World

શ્રીલંકામાં પ્રદર્શનકારીઓ ઉગ્ર બન્યા, સાંસદે પોતાને જ ગોળી મારી કરી આત્મહત્યા

કોલંબો: હાલમાં ભારતનું પાડોશી રાજ્ય શ્રીલંકા(Sri Lanka) આર્થિક મંદી (Economic Crisis) સામે ઝઝૂમી રહ્યું છે અને હવે તો ગુસ્સાની આગમાં સળગી પણ રહ્યું છે. શ્રીલંકામાં કેટલાક અઠવાડીયાઓથી શાંતિપૂર્ણ રીતે ચાલી રહેલું વિરોધ પ્રદર્શન હવે ઉગ્ર બની ગયું છે. શ્રીલંકાના રાષ્ટ્રપતિ(PM) ગોટાબાયા રાજપક્ષેના ઘરની બહાર વિરોધીઓ શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કરી રહ્યા હતા. આ દરમિયાન તેમના ભાઈ અને પીએમ રાજપક્ષેના કટ્ટર સમર્થકોએ તેમના પર હુમલો કર્યો હતો. ત્યારબાદ હિંસા ફાટી નીકળી હતી. જેમાં શાસક પક્ષના એક સાંસદે જીવ ગુમાવ્યો છે, જ્યારે મહિન્દા રાજપક્ષેનું ઘર પણ સળગી ગયું છે.

સાંસદે પોતાને જ ગોળી મારી
શ્રીલંકામાં સોમવારે ઘણો રક્તપાત(bloodshed) થયો હતો, જેમાં સાંસદ સહિત કેટલાક લોકોએ જીવ ગુમાવ્યા હતા, જ્યારે 150 લોકો ઘાયલ થયા છે. શ્રીલંકાનાં સત્તાધારી પક્ષ પોદુજાના પેરામુના(Sri Lanka Podujana Peramuna) સાંસદ અમરકીર્થી અથુકોરાલા(Amarakeerthi Athukorala)નું મોત થયું છે મળતી માહિતી મુજબ, નિત્તમ્બુવામાં સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકોએ તેમની કારને ઘેરી લીધી હતી. લોકોનું કહેવું છે કે આ દરમિયાન સાંસદની એસયુવી કારમાંથી ગોળીબાર થયો હતો. આ જોઈને ભીડ ગુસ્સે થઈ ગઈ.

અંગત સુરક્ષા ગાર્ડનો પણ મૃતદેહ મળ્યો
ત્યારબાદ સાંસદો ભાગીને એક બિલ્ડિંગમાં છુપાઈ ગયા, જે હજારો લોકોએ ઘેરી લીધા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે પછી ભીડના ડરથી સાંસદે પોતાની જ રિવોલ્વરથી પોતાને ગોળી મારી દીધી. તેમના અંગત સુરક્ષા ગાર્ડનો મૃતદેહ પણ બિલ્ડિંગમાંથી મળી આવ્યો હતો. આ સમગ્ર ઘટનામાં અન્ય 27 વર્ષીય યુવકનું મોત થયું છે. એવું માનવામાં આવે છે કે સાંસદની કારમાંથી છોડવામાં આવેલી ગોળી તેમને વાગી હતી.

રાજપક્ષે અને સાંસદોનાં ઘરો નિશાના પર
શ્રીલંકામાં હિંસાની આગ ફાટી નીકળતાં જ વિરોધીઓ રોષે ભરાયા હતા. ત્યારબાદ તેઓએ મહિન્દા રાજપક્ષના પૈતૃક ઘરને સળગાવી દીધું હતું. જે હંબનટોટા શહેરમાં છે. આ સાથે કેટલાક સાંસદોના ઘરો પણ ટોળાએ સળગાવી નાખ્યા હતા.

ગતરોજ રાજપક્ષે આપ્યું હતું રાજીનામું
શ્રીલંકાના વડાપ્રધાન મહિન્દા રાજપક્ષેએ ગઈકાલે લગભગ 3000 સમર્થકોની સામે કહ્યું હતું કે તેઓ દેશના હિતમાં પ્રધાનમંત્રી પદ છોડી રહ્યા છે. એટલે કે હવે સરકારનું વિસર્જન કરવામાં આવ્યું છે. હિંસા વચ્ચે વિપક્ષી દળોનું કહેવું છે કે તેઓ એવા કોઈપણ ગઠબંધનનો ભાગ નહીં બને જેમાં રાજપક્ષે પરિવારનો કોઈ સભ્ય હોય. હાલમાં શ્રીલંકાની સ્થિતિમાં કોઈ સુધારો થયો નથી.

કોલંબોમાં સુરક્ષા સેનાના હાથમાં
દેશમાં હાલ કટોકટીની સ્થિતિ લાગુ છે. હિંસાને જોતા પ્રશાસને દેશભરમાં ફરી કર્ફ્યુ લગાવી દીધો છે, જ્યારે રાજધાની કોલંબોમાં સુરક્ષા વ્યવસ્થાની જવાબદારી સેનાને સોંપવામાં આવી છે. જેમાં સેનાને ધરપકડ કરવાની અને દેખાવકારોની અટકાયત કરવાની સત્તા છે.

Most Popular

To Top