ભારતના જીડીપીમાં થયેલા ઐતિહાસિક ઘટાડા માટે જવાબદાર કોણ?

 ભાજપના રાજમાં ભારતનો જીડીપી ગ્રોથ રેટ ૮ ટકાથી ઘટીને ૬ ટકા પર આવી ગયો તેમાં તો વિપક્ષોએ ઉહાપોહ મચાવી દીધો હતો. હવે કોરોનાને કારણે કહો કે લોકડાઉનને કારણે ચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ ત્રણ માસમાં ગ્રોથ રેટ માઇનસ ૨૩.૯ ટકા પર પહોંચી ગયો તે ભારતના અર્થતંત્રના ઇતિહાસની સૌથી મોટી દુર્ઘટના છે. જે ગ્રોથ રેટમાં એકાદ ટકાનો ઘટાડો જોવા મળતાં ખતરાની ઘંટડીઓ વાગવા મંડતી હતી તેમાં ૨૩.૯ ટકાનો ઘટાડો દેશને પૂરપાટ પતન તરફ લઈ જનારો છે. આ પતનનું સૌથી મોટું કારણ કોરોના વાયરસ નથી, પણ સરકાર દ્વારા વગર વિચાર્યે કરવામાં આવેલું લોકડાઉન છે.

નાણાં મંત્રી નિર્મલા સીતારામન વિકાસમાં થયેલા ધબડકા માટે દૈવી કોપને જવાબદાર ઠરાવીને સરકારની જવાબદારીમાંથી હાથ ઊંચા કરી કાઢે છે. અહીં આપણે એ સમજવાની જરૂર છે કે લોકડાઉન કોઈ દૈવી કોપ નહોતો પણ સરકાર દ્વારા પ્રજાના માથે ઠોકી બેસાડવામાં આવેલું વિનાશકારી પગલું હતું. આ પગલું તદ્દન બિનજરૂરી હતું તેની સાબિતી એ ગણી શકાય કે કડકમાં કડક લોકડાઉન છતાં ભારતમાં કોરોનાના કેસો ઘટવાનું નામ નથી લેતા. સિરો સર્વેના હેવાલો મુજબ તો ભારતની લગભગ ૨૫ ટકા વસતિ કોરોના વાયરસનો ભોગ બનીને સાજી પણ થઈ ગઈ છે.

જો ભારતના ૩૫ કરોડ લોકોના શરીરમાં કોરોના વાયરસ પ્રવેશી ચૂક્યો હોય પણ તેમાંના માત્ર ૫૦ હજારનાં જ મોત થયાં હોય તો સાબિત થાય છે કે કોરોના વાયરસ રાક્ષસ નથી પણ મચ્છર છે. આ મચ્છરને રાક્ષસ ઠરાવીને તેને મારવા માટે લોકડાઉન જેવું વિનાશક હથિયાર અજમાવનારી સરકારની કોઈ જવાબદારી બને કે નહીં? કે પછી કોરોનાને દૈવી કોપ ગણાવીને સરકાર છટકી શકે? આ લખવાનું કારણ એટલું જ છે કે સરકારે લોકડાઉન હજુ પણ પૂરેપૂરું ઉઠાવી નથી લીધું. લોકડાઉનને કારણે દેશના અર્થતંત્રની જે ખાનાખરાબી ચાલુ થઈ તે હજુ પણ ચાલુ જ છે. હજુ પણ વેપાર કે ઉદ્યોગોનું ઠેકાણું પડ્યું નથી. જો સરકાર સત્વરે લોકડાઉન સમાપ્ત નહીં કરે તો હાલત વધુ બગડી શકે તેમ છે.

ભારતના જીડીપીમાં થયેલા ઘટાડાનું વિશ્લેષણ કરતાં ખ્યાલ આવે છે કે ભારતના અર્થતંત્રની મજબૂત બાજુ કઈ છે અને નબળી કડી કઈ છે. નાણાંકીય વર્ષ ૨૦૨૦-૨૧ ના પ્રથમ ત્રણ માસમાં એક કૃષિ ક્ષેત્રને બાદ કરતાં બાકીનાં તમામ ક્ષેત્રોનો ગ્રોથ રેટ નેગેટિવ રહ્યો છે. કૃષિ ક્ષેત્રમાં ૩.૪ ટકાનો ગ્રોથ રેટ જોવા મળ્યો છે, જેને કારણે ભારત ટકી ગયું છે. ભારતના ૧૪૦ કરોડ લોકોની જીવાદોરી કૃષિ અને પશુપાલન છે.

