કાલોલ તાલુકામાં વ્યાસડા માઈનોર કેનાલ ઝાડી

ઝાંખરાઓથી ઢંકાઈ જતા સાફ કરવાની ખેડૂતોની માંગ

(પ્રતિનિધિ)           કાલોલ,તા.૧૫ કાલોલ તાલુકામાં ચોમાસું સિઝનમાં સારા વરસાદને પગલે ખેડૂતોએ મોટાપાયે ડાંગરના પાકની વાવણી કરી છે. પરંતુ પાછલા એક માસથી પાછોતરા વરસાદને અભાવે ડાંગરના પાકને બચાવવા માટે કેનાલના પાણીની આવશ્યકતા ઊભી થઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે કાલોલ તાલુકાના ઉપરવાસમાં આવેલા એરાલ-અડાદરાથી અલવા સુધીના ગામોમાં કરાડ સિંચાઈ યોજનાની કેનાલના પાણીનો લાભ મળે છે. જે યોજના અંતર્ગત ડાંગરના પાક માટે કેનાલના પાણી છોડવામાં આવતા ખેડૂતોને રાહત મળી હતી. જે મધ્યે તાલુકાના વ્યાસડા પંચાયત વિસ્તારમાં આવેલી માઈનોર કેનાલમાં પાછલા એક બે વર્ષથી કરવામાં આવેલી સાફસફાઈના અભાવે મોટાભાગની કેનાલમાં ઝાડીઝાંખરાઓથી છવાઈ જતા ખેડૂતોને ભારે હાલાકીઓ ભોગવવી પડે છે. આ ઝાડીઝાંખરાઓને કારણે કેનાલના પાણી અવરોધ સર્જાય છે, પાણીનો બગાડ પણ થાય છે, જેને કારણે માઈનોર કેનાલ પરના છેવાડાના ખેડૂતોને સમયસર પાણી મળતા નથી, તદ્ઉપરાંત ખાસ કરીને રાત્રિના સુમારે પાણી લેવા જતા ખેડૂતોને ઝાડીઝાંખરાઓને કારણે ઝેરી જીવજંતુઓ કરડી જવાની દહેશત વર્તાય છે. અત્યારે માઈનોર કેનાલ પર પાણીના ફાળવણી અંગે વહીવટ કરતી મંડળીઓ દ્વારા ડાંગરના પાક માટે ખેડૂતો પાસેથી ગુંઠા દીઠ રૂ. ૨૦ની ઉઘરાણી કરવામાં આવી રહી છે ત્યારે મંડળીઓએ ઉઘરાણી કરતા પહેલાં ખેડૂતોની સુગમ વ્યવસ્થા અને સુરક્ષા અંગેની ચિંતા કરી કેનાલની સાફસફાઈ અને મરામત કરવાની ખેડૂતોએ લોકમાંગ કરી છે.

Related Posts