તારાપુર : તારાપુર તાલુકાના ચાંગડા ગામમાં સોમવારની મોડી રાત્રે નેવાના પાણી પડવા જેવી સામાન્ય બાબતમાં થયેલા ઝઘડાએ વરવુ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જેમાં છરા અને લોખંડની કોસથી છ શખસ યુવક પર તુટી પડ્યાં હતાં અને ઉપરા છાપરી ઘા ઝીંકી તેનું ઢીમઢાળી દીધું હતું. આ અંગે તારાપુર પોલીસે છ શખસ સામે ગુનો નોંધ્યો હતો.
તારાપુર તાલુકાના ચાંગડા ગામમાં રહેતા અજીત બાબુભાઈ મકવાણાની બાજુમાં જ તેમના કાકા વિક્રમભાઈ મકવાણા (ઉ.વ.આ.47) પરિવાર સાથે રહે છે.
ચાંગડા ગામમાં 4થી જૂનના રોજ સવારના સમયે વરસાદ પડ્યો હતો. જેના કારણે ધાબાનું પાણી ઘરની પાછળ રહેતા વેલા ભગવાનભાઈ મકવાણાના વાડામાં પડતું હતું. જેથી વેલાભાઈએ ઝઘડો કરી પાણી વાડામાં પડવું જોઈએ નહીં. તેમ કહી ધાક – ધમકી આપી હતી. આ ઘટનાના બીજા દિવસે 5મી જૂનના રોજ સાંજના આઠેક વાગ્યાના સુમારે અજીત તેના પરિવાર સાથે જમી પરવારી ઘરના ધાબા પર સુવા ગયો હતો તે વખતે ધાબામાંથી પાણી નિકળવાની પાઇપમાં કોઇએ બુચ મારી દીધું હતું. આથી, તે બુચ કાઢવા જતો હતો તે સમયે વેલા ત્યાં દોડી આવ્યો હતો અને બુચ મેં મારેલું છે કેમ બહાર કાઢે છે ? તેમ કહી ઝઘડો કર્યો હતો.
આ ઝઘડામાં અજીતના કાકા વિક્રમ વચ્ચે પડ્યાં હતાં. જેના કારણે વેલો એકદમ ઉશ્કેરાઇ ગયો હતો અને ઘરમાંથી ધારિયું લઇ આવ્યો હતો. આ ઉપરાંત તેનો પુત્ર વિપુલ છરો, ભરત લોખંડની કોસ, ભગવાન ફુલા મકવાણા, ઉર્મીલાબહેન વિપુલ તથા વિન્તુબહેન વેલા, કુંદનબહેન ભરત પણ હથિયારો ધારણ કરી ધસી આવ્યાં હતાં. આ તમામ શખસે કોઇને જીવતા મુકવાના નથી તેમ કહી વિપુલને હાથમાં છરો મારી દીધું હતું. જ્યારે ભરતે લોખંડની કોસ વિક્રમભાઈને છાતીમાં, પેટમાં ઉપરા છાપરી ઘા ઝીંકી દીધાં હતાં. જેથી તેઓ લોહી લુહાણ હાલતમાં જમીન પર જ ફસડાઇ પડ્યાં હતાં. આથી, વિક્રમના પરિવારજનો પણ દોડી આવ્યાં હતાં.
પરંતુ વેલાના પરિવારે તેમના પર પણ હુમલો કર્યો હતો. જેમાં અજીતના પિતા બાલુભાઈને પેટમાં કોસ મારી દીધી હતી. જ્યારે વિપુલે છરો અજીતના છાતીમાં મારી દેતા લોહી લુહાણ થઇ ગયો હતો. આ ઉપરાંત વિપુલે છરાનો એક ઘા શૈલેષને પણ મારી દીધો હતો. વેલાએ ધારિયાથી વિક્રમભાઈ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં વિક્રમ અને અજીતના પરિવારજનોએ બુમાબુમ કરતાં આસપાસના લોકો દોડી આવ્યાં હતાં. જેના પગલે વેલા અને તેનો પરિવાર ભાગી ગયો હતો. જ્યારે ગંભીર રીતે ઘવાયેલા વિક્રમભાઈ, બાબુભાઈ, અજીત અને શૈલેષને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં વિક્રમભાઈને મૃત્યુ પામેલા જાહેર કર્યાં હતાં. આ બનાવ અંગે પોલીસે તારાપુર પોલીસે વિપુલ વેલા મકવાણા, ભરત વેલા મકવાણા, ભગવાન ફુલા મકવાણા, ઉર્મીલાબહેન વિપુલ મકવાણા, કુંદનબહેન ભરત મકવાણા અને જીન્ટુબહેન વેલા મકવાણા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.