ગુજરાતની પેટાચૂંટણીઓમાં ‘પાટીલ’ પાસ, ‘પટેલ’ ફેલ…!

ગુજરાતની પેટાચૂંટણીનાં પરિણામો ગુજરાતના રાજકારણમાં આવનાર ફેરબદલ તરફ અંગુલિનિર્દેશ કરી રહ્યાં છે. પેટાચૂંટણીનાં પરિણામો જે બધાને પહેલેથી ખબર હતી એમ ભાજપનાં જ રહ્યાં. ભાજપ બધા જ મોરચે કોંગ્રેસથી જીતી ગયો. આ ચૂંટણીમાં અને ચૂંટણી પરિણામોમાં બે રાજકીય નેતાના ભવિષ્ય નિર્ભર કરતાં હતાં.

ગુજરાતની પેટાચૂંટણીઓમાં ‘પાટીલ’ પાસ, ‘પટેલ’ ફેલ...!

એક તો ગુજરાતના નવા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનું અને બીજા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલનું, કેમકે બંનેને પેટાચૂંટણી પહેલાં જ જવાબદારી સોંપાઈ હતી.જેમ ભાજપ માટે સી.આર.પાટીલ સ્કાયલેબ હતા એમ કોંગ્રેસ માટે હાર્દિક પટેલ. બંને નેતાઓ પર બંને પક્ષોએ દાવ જ લગાડ્યો હતો, જેમાં પરિણામોએ મહોર મારી દીધી કે પાટીલ પાસ છે અને પટેલ ફેલ છે.

સત્તાવાર પરિણામોની હાલની સ્થિતિની વાત કરીએ તો ગુજરાત પેટાચૂંટણીમાં  આઠ બેઠકો ભાજપે જીતી લીધી છે,જે સીધી રીતે બતાવે છે કે કોંગ્રેસ અને કોંગ્રેસની નેતાગીરી ફરીથી નિષ્ફ્ળ રહી છે, કેમકે કોંગ્રેસ ખરેખર જે પરિસ્થિતિ અને મુદ્દાઓ હતા તેનો ફાયદો ન લઈ શકી. કૉંગ્રેસમાં ટિકિટોની વહેંચણીનું ગણિત ખોટું પડ્યું છે તો બીજી તરફ આંતરિક જૂથબંધીની સમસ્યા પણ નડી ગઈ હોય એવું લાગે છે. ઉદાહરણ તરીકે ધારીની બેઠક કૉંગ્રેસથી જીતી શકાય એવી હતી પણ તેમણે ટિકિટ ઓછા જાણીતા કે કોંગ્રેસમાં ઓછા દેખાતા ઉમેદવારને આપી જેનું પણ તેમને નુકસાન થયું.

બીજી બેઠકોની વાત કરીએ તો અબડાસામાં શંકરસિંહ વાઘેલા નડી ગયા.અહીં કહેવાય છે અપક્ષ ઉમેદવારને ઊભા કરવામાં શંકરસિંહે મોટી ભૂમિકા ભજવી છે. જો આ ઉમેદવાર ન ઊભો રહ્યો હોત તો એને જેટલા મત મળ્યા એ કોંગ્રેસને મળત અને કોંગ્રેસ કદાચ આ બેઠક જીતી જાત. કરજણમાં પણ કોંગ્રેસ ઉમેદવાર પસંદ કરવામાં ઊંધે માથે પટકાઈ, પટેલ ફૅક્ટર સામે જરૂરી ક્ષત્રિય ફૅક્ટરનો અભાવ રહ્યો. તો લીમડીમાં પણ ક્ષત્રિય સામે કોળી મતોની વ્યૂહરચના ફળી હોત પણ તેમણે તેમાં પણ ટિકિટ અન્યને આપી.

ડાંગમાં કોંગ્રેસે ખ્રિસ્તી ઉમેદવારને ટિકિટ તો આપી પણ એની જીત ભગવાન ભરોસે છોડી દીધી. ડાંગમાં ભાજપના આંતરકલહનો ફાયદો પણ કોંગ્રેસ ન ઉઠાવી શકી. કપરાડામાં પૂર્વ કોંગ્રેસી જીતુભાઈ જે કોંગ્રેસમાંથી નજીવા મતે જીત્યા હતા એમની સામે મજબૂત ઉમેદવાર ઊભા કરવામાં કોંગ્રેસ નિષ્ફ્ળ રહી. ગઢડામાં પણ ભાજપના ઉમેદવાર ઘણા મજબૂત હતા.સરવાળે ટિકિટોની વહેંચણીની જે પદ્ધતિ જે તેના કારણે કૉંગ્રેસને નુકસાન થયું અને ભાજપને આ બાબત ફળી છે.

