાવી રાખ્યો હતો

જો સરકારનું કે સંસદનું ચાલે તો બંધારણના મૂળભૂત ઢાંચાના ફુરચેફુરચા ઉડાવીને દેશમાં સરમુખત્યારશાહીની સ્થાપના કરી દે. જ્યારે શ્રીમતી ઇન્દિરા ગાંધી વડાં પ્રધાન હતાં ત્યારે બંધારણના મૂળભૂત ઢાંચા સાથે છેડછાડ કરવાના ઘણા પ્રયાસો થયા હતા. કેરળના એક હિન્દુ મઠના અધિપતિ સ્વામી કેશવાનંદ ભારતી તેની સામે લાંબું કાનૂની યુદ્ધ લડ્યા હતા. યુદ્ધના અંતે સુપ્રિમ કોર્ટે સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો હતો કે સરકાર કે સંસદ પૂર્ણ બહુમતીથી પણ બંધારણના મૂળભૂત ઢાંચામાં ફેરફાર કરી શકતી નથી. ૧૯૭૩ માં કેશવાનંદ ભારતી કેસનો ચુકાદો સુપ્રિમ કોર્ટના ૧૩ જજોની બેન્ચે આપ્યો હતો, જેમાં સાત જજ સરકારની વિરુદ્ધમાં હતા અને છ સરકારની તરફેણમાં હતા. આ કેશવાનંદ ભારતી સ્વામીનું અવસાન થતાં તે ચુકાદાની યાદ ફરીથી તાજી થઈ રહી છે.

ભારતનું બંધારણ ઘડાયું ત્યારે તેમાં નાગરિકોને કેટલાક મૂળભૂત અધિકારો આપવામાં આવ્યા હતા. તેમાં સંપત્તિ ધારણ કરવાના અધિકારનો પણ સમાવેશ થતો હતો. ભારતની ચૂંટાયેલી સરકારોને પ્રારંભથી જે આ મૂળભૂત અધિકાર ખૂંચતો હતો. ભારતના પ્રથમ વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુએ ૧૯૫૦ માં જમીનદારી નાબૂદીના કાયદાઓ ઘડીને આ મૂળભૂત અધિકાર ઉપર આક્રમણ કર્યું હતું. ૧૯૭૦ ના દાયકામાં સુપ્રિમ કોર્ટે સરકારની વિરુદ્ધમાં કેટલાક ચુકાદાઓ આપ્યા હતા. ૧૯૬૭ ના ગોલકનાથ કેસમાં સુપ્રિમ કોર્ટે સંપત્તિ ધરાવવાના મૂળભૂત અધિકારની રક્ષા કરી હતી. ૧૯૭૦ માં આર.સી. કૂપરના કેસમાં બેન્કોનું રાષ્ટ્રીયકરણ કરવાનાં પગલાંને રદ્દ કરવામાં આવ્યું હતું. માધવરાવ સિંધિયાના કેસમાં રાજાઓનાં સાલિયાણાં રદ્દ કરવાનાં પગલાંને ગેરબંધારણીય ગણાવવામાં આવ્યું હતું. આ બધા ચુકાદાઓને ઉલટાવી નાખવા તત્કાલીન વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીએ બંધારણમાં ૨૪, ૨૫, ૨૬ અને ૨૯ નંબરના સુધારાઓ કરાવીને સંપત્તિ ધરાવવાના અધિકાર સહિતના કેટલાક મૂળભૂત અધિકારો પર તરાપ મારી હતી.

