સુરત(Surat): શહેરના કતારગામ (Katargam) વિસ્તારમાં રવિવારને તા. 18 ફેબ્રુઆરી 2024ની રાત્રે હચમચાવી દેનારી ઘટના બની છે. અહીં ઊંઘતી પ્રેમિકાને તેના જ પ્રેમીએ જીવતી સળગાવી દીધી છે. રાત્રિના સમયે પ્રેમિકા ઊંઘતી હતી ત્યારે તેની પર પેટ્રોલ છાંટી પ્રેમીએ દીવાસળી ચાંપી દીધી હતી. ગંભીર રીતે દાઝેલી પ્રેમિકાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ હતી, પરંતુ તબીબો તેને બચાવી શક્યા નહોતા.
પ્રાપ્ત માહિતી અનુસાર કતારગામમાં લલિતા ચોકડી પાસે ફૂટપાથ પર 50 વર્ષીય રાધા ગટુ ઝરપડા દીકરા અને દીકરી સાથે રહેતી હતી. રાધાનો પતિ વતન રાજસ્થાનમાં રહે છે. દરમિયાન અહીં રાધાને શંભુ નામના એક યુવક સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. શંભુ પણ રાધા અને તેના બાળકો સાથે ફૂટપાથ પર જ લિવઈનમાં રહેતો હતો. બાળકો તેને શંભુ કાકા કહેતા હતા.
રોજના ક્રમ અનુસાર રાધા પોતાના બાળકો સાથે રવિવારે રાત્રે ફૂટપાથ પર ઊંઘી ગઈ હતી. દરમિયાન રાત્રિના 1.45 વાગ્યે શંભુ ક્યાંકથી પેટ્રોલ લઈને આવ્યો હતો. શંભુએ ઊંઘતી પ્રેમિકા રાધા પર પેટ્રોલ છાંટ્યું હતું અને ત્યાર બાદ દીવાસળી ચાંપી દીધી હતી. આગ લાગતા રાધાએ બૂમાબૂમ કરી મુકી હતી. નજીકમાં ઊંઘતા બાળકો જાગી ગયા હતા. દોડધામ મચી ગઈ હતી. રાધાના શરીર પર લાગેલી આગ જેમ જેમ ઓલવ્યા બાદ 108માં રાધાને નજીકના હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. દરમિયાન પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતો. આ ભાગદોડ વચ્ચે આરોપી શંભુ ભાગી છૂટ્યો હતો.
આ તરફ 108એ રાધાને ઈમર્જન્સી વિભાગમાં દાખલ કરી હતી. જ્યાં ફરજ પરના તબીબોએ તાત્કાલિક તેણીની સારવાર શરૂ કરી હતી. ગંભીર રીતે દાઝેલી રાધાએ આખી રાત તરફ્ડયા માર્યા હતા. સવારે 6.30 કલાકે તેનું મોત થયું હતું. માતાના મોતના પગલે બાળકોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.
બધા ઉંઘતા હતા ત્યારે મારી માને સળગાવી દીધી: મૃતકની દીકરી
મૃતક રાધાની દીકરી મનીષાએ કહ્યું હતું કે અમે બધા ઊંઘતા હતા ત્યારે શંભુએ આવીને મારી માતાને સળગાવી દીધી હતી. ત્યારબાદ તે ભાગી ગયા હતા. અમે પોલીસને બોલાવી હતી. મારી માતાને હોસ્પિટલમાં લાવ્યા હતા. સવારે ડોક્ટરોએ તે મરી ગઈ હોવાનું જાહેર કર્યું હતું.
મનીષાએ વધુમાં જણાવ્યું હતું કે તેના પિતા વતનમાં ખેતી કામ કરે છે અને પોતે માતા સાથે સુરતમાં રહીને કડિયા કામ કરતા હતા. શંભુ મારી માતા પર શંકા કરતો હતો કે તે કોઈ અન્ય સાથે પણ વાત કરી રહી છે આ જ વહેમમાં તેણે તેને પેટ્રોલ છાંટીને સળગાવી દીધી હતી.
મહાદેવના મંદિરમાંથી આરોપી પકડાયો
પ્રેમિકાને સળગાવી દીધા બાદ આરોપી પ્રેમી શંભુ નજીકમાં આવેલા એક મહાદેવના મંદિરમાં છુપાઈ ગયો હતો. પોલીસે મહાદેવ મંદિરમાંથી શંભુને પકડી પાડ્યો હતો. પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. એસીપી એલ બી ઝાલાએ જણાવ્યું હતું કે, મરણ જનાર અને આરોપી વચ્ચે આઠ વર્ષથી પ્રેમ સંબંધ હતો. બે દિવસ પહેલા રાધાના કોઈ અન્ય સાથે આડા સંબંધ હોવાની આશંકામાં ઝઘડો પણ થયો હતો. જેના ઉશ્કેરાટમાં આરોપીએ આ પગલું ભરી લીધું હોવાની શંકા છે અને આરોપીને ઝડપી પાડીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.