એક બાજુ કોંગ્રેસ એમની આંતરિક લડાઈ લડી રહી હતી તો બીજી બાજુ નવનિયુક્ત અધ્યક્ષ સી. આર. પાટીલે પોતાનું પર્ફોમન્સ બતાવવા માટે એડીચોટીનું જોર લગાવ્યું હતું. ભાજપે આ ચૂંટણીને ઘણી ગંભીરતાથી લીધી હતી. વળી ભાજપ વિજય માટે સક્ષમ ઉમેદવાર પર પસંદગી ઉતારવાનું વધુ પસંદ કરે છે. પક્ષમાં ગદ્દારીના પરિણામ સ્વરૂપે વર્ષો સુધી પ્રગતિ નથી થતી. એટલે સંગઠનની બાબત પણ એક મહત્ત્વનું પરિબળ છે.વળી કોરોના અને વાલીઓના ફી મુદ્દાની બાબતો આ ચૂંટણીમાં વિશેષ અસર નથી ઉપજાવી શકી. વળી કોંગ્રેસના નેતાઓ આ મુદ્દા પર પ્રજાને ન તો સમજાવી શક્યા કે ન તો મતદાન મથકમાં આ મુદ્દે મત નખાવી શક્યા.

ભાજપની આખી જીતનો પાયો સી. આર. પાટીલ રહ્યા કેમ કે તેમની કામગીરી અને ભાજપની સંગઠનશક્તિ બંને બાબત ભાજપ માટે જીતનો મુદ્દો બની.આ પહેલાં પણ પાટીલ સંગઠન અને ચૂંટણીની અનેક જવાબદારીઓ ભાજપ તરફથી જુદાં જુદાં રાજ્યોમાં નિભાવી ચૂક્યા છે એટલે એ અનુભવનો સંપૂર્ણ નિચોડ એમણે પેટાચૂંટણી જીતમાં લગાડી દીધો.

ગુજરાત કોંગ્રેસની વાત કરીએ તો આ પેટા ચૂંટણીમાં જ નહીં, ભરતસિંહ સોલંકીએ પ્રમુખપદ છોડ્યું પછી એકદમ નબળી પડી ગઈ છે. ગુજરાતમાં કોરોના સ્થિતિની વાત હોય કે બેરોજગારીનો મુદ્દો હોય, કોંગ્રેસના નેતાઓ માત્ર નિવેદનબાજી જ કરી રહ્યા છે.ભરતસિંહનાં પદ છોડ્યા પછી એમના અનુગામી તરીકે અમિત ચાવડા પદ પર બેઠા, પણ એમણે સંગઠનની મજબૂતી પર ધ્યાન આપવાની જગ્યાએ જૂથ પર વધારે ભાર આપ્યું.ઉમેદવારોની પસંદગીમાં પણ અમિત ચાવડાનો રોલ નબળો રહયો.

હા, એ વાત અલગ છે કે ઉમેદવારોની પસંદગીમાં હાર્દિક પટેલે ખૂબ સક્રિય ભૂમિકા ભજવી, પણ પરિણામો કહે છે કે હાર્દિકની પસંદગી અને ઉમેદવારોની પસંદગી બંનેમાં કોંગ્રેસે માર ખાધો છે. કોંગ્રેસને હજી સુધી ખ્યાલ નથી આવ્યો કે સ્થાનિક ચૂંટણીમાં ઉમેદવારની વગ અને પ્રભાવ તથા સ્થાનિક પ્રશ્નો અગત્યના હોય છે. મતદાતા તેનું કામ જે કરી આપે તેને વધુ મહત્ત્વ આપે છે.

હાર્દિક ઉપર કોંગ્રેસને બહુ મોટો ભરોસો હતો.ચર્ચા તો એવી પણ હતી કે પેટાચૂંટણીનાં પરિણામો પછી ગુજરાત કોંગ્રેસની કમાન હાર્દિક પટેલને સોંપી દેવાશે પણ પેટાચૂંટણીનાં પરિણામો જોઈએ તો ખ્યાલ આવે છે કે હાર્દિક પટેલે જ્યાં જ્યાં પણ સભાઓ કરી હતી ત્યાં તેઓ હાર્યા છે.આવા સંજોગોમાં હાર્દિક પોતાના ખભે આખી કોંગ્રેસને લઇ કેવી રીતે ચાલશે?

          -આ લેખમાં પ્રગટ થયેલાં િવચારો લેખકનાં પોતાના છે.

Related Posts