ગોલકનાથ કેસમાં સુપ્રિમ કોર્ટના ૧૧ જજોની બેન્ચે ઠરાવ્યું હતું કે સરકાર કે સંસદ સંપત્તિ ધરાવવાના અધિકાર સહિતના કોઈ પણ મૂળભૂત અધિકારને રદ્દ કરી શકે નહીં. આ ચુકાદો તત્કાલીન વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીને માન્ય નહોતો. દરમિયાન કેરળની સરકારે જમીન સુધારણાના કાયદામાં કેટલાક ફેરફારો કરીને એડનીર મઠની જમીન પર સરકારનો કબજો જમાવી દીધો હતો. એડનીર મઠના સ્વામી કેશવાનંદ ભારતીએ આ કાયદાને કેરળની હાઇ કોર્ટમાં પડકાર્યો હતો. હાઇ કોર્ટમાં તેઓ હારી ગયા હતા. તેમણે કેરળના કાયદાને સુપ્રિમ કોર્ટમાં પડકારતી વખતે ઇન્દિરા ગાંધીની સરકારે કરેલા ૨૯ મા બંધારણીય સુધારાને પણ પડકાર્યો હતો, જેમાં જમીન સુધારણા કાયદાને કોર્ટોના અધિકાર ક્ષેત્રની બહાર ગણવામાં આવ્યા હતા. કેશવાનંદ ભારતી દ્વારા સુપ્રિમ કોર્ટમાં બંધારણના ૨૪, ૨૫ અને ૨૬ નંબરના સુધારાને પણ પડકારવામાં આવ્યા હતા.

તત્કાલીન વડાં પ્રધાન ઇન્દિરા ગાંધી માટે આ કેસ પ્રતિષ્ઠાનો મુદ્દો બની ગયો હતો. ત્યારે સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટિસ એસ.એમ. સિક્રી હતા. તેમણે કેશવાનંદ ભારતી કેસની સુનાવણી માટે ૧૩ જજોની બેન્ચ બનાવી હતી, જે મોટામાં મોટી બેન્ચ હતી. તેની સમક્ષ ૬૮ દિવસ માટે સુનાવણી ચાલી હતી. કેસના મુખ્ય મુદ્દાઓ બાબતમાં સુપ્રિમ કોર્ટના જજોમાં પણ તીવ્ર મતભેદો હતા. ચીફ જસ્ટિસ સહિતના સાત જજો સરકારની વિરુદ્ધમાં હતા તો છ જજો સરકારની તરફેણમાં હતા. ૧૩ જજો દ્વારા ૧૧ તો ચુકાદાઓ આપવામાં આવ્યા હતા. બહુમતી સાત જજો દ્વારા ચુકાદો આપવામાં આવ્યો હતો કે સંસદ મૂળભૂત અધિકારોમાં ફેરફાર કરી શકે છે; પણ ભારતના બંધારણના મૂળભૂત ઢાંચાને બદલી શકતી નથી. આ મૂળભૂત ઢાંચો ક્યો? તેની વ્યાખ્યા પણ કેશવાનંદ ભારતી કેસમાં કરવામાં આવી હતી. સુપ્રિમ કોર્ટના મતે ભારતનું બંધારણ લોકશાહી, પ્રજાસત્તાક, સમવાયી અને બિનસાંપ્રદાયિક છે. કોઈ પણ સરકાર કે સંસદ તે ઢાંચામાં ફેરફાર કરી શકતી નથી. 

સુપ્રિમ કોર્ટનો ચુકાદો કેશવાનંદ ભારતીની વિરુદ્ધમાં આવ્યો હતો, કારણ કે સુપ્રિમ કોર્ટે મૂળભૂત અધિકારોમાં ફેરફાર કરવાના સંસદના અધિકારને માન્ય કર્યો હતો. જો કે આ ચુકાદો સરકારની પણ વિરુદ્ધમાં હતો; કારણ કે સુપ્રિમ કોર્ટે ૩૬૮ મી કલમ મુજબ બંધારણમાં ફેરફાર કરવાના સંસદના અધિકારને મર્યાદિત બનાવી દીધો હતો. આ કેસમાં કેશવાનંદ ભારતીના વકીલો તરીકે નાની પાલખીવાલા અને સોલી સોરાબજી હતા.  કેશવાનંદ ભારતીના કેસમાં પક્ષકાર તરીકે ભારતની કેટલીક કંપનીઓ પણ જોડાઇ હતી. વકીલોની ફી તેમણે ચૂકવી હતી.

