SURAT

સુરત: બેન્કની દીવાલમાં બાકોરું પાડી ચોર અંદર ઘૂસ્યા, કશું નહીં મળતા આ વસ્તુ ચોરી ગયા

સુરત: સુરતમાં એક વિચિત્ર અને હાસ્યાસ્પદ ઘટના બની છે. મોટી રોકડ રકમની આશા સાથે ચોર ઈસમોએ અહીંની એક બેન્કની દીવાલમાં બાકોરું પાડ્યું હતું. રાત્રિના અંધારામાં ચોર ઈસમો બેન્કમાં પ્રવેશ્યા હતા, પરંતુ જોકે તેઓને કોઈ કિંમત ચીજવસ્તુ કે રોકડ મળી નહોતી. એટીએમ મશીન તોડવાનો પ્રયાસ પણ કર્યો પરંતુ નિષ્ફળતા મળી હતી, તેથી જે હાથમા આવ્યું તે લઈને ચોર ઈસમો ભાગી છૂટ્યા હતા.

વીએનએસજીયુ પાસે આવેલી યુનિયન બેંકની દીવાલમાં ગાબડું પાડી ચોરો દ્વારા બેંકમાં ચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. બેંકમાંથી ચોરોને બે મોબાઇલ ફોન સિવાય કંઇ મળ્યું ન હતું. અલબત્ત, ચોરોએ એટીએમ તોડવા પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમાં તેઓ નિષ્ફળ નીવડ્યા હતા. ઉમરા પોલીસ દ્વારા આ મામલે અજાણ્યા સામે ચોરીનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

બેંક મેનેજર સારંગપાણી રાજકુમાર ગૌડ (ઉં.વ.32) (રહે., અવધ કોપર સ્ટોન, સાઇલન્ટ ઝોન, ડુમસ રોડ) દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. તા.1 માર્ચના રોજ વીએનએસજીયુ ગર્લ્સ હોસ્ટેલની બાજુમાં આવેલી યુનિયન બેંકની દીવાલમાં ચોરોએ બાકોરું પાડ્યું હતું. રાતના સાડા દસથી સવારના છ વાગ્યા દરમિાયન આ ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ચોરોએ બેંકમાં આવી સીસીટીવીનું ડીવીઆર બંધ કરી દીધું હતું. ઉપરાંત કેમેરા તોડી નાંખ્યા હતા. સાથે બેંકના એટીએમ મશીનને પણ તોડવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન બેંક દ્વારા ફાળવવામાં આવેલા સાત હજારની મત્તાના બે ફોન ચોરો ચોરી કરી ગયા હતા. બેંકમાં કોઇ રોકડ રકમ નહીં હોવાથી ચોરોએ બે મોબાઇલ ફોનથી સંતોષ માનવો પડ્યો હતો.

Most Popular

To Top