દેશના કિસાનો કાળી મજૂરી કરીને અનાજ, કઠોળ, શાકભાજી, ફળફળાદિ, તેલીબિયાં, કપાસ, શેરડી વગેરે પકવે છે, જેનાથી પ્રજાનું પેટ ભરાય છે. સિમેન્ટ, સ્ટીલ, કલર, કેમિકલ, ઓટોમોબાઇલ, રિયલ એસ્ટેટ જેવા ઉદ્યોગો પ્રજાનું પેટ નથી ભરતા પણ ઉદ્યોગપતિઓના પટારાઓ ભરે છે. પશુપાલકો પણ સખત જહેમત કરીને ગાય,ભેંસ વગેરેનું ભરણપોષણ કરે છે, જેને કારણે આપણને દૂધ, દહીં, ઘી, છાસ, શ્રીખંડ, બાસુંદી વગેરે ખાવા મળે છે. જો લોકડાઉન દરમિયાન કૃષિનો વ્યવસાય પણ ઠપ થઈ ગયો હોત તો પ્રજાને ભૂખે મરવાનો વારો આવત. આપણા સદ્નસીબે સરકાર પાસે કૃષિ ક્ષેત્રનું લોકડાઉન કરવાનું તાળું નહોતું માટે આપણે બધા બચી ગયાં છીએ.

ઉદ્યોગોની વાત કરીએ તો પ્રથમ ત્રણ મહિનામાં દેશના તમામ ઉદ્યોગોનો નેગેટિવ ગ્રોથ રેટ રહ્યો છે. ઉત્પાદન આધારિત ઉદ્યોગોમાં ૩૯.૩ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. બાંધકામ ઉદ્યોગમાં ૫૦ .૩ ટકા જેવો તોતિંગ ઘટાડો જોવા મળ્યો છે. લોકડાઉનને કારણે મોટા ભાગના મજૂરો ભયભીત થઈને પોતાના વતન પહોંચી જતાં બાંધકામનો ઉદ્યોગ આજે પણ તરફડિયાં મારી રહ્યો છે. જો મજૂરોને મીડિયા દ્વારા કોરોના બાબતમાં ભડકાવી દેવામાં ન આવ્યા હોત તો તેમને પોતાની રોજગારીનું સ્થળ છોડીને પગપાળા હજારો કિલોમીટરની મુસાફરી કરવાની ફરજ ન પડી હોત. સરકારે પાછળથી જે શ્રમિક ટ્રેનો શરૂ કરી તે વેળાસર શરૂ કરી હોત તો મજૂરો હાડમારીથી બચી ગયા હોત. ઉત્પાદન અને રિયલ એસ્ટેટ જેવાં ક્ષેત્રોમાં આવેલી મંદી માટે કોરોના નહીં, પણ લોકડાઉન જવાબદાર છે.

કોરોનાને કારણે નહીં પણ લોકડાઉનને કારણે સેવાના ક્ષેત્રમાં ૪૭ ટકાનો નેગેટિવ ગ્રોથ રેટ જોવા મળ્યો છે. સરકારે લોકડાઉન કર્યું તેને કારણે ટ્રેડ, હોટેલ, ટ્રાન્સપોર્ટ, પર્યટન, મનોરંજન, સંદેશવ્યવહાર વગેરે ક્ષેત્રોમાં જબરદસ્ત મંદી પેદા થઈ છે. લોકો ઘરની અંદર ભરાઇ રહેવાને મજબૂર બન્યા હોવાથી તેમના દ્વારા કરવામાં આવતા ખર્ચામાં ૨૫ ટકા જેટલો ઘટાડો થયો છે. આ બધા ક્ષેત્રો રોજગારીનું વિપુલ સર્જન કરતા હોવાથી તેમાં મંદી આવતાં બેકારી પણ વધી છે. શું પ્રજા પર આકરું લોકડાઉન ઠોકી બેસાડનારી સરકાર બેકારોને વળતર આપવાની જવાબદારી લેશે ખરી?