કેશવાનંદ ભારતી કેસનો ચુકાદો આવ્યો ત્યારે તત્કાલીન ચીફ જસ્ટિસ એસ.એમ. સિક્રીના કાર્યકાળનો છેલ્લો દિવસ હતો. તત્કાલીન વડાં પ્રધાન ઇન્દિરા ગાંધી માટે આ કેસ એટલો મહત્ત્વનો હતો કે તેમણે છેક છેલ્લી ઘડી સુધી ચીફ જસ્ટિસના ઉત્તરાધિકારીનું નામ નક્કી નહોતું કર્યું. ચુકાદામાં સરકારની વિરુદ્ધનો મત વ્યક્ત કરનારા સાત પૈકી ત્રણ જજો સિનિયોરિટીની યાદીમાં મોખરે હતા. જો સિનિયોરિટીને ધ્યાનમાં લેવામાં આવે તો ત્રણ પૈકી એકને ચીફ જસ્ટિસ બનાવવા પડે તેમ હતું. ઇન્દિરા ગાંધીએ એ ત્રણેયને સુપરસિડ કરીને સરકારની તરફેણમાં ચુકાદો આપનારા છ જજો પૈકી જસ્ટિસ એ.એન. રાયને ભારતના ચીફ જસ્ટિસ બનાવી દીધા હતા. તેમણે કેશવાનંદ ભારતી કેસના ચુકાદાને ઉલટાવવા માટે ૧૩ જજોની બેન્ચ બનાવી હતી, પણ કોઈ રિવ્યૂ પિટીશન ફાઇલ કરવામાં નહોતી આવી. દરમિયાન ભારતના તત્કાલીન ચીફ જસ્ટિસ એ.એન. રાય પર તેમના સાથી જજોનું અને વકીલોનું એટલું દબાણ આવ્યું હતું કે તેમણે બેન્ચનું વિસર્જન કરવું પડ્યું હતું.

સુપ્રિમ કોર્ટના ચુકાદા દ્વારા ભારતના બંધારણના મૂળભૂત ઢાંચાની રક્ષા કરવામાં આવી હતી; પણ મૂળભૂત અધિકારો પર તરાપ મારવાના સંસદના અધિકારની પણ સ્વીકૃતિ કરવામાં આવી હતી. ૧૯૭૫ માં જ્યારે અલ્લાહાબાદ હાઈ કોર્ટનો ચુકાદો તત્કાલીન વડાં પ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિરુદ્ધમાં આવ્યો ત્યારે તેમણે રાજીનામું આપવાને બદલે આ ચુકાદાનો આધાર લઈને બંધારણમાં ૩૯ મો સુધારો દાખલ કરી દીધો હતો. આ સુધારા મુજબ ભારતના રાષ્ટ્રપતિ, ઉપ-રાષ્ટ્રપતિ, લોકસભાના સ્પિકર અને વડા પ્રધાનની ચૂંટણીને અદાલતમાં પડકારી શકાતી નથી. ત્યાર બાદ બંધારણમાં ૪૧ મો સુધારો કરવામાં આવ્યો હતો, જે મુજબ ભારતના રાષ્ટ્રપતિ, ઉપ-રાષ્ટ્રપતિ, વડા પ્રધાન અને ગવર્નર સામે કોઈ ફોજદારી કેસ કરી શકાતો નથી. જો કોઈ વ્યક્તિને એક દિવસ માટે પણ ગવર્નર બનાવી દેવામાં આવે તો જિંદગીભર તેમની સામે ફોજદારી કેસ કરી શકાતો નથી. ૧૯૫૦ ની ૨૬ જાન્યુઆરીના રોજ ભારતનું જે બંધારણ અમલમાં આવ્યું તેમાં આજ દિન સુધીમાં કુલ ૧૦૪ સુધારાઓ થઇ ચૂક્યા છે. કેટલાક સુધારાઓ નાગરિકોને વધુ અધિકારો આપવા માટે કરવામાં આવ્યા છે તો કેટલાક સુધારાઓ નાગરિકોના અધિકારો ઝૂંટવીને સરકારને વધુ સત્તા આપવા માટે કરવામાં આવ્યા છે. બંધારણમાં સુધારા બાબતમાં પ્રજાના હાથમાં કોઇ સત્તા નથી. તે સત્તા સંસદના અને સુપ્રિમ કોર્ટના હાથમાં છે. કેશવાનંદ ભારતી કેસમાં સરકારની સત્તા પર સુપ્રિમ કોર્ટ દ્વારા નિયંત્રણો લાદવામાં આવ્યાં હતાં તેને કારણે તે કેસ યાદગાર બની રહ્યો છે.

– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Related Posts