નવસારી : (Navsari) નવસારીમાં ગુરૂવારે સાસુએ (Mother In Law) તેની વિધવા (Widow) વહુને (Daughter in Law) દીકરી માનીને બીજા લગ્ન (Second Marriage ) કરાવતા ઘાંચી સમાજમાં એ કાર્યની પ્રશંસા થઇ છે. સાસુએ વહુનું કન્યાદાન કરી સમાજ માટે ઉત્તમ દાખલો બેસાડ્યો છે.
એમ તો સાસુ વહુનો સબંધ હંમેશામાં ચર્ચામાં રહ્યો છે. પરંતુ કેટલાક સાસુ-વહુના સબંધ દીકરી જેટલા જ ગાઢ અને પ્રેમાળ હોય છે. ઘણા કિસ્સામાં વહુ વિધવા થયા બાદ તેની સાથે સાસરિયાનો વ્યવહાર બદલાઇ જતો હોવાના અનેક કિસ્સા જોવા મળે છે. પરંતુ અપવાદ દરેક સબંધમાં હોય છે, એમ નવસારીમાં એક સાસુએ વિધવા વહુની માતા બનીને તેનો સંસાર ફરી વસાવી આપ્યો હતો.
નવસારીના મૂળ ઘાંચી સમાજના જયાબેન અમૃતભાઈ ગાંધીના દીકરા નિતુલ સાથે સ્વીટીના લગ્ન થયા હતા. તેમને એક દીકરો પણ છે. ત્રણ વર્ષ પહેલાં નિતુલ પોતાના કોમ્પ્યુટર ક્લાસમાં હતો ત્યારે અચાનક હૃદય રોગનો હુમલો આવતા તેનું અવસાન થતાં સ્વીટી યુવાન વયે વિધવા થઇ હતી. જેથી સાસુ જયાબેને વિચાર આવ્યો કે આ વહુ મારી દીકરી છે અને મારી દીકરી વિધવા હોય તો એને થોડી ઘરમાં બેસાડી રખાય? વહુને અન્ય સાથે પરણાવી તેનું જીવન ફરી હર્યુભર્યુ કરીશ. તેમણે સારા છોકરાની શોધ શરૂ કરી હતી. સુરતના ઉધના ખાતે રહેતો દિવ્યેશ ભરૂચા નામનો યુવક સાસુને પોતાની વહુ માટે પસંદ આવ્યો હતો. દિવ્યેશની પત્ની અને માતા દોઢ વર્ષ અગાઉ કોરોનામાં અવસાન પામ્યા હતા. સાસુએ પોતાની વહુ માટે વાત કરી બંનેની મુલાકાત કરાવી હતી. એકબીજાને પસંદ કરતા સાસુએ પોતાની વહુના ગુરૂવારે નવસારી શાકભાજી માર્કેટ સામે આવેલા વિષ્ણુ ભગવાન મંદિર ખાતે લગ્ન કરાવ્યા હતા.