મુંબઇની જીવાદોરી લોકલ ટ્રેનો છે. મુંબઇનાં ૮૦ ટકા લોકો પોતાના કામના સ્થળે જવા માટે લોકલ ટ્રેનો પર આધાર રાખે છે. સરકારે લોકડાઉનની જાહેરાત કરી તેને પગલે લોકલ ટ્રેનો બંધ કરી દેવામાં આવી હતી તે હજુ શરૂ કરવામાં આવી નથી. મુંબઈમાં આજની તારીખમાં લોકલ ટ્રેનો મર્યાદિત પ્રમાણમાં ચાલે છે; પણ તેમાં માત્ર સરકારી કર્મચારીઓ જ મુસાફરી કરી શકે છે. સરકારને પોતાના કર્મચારીઓની ચિંતા છે, પણ કોમન મેનની ચિંતા નથી. મુંબઈના લાખો નાગરિકો આજે લોકલ ટ્રેનના અભાવે પોતાના કામધંધે જઈ શકતા નથી. જો કેન્દ્ર સરકાર દેશભરમાં સેંકડો ટ્રેનો દોડાવી શકતી હોય અને તેમાં કોરોનાનો ખતરો ન હોય તો લોકલ ટ્રેનો કેમ દોડાવી ન શકાય? જો સરકાર પોતાની તરંગી નીતિને કારણે લોકલ ટ્રેનો ન દોડાવતી હોય તો તેણે લોકોને વળતર આપવું જોઈએ.

નાણાંકીય વર્ષ ૨૦૨૦-૨૧ ના પ્રથમ ત્રણ મહિનાના આંકડાઓ જોયા પછી કોઈ એવો આશાવાદ બતાડે કે બાકીના નવ મહિનામાં પરિસ્થિતિ સુધરી જશે અને અર્થતંત્રની ગાડી પાટા પર ચડી જશે; તો તે આશાવાદ પણ ઠગારો પુરવાર થશે. કોરોનાને કારણે નહીં પણ લોકડાઉનને કારણે દેશના અર્થતંત્રને સરકાર દ્વારા જે ગંભીર ફટકો મારવામાં આવ્યો છે તેમાંથી દેશ આગામી નવ મહિનામાં બહાર આવી જાય તેવી કોઈ સંભાવના હાલ દેખાતી નથી. હજુ પણ મહારાષ્ટ્ર, તામિલનાડુ, તેલંગાણા, આંધ્ર પ્રદેશ વગેરે રાજ્યોમાં લોકડાઉનનાં નાટક ચાલુ જ છે. ગુજરાત રાજ્યમાં પુરાતત્ત્વ ખાતા દ્વારા પ્રાચીન સ્મારકો ખોલી કાઢવામાં આવ્યાં છે, પણ સમુદ્રકિનારા પર હજુ તાળાં છે. જે તિથલ બીચ પર વર્ષે લાખો સહેલાણીઓ આવતા હોય છે, તેને કોઈ કારણ વિના બંધ રાખવામાં આવ્યો છે.

કરોડો રૂપિયાના ખર્ચે જે સ્ટેટ્યૂ ઓફ યુનિટી તૈયાર કરવામાં આવ્યું તેને પણ તાળાં મારી દેવામાં આવ્યાં છે.લોકડાઉનને કારણે સૌથી મોટો ફટકો દેશના બેન્કિંગ ક્ષેત્રને પડવાનો છે. લોકડાઉન પહેલાં જ દેશની મોટી બેન્કો બેડ લોનની સમસ્યાને કારણે દેવાળું ફૂંકવાની અણી પર મૂકાઈ ગઈ હતી. લોકડાઉને નબળી પડી ગયેલી બેન્કોને મરણતોલ ફટકો માર્યો છે. જે નાના-મોટા ઉદ્યોગપતિઓ દ્વારા બેન્કો પાસેથી જે લોન લેવામાં આવી હતી તે તેઓ પાછી ચૂકવી શકે તેમ નથી. જે મધ્યમ વર્ગના લોકો દ્વારા હાઉસિંગ અને વેહિકલ લોન લેવામાં આવી હતી તેના હપ્તા તેઓ ભરી શકે તેમ નથી. સરકારે તેમને ૬ મહિના સુધી હપ્તા ભરવામાં છૂટ આપી છે. ૬ મહિના બેન્કો તેમની લોનને બેડ લોન જાહેર નહીં કરે ત્યાં સુધી બેન્કોની ખરી હાલતની આપણને ખબર નહીં પડે. કદાચ ૬ મહિના પછી બેન્કો નાદારી નોંધાવશે ત્યારે આપણને સરકારે અર્થતંત્રને મારેલા ફટકાનો સાચો ખ્યાલ આવશે.

– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Related Posts